News of Wednesday, 7th August 2024
ફોરેસ્ટની ભરતીમાં માર્કસમાં ગોટાળા...CBRT પધ્ધતિ નાબૂદ કરવા સહિતની માંગણીઓ સાથે : NSUIની ધમાલઃ કલેકટર કચેરીને ઘેરાવઃ આગેવાનોની અટકાયત
એક આગેવાન પોલીસની ગાડી ઉપર ચડી ગયાઃ ઉગ્ર સૂત્રોચ્ચાર-દેખાવો-કલેકટર કચેરીના દરવાજા બંધ કરવા પડયાઃ પોલીસ બોલાવવી પડી : કલેકટર કચેરીમાં ધમાલ સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીની કલેકટર સાથે વીસી ચાલુ હતી : જે વ્યકિત પહેલા ટ્રાફિક સંભાળતો હતો તે હવે પોલીસવડો

કલેકટર કચેરીએ ઉમેદવારોની ધમાલઃ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મામલે રાજકોટ કલેકટર કચેરી ખાતે આગેવાનો-ઉમેદવારોએ કલેકટર કચેરીને ઘેરાવ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો, ભારે ધમાલ મચી હતી. કલેકટર કચેરીના દરવાજા બંધ કરવા પડયા હતા, પોલીસ કાઠલા પકડી આગેવાનોને લઇ ગઇ હતી, એક આગેવાન કે ઉમેદવાર પોલીસની ગાડી ઉપર ચડી ગયો હતો, પોલીસે તેને ઉંચકીને ઉતારવો પડયો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૭: એનએસયુઆઇના આગેવાનો નરેન્દ્ર સોલંકી અને અન્યોએ તથા ફોરેસ્ટ ભરતીમાં આત્મીયનો ભોગ બનનાર ૧પ૦ થી ર૦૦ ઉમેદવારો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા, સરકાર હાય હાય, મુખ્યમંત્રી હાય હાય, CBRT પધ્ધતિ નાબૂદ કરો, સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા રાજકોટ કલેકટર કચેરીને ૩૦ મિનીટ સુધી ઘેરાવ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું, કલેકટર કચેરીના દરવાજા બંધ કરવા પડયા હતા, પોલીસ બોલાવવી પડી હતી, આમ છતાં ઘેરાવ-દેખાવો-ઉગ્ર સૂત્રોચ્ચાર ચાલુ રહેતા પોલીસે આગેવાનોની અટકાયત કરી લીધી હતી, અટકાયત સમયે એક ઉમેદવાર કે આગેવાન પોલીસની ગાડી ઉપર ચડી સૂત્રોચ્ચાર કરવા માંડતા ભારે ધમાલ થઇ હતી, પોલીસે ગાડી ઉપર ચડવું પડયું હતું, છેવટે પોલીસ અટકાયત કરી આગેવાનોને પોલીસ સ્ટેશન ઉપાડી ગઇ હતી.
અત્રે ઉમેરવું જરૂરી કે આ ધમાલ ચાલુ હતી ત્યારે હર ઘર તિરંગા મુદ્દે રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની કલેકટર સહિતના અધીકારીઓ સાથે વીસી ચાલુ હતી.
કલેકટરને અપાયેલ આવેદનમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનાં માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ-ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર, એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે.આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જયારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતુ઼ કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પાદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઇ અનુભવ જ નથી હોતો તેમજ ગૌણસેવાનાં અધિકારી અને એજન્સીનાં માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વભુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઇ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઇએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઇ જાય છે.
બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કો પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઇ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CBRT પદ્ધતિને કારણે દૂર થવી જોઇએ. ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફકત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા/કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઇઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે?
આ ઉપરાંત મહત્વની બાબતે એ છે કે ફોરેસ્ટ ભરતીમાં થયેલ ગોટાળા વિરોધમાં હાલમાં વિદ્યાર્થીઓ પોતાની માંગણી સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે. આ બાબતે અમારૂં મંતવ્ય છે કે ર૦રરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. ૮ર૩ પદ માટે ૮ લાખ અરજીઓ થઇ હતી અને તેમાંથી ૪ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માકર્સ જાહેર થવા જોઇએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઇ અમારી માંગ છે કે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્કસ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે.
(4:00 PM IST)










