<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

કચ્‍છ-ગાંધીધામ સેન્‍ટ્રલ GSTના રાજકોટમાં પાન-મસાલાના બે વેપારીઓને ત્‍યાં આજે દરોડા ચાલુઃ ૪૦ લાખની ટેક્ષ ચોરી?!

માહી અને એમએમ માર્કેટીંગ ઉપરના દરોડામાં રાજકોટના અધિકારીઓ મોડેથી જોડાયા

રાજકોટ તા. ૭ :.. કસ્‍ટમ્‍સ-સીજીએસટી  ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓએ રાજકોટ શહેરમાં પાન-મસાલાના બે મોટાગજાના વેપારીઓ પર કચ્‍છ (ગાંધીધામ) ડીજીજીઆઇના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે અને બંને સ્‍થળો પર ઝીણવટભરી રીતે સાહિત્‍યની ચકાસણી કરવામાં આવી રહી છે. જે પૂર્ણ થયા બાદ મોટી જીએસટી ચોરીનો આંક બહાર આવવાની શકયતા વ્‍યકત કરવામાં આવી રહી છે.

આજે પણ દરોડા ચાલુ હોવાનું અને પ્રાથમિક તપાસમાં ૩પ થી ૪૦ લાખની ટેક્ષ ચોરી બહાર આવી છે.

કચ્‍છ (ગાંધીધામ) ની ડીજીજીઆઇની ટીમ દ્વારા શહેરના કરણપરા અને આમ્રપાલી નજીકના સીટી સેન્‍ટરમાં બે મોટાગજાના પાન-મસાલાના વેપારી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

બંને સ્‍થળોએ સાહિત્‍યની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ ડીજીજીઆઇની ટીમ સાથે રાજકોટ રીજીયોનલ યુનિટના સ્‍ટાફ પણ તપાસમાં જોડાયેલ છે. જયારે વેટનો કાયદો અમલી હતો અને તે પહેલા ઓકટ્રોય વસુલી ચાલુ હતી ત્‍યારે પણ સોપારી અને પાન-મસાલામાં મોટી માત્રામાં ચોરી કરવામાં આવતી હતી હવે જીએસટીના અમલીકરણ બાદ પણ ચોરીનો સીલસીલો જારી રહ્યો છે. એકાએક ડીજીજીઆઇ એ ઓપરેશન હાથ ધરતા અન્‍ય પાન-મસાલાના વેપારીઓમાં આ સર્ચ ઓપરેશનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અમુક વેપારીઓની દુકાનના શટર ખુલ્‍યા જ ન હતાં.

કચ્‍છ-ગાંધીધામના અધિકારીઓએ રાજકોટમાં માહી માર્કેટીંગ અને એમ. એમ. માર્કેટીંગ ઉપર દરોડા પાડયા હતા, આમ્રપાલી ફાટક પાસે આવેલ સીટી સેન્‍ટરના ત્રીજા  માળે માહી માર્કેટીંગ, અને કરણપરા ખાતે એમ. એમ. માર્કેટીંગ ઉપર ગઇકાલે સાંજે તપાસનો ધમધમાટ શરૂ કરાયો તે આજે બપોરે પણ ચાલુ હોવાનું  અધિકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

(11:04 AM IST)