<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

પેડક રોડ પર ચાંદીના કારખાનામાં આગ ભભૂકીઃ લોકોને અગાસીએથી છજા પર અને ત્‍યાંથી નીચે ઉતારાયાઃ સદ્દનસિબે જાનહાની અટકી

રાજકોટઃ શહેરના સામા કાંઠે પેડક રોડ પર બાલાજી હનુમાન મંદિર પાસે આવેલ જે. કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ ભભૂકતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ દોડી ગઇ હતી અને પોલીસ સ્‍ટાફ પણ પહોંચી ગયો હતો. ચોથા માળે ભભૂકેલી આગને કારણે મોટા ભડકા અને ધુમાડાના ગોટેગોટા નીકળતાં તે દૂર સુધી જઇ શકાતા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.  કારખાનાની છત પરથી લોકો છજા પર આવી ત્‍યાંથી પાઇપ પકડી નીચે ઉતર્યા હતાં. પેડક રોડ પર બાલાજી હનુમાન મંદિર પાસે જયેશભાઇ બાબુલાલ કોંરાટના જે. કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં એલિવેશન પ્‍લાન્‍ટમાં ચોથા માળે આગ લાગી હતી. બનાવની જાણ થતાં  કનક રોડ અને બેડીપરા ફાયર સ્‍ટેશનના ફાયર ફાઈટર દોડી ગયા હતા અને અડધી કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો. આગને પગલે ઉપરના માળે રહેલા કારીગરો તથા બીજા લોકો હેમખેમ રીતે નીચે ઉતારવા ફાયર બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી. આગથી કેટલી નુકસાની થઇ અને કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. તસ્‍વીરમાં આગનું દ્રશ્‍ય અને કઇ રીતે લોકોને નીચે ઉતાર્યા તે દ્રશ્‍ય (રાઉન્‍ડ કર્યુ છે તે) જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:58 PM IST)