News of Wednesday, 7th August 2024
કલેકટર - રાઇડ માલીકો વચ્ચે મંત્રણા ફેઇલ : તો મેળાના રંગ ઉડી જશે
રાજકોટનો લોકમેળો ફારસરૂપ - ફિક્કો બની રહેવાના સંકેતો : હવે ગાંધીનગર સુધી દોરડા ધણધણયા આકરા નિયમોની હવે રાજકોટની પ્રજામાં ભારે ટીકા : 'કાનુડા'ના મેળામાં 'રાઇડ'નો હોય તો 'મોર' થનગનાટ નહી કરે

રાજકોટ તા. ૭ : રાજકોટ કલેકટર અને યાંત્રીક રાઇડના માલીકો વચ્ચે સરકારની નવી SOP અંગે ગઇકાલે સાંજે વધુ એક વખત મંત્રણા યોજાઇ તેમાં NDT સર્ટીફીકેટ, જમીન - લોઇલ ટેક્ષ અને ફાઉન્ડેશન બાદ જ રાઇડ મૂકવા અંગે સુખદ સમાધાન નહી થતાં અને કલેકટરે સરકારની આવેલી SOP - કડક નિયમોનું ફરજીયાત પાલન કરવુ પડશે તેમ જણાવી દેતા રાઇડના માલિકો - સંચાલકોએ સાફસાફ એ શકય નહિ હોવાનું જણાવી દેતા મંત્રણા પડી ભાંગી હતી, ફેઇલ ગઇ હતી, ગઇકાલની મીટીંગમાં એકસપર્ટ ઇજનેરો પણ હાજર રહ્યા હતા, કલેકટરે સ્ટ્રકચર એન્જીનિયરની યાદી પૂરી પડાશે તેમ પણ સુવિધા આપી પરંતુ રાઇડ સંચાલકોએ નમતુ જોખવાની ના પાડી દિધી હતી.
આ મંત્રણા ફેઇલ બાદ કાલે વધુ એક વખત ફાઇનલ હરરાજી રખાઇ છે, જો એમાં રાઇડ સંચાલકો ભાગ નહિ લ્યે તો અન્ય વિકલ્પ અંગે તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે.
અત્રે ઉમેરવું જરૂરી કે રાજકોટનો લોકમેળો ઉંચા - ઉંચા આસમાનને આંબતા ફજત ફાળકા, ટોરાટોરા - ટ્રેન, મોટા ઝૂલા - મોતના કુવા વિગેરે આકર્ષક રાઇડથી શોભતો હોય છે, રાઇડ માલીકો મેઘ ધનુષના સાત રંગોથી મેળાને રંગીન બનાવે છે, પરંતુ રાઇડ સંચાલકો આકરા નિયમો સામે લાચાર બની જતા અને મેળામાં જો રાઇડ નહિ મૂકે તો મેળો ફારસરૂપ અને ફિક્કો બની રહેવાના સંકેતો મળી રહ્યા છે.
રાજકોટના મેળામાં કોકડૂ ગૂંચવાતા હવે ગાંધીનગર સુધી દોરડા ધણધણયા છે. સરકારે ઠોકી બેસાડેલા આકરા નિયમોની રાજકોટની પ્રજામાં ભારે ટીકા થઇ રહી છે, કાનુડાના મેળામાં રાઇડ નો હોય તો મોર બની મન થનગનાટ નહિ કરે તે પણ હકીકત છે, રાઇડ માલીકો કરે છે, અન્ય રાજ્યોમાં આવા કોઇ નિયમો નથી, માત્ર ગુજરાતમાં સરકારના કડક અને અમલ ન કરી શકાય તેવા નિયમો હોવાનો ગુસ્સો રાઇડ સંચાલકોએ વ્યકત કર્યો હતો.
(12:25 PM IST)










