તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 7th August 2024
‘તમે હવી અહીંથી જતા રહો, તમારૂ કોઇ કામ નથી' કહી રાજકોટની વિધવાને સાસરીયાએ કાઢી મુકી
નવલનગરમાં માવતર સાથે રહેતા દક્ષાબેન પરમારની જામનગર અને ધ્રોલમાં રહેતા સાસુ, સસરા, જેઠ સહિત સામે મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૭: ગુરૂપ્રસાદ ચોક પાસે નવલનગરમાં રહેતી વિધવા મહિલાને ધ્રોલ અને જામનગરમાં રહેતા સાસુ, સસરા, મોટા સસરા, જેઠ સહિતના સાસરીયાઓએ ‘તમે અહીંથી જતા રહો, તમારૂ કોઇ કામ નથી' મેણાટોણા મારી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા મહિલા પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નવલનગર-૩માં માતા-પિતા સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતા દક્ષાબેન વિનોદભાઇ પરમાર (ઉ.વ.૩૦)એ મહિલા પોલીસ સ્ટેશનમાં જામનગર ધ્રોલમાં બારનાલા વાડી વિસ્તારમાં રહેતા સસરા દયાળજીભાઇ માધવજીભાઇ પરમાર, સાસુ સરોજબેન દયાળજીભાઇ પરમાર, મોટા સસરા હરજીભાઇ માધવજીભાઇ પરમાર, જેઠ નીતેશ દયાળજીભાઇ પરમાર, જેઠાણી કોૈશલ્યા પરમાર, રાજકોટ રામાપીર ચોકડી પાસે ભારતીનગરના મોટા નણંદ વનીતાબેન સંજયભાઇ ચોૈહાણ, નણદોયા સંજયભાઇ ચોૈહાણ, જામનગર શંકર ટેકરી પોલીસ સ્ટેશન સામે સમૃધ્ધી એસ્ટેટમાં રહેતા નણંદ પ્રવીણા પ્રકાશભાઇ રાઠોડ અને નંણદોયા પ્રકાશભાઇ અરવીંદભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. દક્ષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે છ એક વર્ષ પહેલા પોતાને ધ્રોલમાં રહેતા વિનોદભાઇ પરમાર સાથે પ્રેમ સંબંધ હોઇ જેથી લગ્ન કરવા માટે બંનેએ પોતપોતાના પરિવાર સાથે વાત કરી હતી અને પોતાના માતા-પિતાએ સહમત થયા પરંતુ વિનોદના પરિવારજનો જ્ઞાતી બીજી હોવાને લીધે મંજુર ન હોઇ, તેથી પોતે વિનોદ સાથે ગત તા.૧૮/૫/૨૦૧૯ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. બાદ બંનેના પરિવારજનોની સહમતીથી જ્ઞાતીના રીતરીવાજ મુજબ તા.૨૧/૧૧/૨૦૧૯ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પોતે પતિ સાથે ધ્રોલમાં સંયુકત પરિવાર સાથે રહેતા હતા. પતિ બેંકમાં નોકરી કરતા હતા. ત્યારે મોટા નણંદ અને નણદોયાએ પોતાને કહેલ કે ‘અમારી જ્ઞાતી મુજબમાં છોકરીના લગ્ન થાય ત્યારે સોના-ચાંદીના દાગીના આપવાનો રીવાજ છે. તે તમારા માતા-પિતાએ આપ્યા નથી. અને કોઇ વસ્તુ પણ આપી નથી ‘તેમ મેણાટોણા મારતા હતા તેમજ સસરાએ ‘તમે માવતર પાસેથી ટુ-વ્હીલર લેતા આવજો' અને પતિને દર મહિને રૂા.૧૦ હજાર આપતા છતા તેને પણ વારંવાર હેરાન કરતા હતા. જેઠ અને મોટા સસરા મેણા-ટોણા મારતા હતા. જામનગરથી નણંદ અને નણંદોયા પોતાના ઘરે આવ્યા ત્યારે પોતાને રાજકોટ આંટો મારવા જવાનું હોઇ ત્યારે બંનેએ કહેલ કે, ‘પ્રેમ લગ્ન કર્યા હોઇ તેને માતા-પિતાના ઘરે શું જવાનું હોઇ, આ દક્ષાને કયાંય જવા ન દેવાય ઘરમાંજ રખાય અને ઘરકામ જ કરાવાય તેમ કહેતા હતા. જેઠના લગ્ન વખતે તૈયાર થવામાં મોડુ થતા બંને નણંદે પોતાની સાથે ઝપાઝપી કરી મારમાર્યો હતો. પતિએ વચ્ચે પડી પોતાને વધુ મારથી છોડાવ્યા હતા. બે વર્ષ બાદ પતિને કેન્સરની બીમારી હોઇ જેથી પોતે પતિ સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા અને પતિની સારવાર કરાવતા હતા. બાદ તેની હાલત ગંભીર થતા તેને વોકહાર્ટ હોસ્પિટલમાં તેમજ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. બાદ પતિને ધ્રોલ ખાતે લઇ ગયા હતા ત્યારે જેઠાણી પોતાને ઘરકામ અને રસોઇ બાબતે હેરાન કરતા હતા. બાદ તા.૧૩/૧/૨૩ના રોજ પતિનું મૃત્યુ થયું હતું. પતિની બીમારી વખતે આ લોકોએ સાર સંભાળ કે કોઇ ખર્ચ આપ્યો ન હતો પતિની અંતીમવિધિ પુરી થઇ જતા સસરાએ કહેલ કે ‘તમે હવે અહીંથી જતા રહો' કહી પોતાની સાથે ઝઘડો કરી ગાળો આપી હતી અને સાસુએ કહેલ કે ‘તમારૂ અહી કોઇ કામ નથી અને હવે આ ઘરમાં આવતા નહી જાવ અમારૂ ઘર છોડીને જયાં જવું હોય ત્યાં જતા રહો'. જેથી પોતે ત્યારે જ બીકના લીધે પોતે રાજકોટ માતા-પિતાના ઘરે રહેવા આવી ગયા હતા. પોતાના પતિના વારસાઇના નામે મળેલ જમીન જે હાલ પોતાના નામે થઇ ગઇ હોઇ તે જમીન સસરા તથા પરિવારજનો પોતાની પાસેથી પરત લેવા માટે માંગણી કરી હેરાન કરતા હોઇ તેથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ. વિજયભાઇ બાલસે તપાસ હાથધરી છે.(૨.૧૧)
(3:34 PM IST)










