<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

પેડક રોડ અલ્‍કા પાર્કમાં બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ ‘સ્‍કોચ'ની ૧૦૬ બોટલો સાથે મુંબઇનો શખ્‍સ પકડાયો

પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમે અનિલ ગુર્જરને પકડયોઃ સપ્‍લાયરનું નામ ખોલાવવા પુછતાછ ડાકવડલાથી કનકનગરના બુટલેગર સંજયને કારમાં દારૂ ભરી આપવા આવેલા સુરેશ મેરને ક્રાઇમ બ્રાંચે પકડયો પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમની કાર્યવાહીઃ વિજયરાજસિંહ, વિજય મેતા અને કુલદિપસિંહની બાતમી

રાજકોટ તા. ૮: શહેરમાં વિદેશી દારૂના બુટલેગરો પર પોલીસે ધોંસ બોલાવવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે ટ્રક અને વેન મારફત થઇ રહેલી દારૂની હેરાફેરીની પર્દાફાશ કરી ચાર શખ્‍સોને ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લીધા હતાં. જેમાં એક જથ્‍થો નામચીન બુટલેગર યાકુબ મોટાણીનો હોવાનું ખુલ્‍યું હતું. દરમિયાન બી-ડિવીઝન પોલીસે પેડક રોડ અલ્‍કા પાર્કમાં એક માનમાં દરોડો પાડી મુળ મુંબઇના શખ્‍સને રૂ. ૧,૩૫,૯૫૦ની સ્‍કોચની ૧૦૬ બોટલો સાથે પકડી લીધો છે. તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમે કનકનગરમાં એક મકાન પાસે દરોડો પાડી મુળ ડાકવડલા ગામના શખ્‍સને કારમાં ૩૩૬૦૦ના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. આ શખ્‍સ અગાઉ પણ પકડાઇ ગયાનું પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ બી-ડિવીઝન પોલીસની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા કાર્યરત હતી એ દરમિયાન કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલા, જગદીશભાઇ વાંકને બાતમી મળતાં પેડક રોડ અલ્‍કા પાર્ક-૨માં આવેલા મકાનમાં દરોડો પાડી અહિ ભાડેથી રહેતાં અનિલ ધમુભાઇ ગુર્જર (ઉ.વ.૨૮-રહે. હાલ અલ્‍કા પાર્ક, મુળ મુંબઇ જે. આર. બોરીયા માર્ગ સાઇબાબા નગર)ને સ્‍કોચ વ્‍હીસ્‍કીની બોટલો સાથે પકડી લીધો હતો. આ શખ્‍સ પાસેથી વેટ-૬૯ની રૂા. ૨૧૧૫૦ની ૧૮ બોટલો, અન્‍ય આ બ્રાન્‍ડની જ અલગ લેબલની રૂા. ૫૬૪૦૦ની ૪૮ બોટલો તથા જોની વોકર બ્રાન્‍ડની રૂા. ૩૬૦૦૦ની ૨૪ બોટલો તેમજ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટની રૂા. ૨૨૪૦૦ની ૧૬ બોટલો મળી આવતાં તે તથા ૨૦ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧,૫૫,૯૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી તેની ધરપકડ કરી હતી. મુંબઇનો આ શખ્‍સ અહિ રહી છુટક દારૂ વેંચતો હોવાની વિગતો પોલીસને મળી હતી. તે કોની પાસેથી આ બોટલો ખરીદતો હતો? તેની તપાસ થઇ રહી છે.

તાજેતરમાં ‘અકિલા'એ શહેરમાં કઇ કઇ બ્રાન્‍ડની સ્‍કોચ વેંચાય છે તેની વિગતો અહેવાલમાં રજૂ કરી હતી. પોલીસે પકડેલી આ સ્‍કોચની બોટલો એવી જ બ્રાન્‍ડની છે.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એલ. બારીયાની સુચના અનુસાર પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્‍સ. મોહસીનખાન મલેક, લાલજીભાઇ હાડગડા,  કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક, પંકજભાઇ માળી, ભાનુશંકર ધાંધલા, રાજદિપભાઇ પટગીર, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતાની બાતમી પરથી સંત કબીર રોડ કનકનગર-૧ પિતૃકૃપા મકાન ખાતે રહેતાં બૂટલેગરના ઘર પાસે દરોડો પાડી અહિ જીજે૦૧એચઆર-૨૫૬૨ નંબરની કાર સાથે ઉભેલા મુળ ચોટીલાના ડાકવડલા ગામના સુરેશ વિરજીભાઇ મેર (ઉ.વ.૨૫)ને દારૂ સાથે પકડી લીધો હતો. કારમાંથી પોલીસને રૂા. ૩૩૬૦૦નો ૮૪ બોટલ ગ્રીનલેબલ દારૂ મળતાં તે તથા બે લાખની કાર અને પાંચ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૨,૩૮,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે લેવાયો હતો. બૂટલેગર હાજર મળ્‍યો નહોતો.

દરોડો પડતાં આ મકાનમાં રહેતો સંજય જાદવભાઇ કુમારખાણીયા મળી આવ્‍યો નહોતો. પોલીસના કહેવા મુજબ સંજય જુનો બુટલેગર છે અને અગાઉ તેના વિરૂધ્‍ધ થોરાળા પોલીસ, ગોંડલ સીટી, બી-ડિવીઝન અને કુવાડવા રોડ પોલીસમાં દારૂના પાંચ ગુના નોંધાઇ ચુક્‍યા છે. ચોટીલાના ડાકવડલાનો શખ્‍સ તેને આ દારૂ આપવા આવ્‍યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ ડી. સી. સાકરીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, મયુરભાઇ મિયાત્રા, હરદેવસિંહ રાઠોડ, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:18 PM IST)