<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

તુવેર દાળના સોદામાં જામનગરના પિતા-પુત્રની રાજકોટના વેપારી જયેશભાઇ તન્‍ના સાથે ઠગાઇ

માધાપર ચોકડીએ પૂજા એન્‍ટરપ્રાઇઝ ધરાવતાં વેપારીએ ૧૦૦ કટા ચીકૂ બ્રાન્‍ડની તુવેર દાળ ખરીદી ૩ લાખ ચુકવ્‍યા હતાં: દાળ ખરાબ નીકળતાં પરત મોકલાવી દીધી, પણ તેને રૂપિયા પાછા ન અપાયાઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૭: રૈયાધારમાં રહેતાં અને માધાપર ચોકડીએ પૂજા એન્‍ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતાં વેપારી સાથે જામનગરના અનાજ-કઠોળના વેપારી પિતા-પુત્રએ તુવેર દાળના સોદામાં ૩ લાખની ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે. રાજકોટના વેપારીએ આ બંને પાસેથી ૧૦૦ કટા દાળ ખરીદી હતી, અને રોકડા ચુકવી દીધા હતાં. પરંતુ જે બીજા વેપારીઓ દાળ ખરીદી ગયા હતાં તેણે દાળની ક્‍વોલીટી સારી ન હોઇ આ દાળ પરત આપતાં વેપારીએ જામનગર ૧૦૦ કટા દાળ પરત મોકલી પોતે ચુકવેલી રકમ પાછી માંગી હતી. પરંતુ બંનેએ રકમ ન ચુકવી ઠગાઇ કરતાં પોલીસને જાણ કરાઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયાધાર જલારામ ચોક સોપાન લક્‍ઝરીયા ફલેટ નં. સી-૧૨૦૩માં રહેતાં અને જામનગર રોડ માધાપર ચોકડીએ પત્‍નિ પૂજાના નામે પૂજા એન્‍ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતાં વેપારી જયેશભાઇ તુલસીદાસ તન્‍ના (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી બીપીન જે. સીમરીયા અને તેના પુત્ર અંકિત બિપીનભાઇ સીમરીયા વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૧૧૪ મુજબ ચીકુ બ્રાન્‍ડની તુવેરદાળના સોદામાં   ૩,૦૮,૮૫૦ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જયેશભાઇ તન્‍નાએ જણાવ્‍યું છે કે સાતે વર્ષ પહેલા જામનગરના જલારામ સપ્‍લાયરવાળા બીપીન જે. સીમરીયાનો મને ફોન આવ્‍યો હતો કે હું અનાજ કઠોળની દલાલીનું કામ કરુ છું અને તમારે અનાજ જોઇતુ હોય તો મારો સંપર્ક કરજો. આ પછી મેં અવાર-નવાર તેનો સંપર્ક કરી તેની પાસેથી અનાજ કઠોળ મંગાવ્‍યા હતાં. ત્રણેક વર્ષ પહેલા બિપીનભાઇએ જલારામ સપ્‍લાયર નામની પેઢી ચાલુ કરી હતી. તે તેના દિકરા અંકિતના નામથી હતી. હું તેની પાસેથી રેગ્‍યુલર અનાજ-કઠોળ મંગાવતો હતો તેથી ઘર જેવા સંબંધ થઇ ગયા હતાં. ૧૮/૯/૨૩ના રોજ બીપીનભાઇને મેં ફોન કરી ચીકૂ બ્રાન્‍ડની તુવેરદાળના ૫૦ કટા મંગાવ્‍યા હતાં. જે તેના દિકરા અંકિતે મને ટ્રાન્‍સપોર્ટ મારફત મોકલી હતી. જેમાં મજુરી સાથે કુલ રૂા. ૧,૫૪,૩૭૫નું બીલ હતું. મેં ફરી થોડા દિવસ બાદ આ જ બ્રાન્‍ડની વધુ ૫૦ કટા તુવેરદાળ મંગાવી હતી. તે પણ અંકિતે મને ૨/૧૦ના રોજ ટ્રાન્‍સપોર્ટથી મોકલી હતી. જેનું બીલ ૧,૫૪,૬૮૦ હતું.

આમ કુલ ૧૦૦ કટા તુવેર દાળ મેં તેની પાસેથી લીધી હતી. જેમાં એક કટામાં ૩૦ કિલો દાળ હોય છે. આ બીલના કુલ રૂા. ૩,૦૮,૮૫૦ મેં તેમને આઇએમપીએસથી ચુકવી દીધા હતાં. આ પછી મેં આ ૧૦૦ કટા દાળ અલગ અલગ વેપારીઓને વેંચી દીધી હતી. પરંતુ બાદમાં જેણે આ દાળ ખરીદી હતી એ વેપારીઓના મને ફોન ચાલુ થઇ ગયા હતાં કે દર વખતે તેઓ જે ચીકૂ બ્રાન્‍ડની તુવેર દાળ લઇ જાય છે તેના કરતાં આ વખતે ક્‍વોલીટી અલગ છે અને દાળ બરાબર નથી. આવી ફરિયાદો આવતાં મેં આ બધા વેપારીઓને દાળના કટા પરત આપી જવા કહ્યું હતું. આ વાત મેં બિપીનભાઇ અને તેના દિકરા અંકિતને કરતાં તેણે પણ આ દાળના કટા પાછા મોકલી દેજો અમે તમને રૂપિયા પાછા આપી દઇશું. આથી મેં તેમને કુલ ૮૮ કટા દાળ પરત મોકલી દીધી હતી. તેણે ૭૭ કટાસંભાળી લીધા હતાં અને ૧૧ કટા મને પરત મોકલી દીધા હતાં. એ પછી બીજા વેપારીઓએ પણ મને ૧૨ કટા દાળ પાછી આપતાં કુલ ૧૦૦ કટા દાળ મેં તેને પરત આપી દીધી હતી. જેના મારે ૩,૦૮,૮૫૦ લેવાના હતાં.

પરંતુ આ બંને બાપ-બેટો અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં મારી કાયદેસરની રકમ આપતાં ન હોઇ અંતે મારા પત્‍નિ પૂજાબેને પોલીસ કમિશનરને ગત ૨૧/૫ના રોજ અરજી કરી હતી. હવે તેના આધારે અમે આ બંને પિતા-પુત્ર વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં જયેશભાઇએ જણાવતાં એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ વી. એચ. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:42 PM IST)