તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
લોકમેળામાં નિયમોમાં કોઇ ફેરફાર નહિં થાયઃ જાહેર હિતમાં રાઇડ સંચાલકો હરરાજીમાં ભાગ લ્યે તેવી કલેકટરની અપીલ
રાઇડ માલીકોનો બહિષ્કાર યથાવતઃ બપોરે બાદ રેસકોર્સમાં ભેગા થશે પણ હરરાજીમાં સંભવતઃ નહિં જાય... રાઇડ માલીકો કહે છે...તંત્ર નિયમો હળવા કરેઃ રાઇડ વગર ગરીબ-મધ્યમ વર્ગ પણ ભારે નારાજ થશે આકરા નિયમોને કારણે આજે બપોરે સુરેન્દ્રનગરમાં પણ હરરાજી અટકી પડીઃ ગામે ગામ વિરોધ

રાજકોટ તા. ૮: શહેરમાં TRP ગેમ ઝોન દુર્ગટના બાદ રાજકોટના લોકમેળામાં રાઇડ માલીકો માટે સરકારે નવી SOP માં ભારે આકરા નિયમો બનાવ્યા છે, આ નિયમોમાં રાઇડ માલીકો માટે ફરજીયાત ફાઉન્ડેશન, NDP સર્ટિફિકેટ, સોઇલ ટેક્ષ વિગેરેમાં રાઇડ માલીકોને પોણા બે લાખ જેટલો ખર્ચ થાય છે, પરીણામે હરરાજીનો બે વખત બહિષ્કાર કરાયો છે.
બીજી બાજુ આજે બપોરે ૩-૩૦ વાગ્યે તંત્ર દ્વારા છેલ્લી વખત રાઇડ માલીકો, આઇસ્ક્રીમ ચોકઠા, મોટી ખાણીપીણી-૧ માટે હરરાજી માટે બોલાવ્યા છે.
દરમિયાન આજે કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે, લોકમેળામાં રાઇડ માટે નિયમો-SOP માં કોઇ ફેરફાર ન થાય, જાહેર હિત, સમાજ સંદર્ભે રાઇડ સંચાલકો હરરાજીમાં ભાગ લ્યે તેવી અપીલ છે, બાકી નિયમોમાં બાંધછોડ નહીં કરાય.
બીજી બાજુ રાઇડ સંચાલકો પણ મકકમ છે, આજે રાઇડ સંચાલકોના આગેવાન ઝાકીર બ્લોચે ‘‘અકિલા''ને જણાવેલ કે, અમારે મેળો નથી કરવો તેવું નથી...પરંતુ આ નિયમો ભારે અઘરા છે, નિયમો હળવા કરાય તો અમારે પણ હરરાજીમાં બેસવું છે, બાકી બપોર બાદ અમે રેસકોર્સમાં ભેગા થવાના છીએ, અને હરરાજીમાં જઇએ તેવી શકયતા ઓછી છે.
આગેવાનોએ જણાવેલ કે લોકમેળામાં અવનવી રાઇડો તે મેળાનું મુખ્ય અંગ છે, સતત પાંચ દિવસ ધાર્મિક તહેવારો સંદર્ભે લોકો ઉમટી પડે છે, ગરીબ-મધ્યમ વર્ગ અવનવી રાઇડોમાં બેસી તહેવારનો આનંદ ઉઠાવતો હોય છે, જો રાજકોટના મેળામાં રાઇડો નહિ હોય તો આ વર્ગ ભારે નારાજ થશે. દરમિયાન આકરા નિયમોનો ગામેગામના મેળામાં વિરોધ ઉઠયો છે, મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના મેળામાં પણ આજે આ મુદ્દે યાંત્રિક રાઇડોની હરરાજી રદ થઇ છે.
(4:36 PM IST)










