<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ટેન્‍કરે બાઇકને ઉલાળતાં માધાપર ચોકડીએ રહેતાં ભાસ્‍કરભાઇ મુંગરાનું માથું છુંદાઇ જતાં મોતઃ હેલ્‍મેટનો બૂકડો બોલી ગયો

ગોંડલ રોડ ચોકડી નુરાનીપરા નજીક સવારના પ્‍હોરમાં જીવલેણ અકસ્‍માત : શાપર કંપનીમાં નોકરીએ જતી વખતે બનાવઃ ટેન્‍કર મુકી ચાલક ભાગી ગયોઃ આધારસ્‍તંભ દિકરાના મોતથી મુંગરા પરિવારમાં શોકની કાલીમા

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે બાઇક, ભાસ્‍કરભાઇ મુંગરાનો મૃતદેહ, તેમનો ફાઇલ ફોટો અને ટેન્‍કર તથા અકસ્‍માતને પગલે વાહનોની કતાર જામી ગઇ તે દ્રશ્‍યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: જીવલેણ અકસ્‍માતની વધુ એક ઘટના બની છે. ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ નજીક નુરાનીપરાના ગેઇટ પાસે સવારે ટેન્‍કરે બાઇકને ઉલાળતાં બાઇક ચાલક યુવાન રોડ પર ફેંકાઇ ગયા બાદ માથા પર ટ્રકના વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ યુવાને હેલ્‍મેટ પહેર્યુ હતું તેનો પણ બૂકડો બોલી ગયો હતો અને મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ સવારે ગોંડલ રોડ નુરાનીપરાના ગેઇટ નજીક ટેન્‍કરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં બાઇક ચાલક યુવાન રોડ પર ફેંકાઇ ગયા બાદ તેના માથા પર ટેન્‍કરના વ્‍હીલ ફરી વળતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. તેણે પહેરેલા હેલ્‍મેટનો પણ બૂકડો બોલી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હરપાલસિંહ સહિતના સ્‍ટાફે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવાન પાસેથી મળેલા આધારકાર્ડ અને મોબાઇલ ફોનને આધારે પોલીસે તપાસ શરૂ કરતાં આ યુવાનનું નામ ભાસ્‍કરભાઇ નાથાલાલ મુંગરા (ઉ.વ.૪૧) હોવાનું અને તે માધાપર ચોકડીએ મનમોહન મારબલવાળી શેરીમાં રહેતાં હોવાનું ખુલ્‍યું હતું. મૃત્‍યુ પામનાર ભાસ્‍કરભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. પોતે શાપર કેપ્‍ટન કંપનીમાં નોકરી કરતાં હતાં. સવારે બાઇક પર નોકરીએ જતી વખતે રસ્‍તામાં કાળ ભેટી ગયો હતો. આધારસ્‍તંભ દિકરાના મોતથી મુંગરા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા ટેન્‍કર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી તેની શોધખોળ હાથ ધરી હતી. બનાવ સ્‍થળેથી તસ્‍વીરો જાગૃત નાગરીક અયુબભાઇએ મોકલી હતી.

(3:23 PM IST)