હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડતાલધામે દ્વિશતાબ્દિ મહોત્સવનું આયોજન
૭ થી ૧૫ નવેમ્બર દરમિયાન હરિભકતોનો દરીયો ઘુઘવશેઃ પૂ. સત્સંગ ભૂષણજી ર૦૦ વિઘા જમીન પર ભવ્ય-દિવ્ય આયોજનઃ સંતો-મહંતો અગ્રણીઓ તથા દેશ-વિદેશના હરિભકતો પધારશેઃ સાંસ્કૃતિક પ્રદર્શન, બાળનગરી નિર્માણ થશેઃ રાજકોટમાં પત્રકાર પરીષદમાં વિગતો અપાઇ

પત્રકાર પરીષદ સંબોધતા પૂ. સત્સંગ ભૂષણજી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૮: સ્વામી નારાયણ સંસ્થાના મુખ્ય ધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પૂ.સત્સંગભુષણજી સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૭ થી ૧પ નવેમ્બર ભકિતની આંધી ઉઠશે અને હરીભકતોનો દરીયો ઘુઘવશે.
સ્વામીજીએ જણાવ્યું હતું કે, ર૦૦ વિઘા જમીન પર અતિભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં સંતો-મહંતો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવશે. ઉપરાંત પ્રેરણાદાગી પ્રદર્શન પણ યોજાશે.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીનો ધમધમાટ ચાલી રહયો છે. મહોત્સવ પુર્વે બ્રહ્મભોજન, સમુહલગ્ન, સિલાઇ મશીન વિતરણ, અખંડધુન, શાકોત્સવ, પારાયણો, આરોગ્ય સેવા, સાયકલ યાત્રા, પદયાગ, સેમીનારો, વિવિધ સંસ્થાનો પર સંમેલનો, યજ્ઞ-મહાપૂજા વગેરેના આયોજનો પણ થયા છે.
જે ભૂમિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આશ્રિતોના આત્યંતિક કલ્યાણ માટે મસ્તકે ઈટો ઉપાડીને મંદિર નિર્માણ કર્યું છે, જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વજીવ હિતાવહ સંદેશ આપ્યો છે, સ્વધર્મધુરા આચાર્યજીને આપી છે, સ્વયં ગોમતીજી સરોવર ગળાવ્યાં છે, જયા આજે પણ હરિમંડપ, નારાયણ મહોલ, સંતોની ધર્મશાળા, ગાદીવાળો મેડો, સભામંડપ, અક્ષરભુવન જેવા અક્ષરતુલ્ય ભુવનો છે. જયાં વડેવ માતા મંદિર, ઘેલા હનુમાનજી મંદિર, જ્ઞાનબાગ જેવા અનંત પ્રસાદીના સ્થાનો છે એવા અક્ષરધામ તુલ્ય વડતાલધામને આંગણે શ્રીહરિકળષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મભક્તિ વાસુદેવ આદિ દેવોની સ્થાપનાને સંવત્ ૨૦૮૧માં ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિક્રમ સંવત્ ૦૮૧ કારતક સુદ-૭ (સાતમ), તા. ૭/૧૧/૨૦૨૪ થી કારતક સુદ-૧૫ (પૂનમ) તા. ૧૫/૧૧/૨૦૨૪ સુધી દિવ્ય શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવવા નિર્ધાર્યું છે.
આ મહોત્સવમાં લક્ષાવધિ મનુષ્યોને શ્રીહરિકળષ્ણ મહારાજ - શ્રી લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય ઐશ્વર્ય પ્રતાપની અનુભૂતિ થશે, સર્વજીવ હિતાવહ સેવાકાર્યોની સુગંધ દિગંતમાં મહેકી ઉઠશે, આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે, સંતો-વિપ્રોનું સમૂહ પૂજન થશે, શ્રીયાગ - હરિયાગ -વિષ્ણુયાગ જેવા યજ્ઞોની ધુમ્રશેરોથી વાતાવરણ પવિત્ર થશે, અખંડ મહામંત્રનો નાદ માનવજાતિને માનસિક શાંતિનો અનુભવ કરાવશે.
આપણા જીવનમાં અણમોલ સંભારણારૂપ આ મહામહોત્સવના એક એક પ્રસંગો અદ્વૂત અને અવિસ્મરણીય બની રહેશે. આ મહામહોત્સવ નિમિત્તે આપ સહુનું ભજન - તન મન ધનની સેવા -સહકાર - સહયોગ સંસ્થાની અમૂલ્ય વિરાસત છે. આપણા પૂર્વજોએ આ સંસ્થાની શિરશાટે સેવા કરી છે, પક્ષ રાખ્યો છે. આજે શ્રી હરિકળપાએ આપણા જીવનમાં મોક્ષદાયી અવસર આવ્યો છે.
સ્વામીજીએ જણાવ્યું હતું કે, મહોત્સવ દરમિયાન વિવિધ આયોજનો છે. જેમાં કથાપારાયણ, સમુહ મહાપુજા, રાજોપચાર પૂજન, અભિષેક (ર૦૦ તીર્થોના જળથી અભિષેક), અન્નકોટ, સંતદિક્ષા, અક્ષરભુવન નિમિતે સુવર્ણ તુલા, વ્યાયાન માળા, ચર્તુવેદ પારાયણ, સંત સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, અખંડ ધુન, અખંડ -મંત્રલેખન, અખંડ સંકિર્તન, ગ્રંથ પ્રકાશન, પ્રદર્શન,ગૌ-પ્રદર્શન, બ્રહ્મભોજન (બ્રહ્મચોર્યાશી), ગોમતીજીમાં અભિષેક-આરતી, વડતાલધામથી અક્ષરધામ વિડીયો-શો (ઓડીટોરીયમ) વિવિધ મેડીકલ કેમ્પો, વડીલ સદગુરૂ સંતોનું સન્માન, સમર્પીત હરિભકતોનું સન્માન, પોથીયાત્રા, શોભાયાત્રા, કળશયાત્રા, ૨૦૦ કુંડીયજ્ઞ, ર૦૦ ફ્રુટની વિજય ધ્વજારોહણ, ર૦૦ ફુટ ઉંચાઇ રાષ્ટ્રધ્વજ, ર૦૦ સંતો દ્વારા રાસોત્સવ, લાઇટ ડેકોરેશન, અક્ષરભુવનનો ૩ડી વિડીયો (ઓડીટોરીયમ), આનંદમેળો, બાળનગરી, ધર્મકુળ પુજન, બ્લડ ડોનેશન કેમ્પ, સંહિતાપાઠ, જળયાત્રા, સમુહ મહાઆરતી વગેરે યોજાશે.
પત્રકાર પરીષદમાં વાસુદેવ પાટડીયા, જુગલભાઇ પાટડીયા, મિતેશ ધોળકીયા, નરેન્દ્રભાઇ પાટડીયા, મધુભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહયા હતા.










