હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેંગો માર્કેટ પાછળ આવેલી કરોડોની કિંમતની જમીનના ચાલતા વિવાદ વચ્ચે સીસીટીવી કેમેરા ચોરાયાની ફરિયાદ
સોના ચાંદીના વેપારી અને જમીનના ભાગીદાર મખસુખભાઇ તલસાણીયાએ મયુર રૂપારેલીયા સહિત ત્રણ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવીઃ જમીન ખાતે હાજર વ્યક્તિને પુરી દઇ ધમકાવ્યાનો આરોપ : અગાઉ મનસુખભાઇ તલસાણીયા સહિત સાત ભાગીદારો વિરૂધ્ધ મુળ જમીન માલિક દિલીપભાઇ મકવાણાએ ફ્રોડની બબ્બે લેખિત ફરિયાદો કરી હતી

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ મેંગો માર્કેટ પાછળ ખોડલ એવન્યુ નામની જમીન ખાતે આવેલી ભાગીદારોની ઓફિસે આ જમીન પોતે વેંચાતી લીધી છે તેમ કહીને આવેલા શખ્સોએ જમીન પર હાજર વ્યકિતને ત્યાંની રૂમમાં પુરી દઇ તેનો મોબાઇલ ઝુટવી લઇ તેમજ બે સીસીટીવી કેમેરાની ચોરી કરી લેતાં અને બાદમાં રૂમમાં પુરી દેવાયેલ વ્યકિતને બહાર કાઢી ધમકાવી મોબાઇલ ફોન ફેંકી દેવાયાનો ગુનો દાખલ થયો છે. ઉલ્લેખનિય છે કે આ જમીનના વિવાદ મામલે અગાઉ કોર્ટમાં દાવો દાખલ થયો હતો. તેમજ મુળ જમીન માલિકે પોતાની સાથે આ ભાગીદારોએ છેતરપીંડી કર્યાની બબ્બે લેખિત ફરિયાદ પોલીસ કમિશનર અને બી-ડિવીઝનમાં કરી હતી.
બી-ડિવીઝન પોલીસે ઢેબર રોડ ગુરૂકુળ પાણીના ટાંકા પાસે શ્રમજીવી સોસાયટી-૧માં રહેતાં અને પેલેસ રોડ પર નીત-મન ગોલ્ડ એક્સપોર્ટ એલએલપી નામે સોના ચાંદીની દૂકાન ધરાવતાં મનસુખભાઇ શીવાભાઇ તલસાણીયા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી મયુરભાઇ રૂપારેલીયા અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં કુવાડવા રોડ મેંગો માર્કેટ પાછળ ખોડલ એવન્યુ ખાતે આવેલી મનસુખભાઇ અને ભાગીદારો હસ્તકની જમીન ખાતે દેખરેખ રાખતાં વ્યક્તિનો ફોન ઝુંટવી લઇ તેમજ તેને ઓફિસમાં ગોંધી રાખી ઓફિસ બહાર લગાડેલા ૧૮ હજારના બે સીસીટીવી કેમેરા ચોરી લીધાનો આરોપ મુકાયો છે. ઉલ્લેખનિય છે કે અગાઉ હાલના ફરિયાદી મનસુખભાઇ તલસાણીયા તથા તેના ભાગીદારો વિરૂધ્ધ બબ્બે વખત પોલીસ કમિશનર અને બી-ડિવીઝન પોલીસને જમીન પચાવી પાડવા મામલે ખોટા લખાણો ઉભા કર્યાની લેખિત ફરિયાદો થઇ હતી.
મનસુખભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષ પહેલા મેં ભાગીદારો સંજયભાઇ ઘાટલીયા, રસિકભાઇ ભલગામા, દિનેશભાઇ ચોૈહાણ, હંસાબેન કોૈશીયા, પ્રફુલભાઇ નળીયાપરા અને ગોવિંદભાઇ લાઠીયા સાથે મેંગો માર્કેટ પાછળ ખોડલ એવન્યુ નામની જગ્યા સર્વે નં. ૩૭ પૈકી ૧ અને ૩૭ પૈકી ૨ની ખેડવાણ જમીન દિલીપભાઇ મકવાણા પાસેથી પોણા બે વર્ષ પહેલા ખરીદી હતી. તે વખતે અમે નોટરાઇઝ સાટાખત કરાવ્યા હતાં. આ જમીન ૯ કરોડમાં લેવાનું નક્કી કરી ૧ાા કરોડ ચેકથી અને ૧ાા કરોડ રોકડા ચુકવ્યા હતાં. આ જમીન ડેવલપ કરવા સમજુતી થઇ હતી. જેમાં બીનખેતી કરાવવી, લે આઉટ પ્લાન પાસ કરાવવો તેમજ માલિકના નામે કરાવવાનો અને જમીન પર રોડ રસ્તા ગટર, સાઇટ ઓફિસ બનાવવા સહિતનો ખર્ચ મારે ભોગવવાનો હતો તેવુ નક્કી થયું હતું.
