તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 8th August 2024
પેડક રોડ કયારે રાજપથ બનશે ? કોન્ટ્રાકટરો નિરસ : ત્રીજીવાર ટેન્ડરીંગ
મનપા દ્વારા ૧૭ કરોડના ખર્ચે ઝગમગાટ લાવવા પ્રયત્ન : બે-બે વાર કોઇએ રસ ન દાખવ્યો

રાજકોટ, તા. ૮ : શહેરમાં ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મનપા દ્વારા તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી. પરંતુ હવે ધીમે ધીમે વિકાસના કામો આગળ ધપાવવાનો નિર્ણય લઈ બજેટમાં નિર્ધારિત કરાયેલ કામો હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈસ્ટઝોનમાં આવેલ સૌથી વધુ વિક્સિત પેડક રોડને રાજપથ બનાવવાની જાહેરાત કર્યા બાદ મનપાએ ૧૭ કરોડના ખર્ચે પેડક રોડનું બ્યુટીફીકેશન કરી રાજપથ બનાવવા માટે ત્રીજીવાર ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશનના બાંધકામ વિભાગમાંથી મળેલ વિગત મુજબ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હાલ ૪૮ રાજમાર્ગો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ઈસ્ટઝોનમાં મુખ્ય સોસાયટીઓ અને વિસ્તારને લાગુ હોય તે પ્રકારનો એક પણ રાજમાર્ગ ન હોવાથી સૌથી વધુ વિક્સિત પેડક રોડને રાજપથ બનાવવાની માંગણી ઉઠવા પામી હતી. જે અનું સંધાને મનપાએ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પેડક રોડને રાજપથ બનાવવા માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ચોમાસું અને ચુંટણી તથા ગેમઝોન દુર્ઘટના બાદ રાજપથ અંગેનો નિર્ણય આજ સુધી લઈ શકાયો ન હતો. આથી હવે વિકાસના કામો શરૂ કરવામાં આવી રહ્યા છે.
ઇસ્ટઝોનના વિસ્તારમાં લોકોની લાગણીને માન આપી પેડક રોડને રાજપથ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ થયું છે. રૂ. ૧૭ કરોડના ખર્ચે પેડક રોડને રાજપથ બનાવવામાં આવશે. જેના માટે કન્?સલટન્ટ દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજપથ ઉપર સર્કલો તેમજ ટ્રાફિકને અનુરુપ નવી ડિઝાઈનના ડિવાઈડર તથા ડિવાઈડરની વચ્ચે વળક્ષારોપણ સહિતના આયોજનો સાથે ડિઝાઈન તૈયાર થઈ જતાં મનપાએ ૧૭ કરોડના કામ માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કર્યુ છે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડીંગમાં પ્રોજેક્ટને મંજુરી આપી સંભવત દિવાળી પહેલા રાજપથનું કામ શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
ઈસ્ટઝોન વિસ્તારમાં વિકાસના કામો ઓછી માત્રામાં થઈ રહ્યાની અનેક ફરિયાદો વર્ષોથી થઈ રહી છે ત્યારે મહાનગરપાલિકાએ હવે ઈશ્ટઝોનના વિસ્તારોમાં ધ્યાન આપી પ્રથમ લાલપરી રાંદરડા લેખ બ્યુટીફીકેશન પ્રોજેક્ટનું ટેન્ડર પ્રસિધ્ધ કર્યુ છે. અને હવે પેડક રોડને રાજપથ બનાવવા માટે રૂા. ૧૭ કરોડનું ટેન્ડર કર્યુ છે. તેવી જ રીતે આગામી દિસોમાં લાયન સફારી પાર્ક સહિતના કામો પણ શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
(4:35 PM IST)










