News of Wednesday, 7th August 2024
ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ ધરાવતો રાણાવાવનો ૪ વર્ષનો બાળક રાજકોટ સિવિલમાં સ્વસ્થ થયો
૧૫ દિવસની સારવાર બાદ રજા અપાઇઃ અત્યાર સુધીમાં સોૈરાષ્ટ્રભરના ૩૦ દર્દીઓને સારવાર અપાઇઃ તેમાં ૬ રિપોર્ટ પોઝિટીવ હતાં, જે પૈકી બેના મોત થયા હતાં: નેગેટિવ-પોઝિટિવ મળી ૮ના મૃત્યુઃ ૨૩ દર્દીના રિપોર્ટ નેગેટિવઃ હાલ ૬ દર્દી સારવાર હેઠળઃ ડો. હેતલ કયાડાએ જણાવી વિગતો

રાજકોટ તા. ૭: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચાંદીપુરાના રોગચાળાને કારણે ઘણા બાળકોના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે. દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ ધરાવતો વધુ એક બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
પોરબંદરના રાણાવાવના ૪ વર્ષના બાળકને ચાંદીપુરાની શંકા સાથે રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ તેનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સતત ૧૫ દિવસની સારવારના અંતે આજે આ બાળક સંપુર્ણ સ્વસ્થ થતાં તેને રજા અપાઇ છે.
તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાં ઝનાના વિભાગ, બાળકોના વિભાગના હેડ અને તેમની ટીમો સતત અને સઘન સારવાર કરી બાળ દર્દીઓને સાજા કરે છે. મીડીયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ કયાડાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટમલાં સોૈરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાંથી કુલ ૩૦ દર્દીઓને ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરાયા છે.
આ ૩૦માંથી ૬ દર્દીના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતાં. જેમાં બે દર્દીના મૃત્યુ થયા હતાં અને બે દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. જ્યારે બે દર્દી હાલ સારવાર હેઠળ છે. કુલ ૨૩ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. તેમાંથી સારવાર દરમિયાન ૯ના મૃત્યુ થયા છે. જ્યારે ૮ને સંર્પુણ સાજા થતાં રજા અપાઇ છે. હાલ કુલ છ દર્દી સારવાર હેઠળ છે. એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે
(2:00 PM IST)










