<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

મહિલાઓ પોતાના અધિકારો માટે જાગૃત બનેઃ પ્રભવ જોષી

કલેકટર કચેરી ખાતે મહિલાઓની જાતીય સતામણી અન્‍વયે જાગૃતિ સેમીનાર યોજાયો

રાજકોટ તા. ૬: ‘નારી વંદન ઉત્‍સવ' અંતર્ગત આજે પાંચમાં દિવસની ‘મહિલા કર્મયોગી' દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષ સ્‍થાને મહિલાઓ માટે કામકાજના સ્‍થળે જાતીય સતામણી અંગે જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો હતો.

આ તકે કલેકટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્‍યું હતું કે, રાજયસરકાર દ્વારા મહિલા સશક્‍તિકરણ અંતર્ગત વિવિધ યોજનાઓ કાર્યરત છે. જયારથી દીકરીઓનો જન્‍મ થાય છે ત્‍યારથી લઈ દીકરીના લગ્ન અને નિવૃત્ત જીવનમાં પણ સહારો થાય ત્‍યાં સુધીની યોજનાઓ અમલમાં છે. અત્‍યારે વર્કિંગ વુમનનું પ્રમાણ વધુ છે, ત્‍યારે ઘર અને ઓફિસ બંને સાથે સંભાળવું અઘરું બને છે. મહિલાઓની સુરક્ષાને લઈને  ઓફિસમાં ઘણા કિસ્‍સાઓ બનવાની સંભાવના હોવાથી મહિલાઓની સુરક્ષાની જાળવણી જરૂરી છે. દરેક મહિલાઓ પોતાના સ્‍વરક્ષણ માટે મહિલાલક્ષી કાયદા વિશે માહિતી મેળવે તે ખૂબ જરૂરી છે. ત્‍યારે આ કાર્યક્રમ ખૂબ મહત્‍વનો સાબિત થશે. હવે સમય બદલાયો છે, તમામ મહિલાઓએ પોતાના હક માટે જાગૃત થવાની જરૂર છે.

જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણીએ જણાવ્‍યું હતું કે, સરકારની કાયદાકીય સુરક્ષા અને યોજનાકીય સુરક્ષા થકી મહિલા સશક્‍તિકરણને વેગ મળ્‍યો છે. હાલ દીકરીઓ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે, જે બાબતે તેમણે સૌને જાણકારી આપી હતી.

આ વેળાએ એડવોકેટ શ્રી નમ્રતાબેન ભદોરિયાએ સરકારી કચેરીની મુલાકાત લેનાર મહિલાઓ સાથે પણ ઉત્‍પીડનનો કેસ બન્‍યો હોય તો તેમને પણ ન્‍યાય આપવાની અને તેમની ફરિયાદની તપાસની શું જોગવાઈ છે તે બાબતે જાણકારી આપી હતી.

આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, રાજકોટ જિલ્લાની તમામ કચેરીમાં રચાયેલી આંતરિક સમિતિના અધ્‍યક્ષશ્રીઓ સહિત કચેરીઓમાં કાર્યરત મહિલા અધિકારીશ્રીઓ અને મહિલા કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:51 PM IST)