તા. ૧-૨-૨૩ના રોજ આ જગ્યાનો કબ્જો અમને સોપાયો હતો. લે-આઉટ પ્લાન મંજુર થયા બાદ કારર મુજબ અમને લીગલી કબ્જો સોંપવાની સમજુતી થઇ હોઇ અમે જમીન ડેવલપ કરી રોડ રસ્તા ગટરનું કામ કરાવ્યું હતું. સાઇટ ઓફિસ બનાવી મહાદેવ એન્ટરપ્રાઇઝનું બોર્ડ લગાવ્યું હતું અને બે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતાં. અમે ભાગીદારો વારાફરતી આ જમીનની ઓફિસે બેસતાં હતાં અને અમે કહીએ તેના નામે માલિકે પ્લોટના દસ્તાવેજ કરી આપવના હતાં. જો કે આ પછી જમીન માલિકે અમોને જાણ કર્યા વગર બીનખેતીની પ્રક્રિયા ચાલતી હતી તે પરત ખેંચી લીધી હતી. જેથી અમે તેને વાત કરવા જતાં તેણે કહેલુ કે હવે જમીન મારે વેંચવી નથી. આ પછી અમે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમાં વાદવાળી જગ્યા પ્રતિવાદી ચાલુ દાવે વેચાણ, ગીરો, બક્ષિસ કે ટ્રાનસફર કરે કરાવે નહિ તેવો વાદીની તરફેડમાં વચગાળાનો હુકમ કરાયો હતો.
દરયિમાન તા. ૨-૬-૨૪ના રોજ મારા ભાગીદાર મનસુખભાઇ ભલગામા સાઇટ ઓફિસે હતાં ત્યારે મયુર રૂપારેલીયા અને બે જણા આવ્યા હતાં અને કહેલું કે આ જગ્યા અમે વેંચાતી લઇ લીધી છે, તમે જતા રહેજો. ખાલી નહિ કરો તો ટાંટીયા ભાંગી નાખશું તેવી વાત કરી હતી. ત્યારબાદ ૨૫/૭ના મને રસિકભાઇ ભલગામાનો ફોન આવેલો કે સાઇટ પર મયુર અને બે અજાણ્યા આવેલા છે જેથી આપણે જવું પડશે. જેથી હું અને રસિકભાઇ ગયા હતાં અને સાઇટ પર હાજર માનસીંગભાઇને પુછતાં તેણે કહેલું કે આ ત્રણેયએ મારો મોબાઇલ ફોન લઇ લીધો હતો અને સાઇટ પરની ઓરડીમાં મને પુરી દીધો હતો. તેમજ થાંભલા પરથી સીસીટીવી કેમેરા કાઢી લીધા છે. એ પછી મને ઓરડીમાંથી બશહાર કાઢી ધમકી આપી હતી. તેમજ મોબાઇલ ફેંકી ભાગી ગયા હતાં. અજવાળુ થતાં ફોન મળી ગયો હતો. અમે જે તે વખતે પોલીસને ફોન કરી નિવેદન આપ્યું હતું. ત્યારે કેમેરાના બીલ નહોતા, તે મળી જતાં હવે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આ મામલે મુળ જમીન માલિક દિલીપભાઇ કરસનભાઇ મકવાણા (રહે. જીવરાજ પાર્ક મેઇન રોડ)એ અગાઉ તા. ૬-૬-૨૪ના રોજ પોલીસ કમિશનરને મનસુખભાઇ તલસાણીયા, સંજયભાઇ ઘાટલીયા, રસિકભાઇ ભલગામા, પ્રફુલભાઇ નળીયાપરા, હંસાબેન કોશીયા, ગોવિંદભાઇ લાઠીયા સહિત સાત વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી હતી કે આ તમામ અમારી કિમતી જમીન જે કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાછળ છે તે પચાવી પાડવા પ્રયાસ કરે છે. બજાર કિમત મુજબ રકમ ચુકવવાની શરતે અમારી પાસે ઓછી રકમના લખાણ કરાવી છેતરપીંડી આચરી છે. અમને જમીનના ૧ાા કરોડ તથા ૬ કરોડ ચુકવવાનું વચન આપેલ હોઇ છતાં ચુકવેલ નથી અને ૧ાા કરોડ અમને મળી ગયા છે તેવા લખાણમાં સહીઓ કરાવી જમીનને વિવાદીત બનાવવા કોર્ટમાં દાખો દાખલ કર્યો છે. આ જમીનની બજાર કિમત ૨૫ કરોડ જેવી છે. અમારી અજ્ઞાનતાનો લાભ લઇ માત્ર નવ કરોડમાં જમીન લખાવી લીધી છે. તે સહિતના આક્ષેપો જે તે વખતે અરજી ફરિયાદમાં દિલીપભાઇએ કર્યા હતાં.
આ પછી બીજી એક અરજી આ તમામ ભાગીદારો વિરૂધ્ધ તા. ૨૭/૭/૨૪ના રોજ બી-ડિવીઝન પોલીસ ઇન્સ્પેક્ટરને કરી હતી. તેમાં પણ જમીન પચાવી પાડવા ખોટા લખાણો ઉભા કરી છેતરપીંડી આચરાયાનો આક્ષેપો કરાયા હતાં. આ વચ્ચે હવે આ જમીન પરની ઓફિસના કર્મચારીને પુરી દઇ સીસીટીવી કેમેરાઓની ચોરી કરવાનો ગુનો દાખલ થયો છે. અગાઉ જમીન માલિક દિલીપભાઇ મકવાણાએ મયુરભાઇ ભરતભાઇ રૂપારેલીયા અને રમેશભાઇ કુબેરભાઇ સોલંકીને આ જમીનના કુલમુખત્યાર નીમેલા હોવાની વિગતો પણ રજુ કરાઇ હતી. આ વચ્ચે મયુર સહિતના સામે કેમેરા ચોરીનો ગુનો દાખલ થયો છે.










