તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
આકરા નિયમોને કારણે રાજકોટ સહિત રાજયભરમાં મેળાનો રંગ સ્વાહા... : રાજકોટ લોકમેળોઃ રાઇડ માલીકોએ બહિષ્કાર કરતા આઇસ્ક્રીમ ચોકઠાના ધારકોએ પણ મેળામાં હાથ ઉંચા કરી દેતા સન્નાટો
કલેકટર તંત્રને સીધી ૧ કરોડની નુકશાનીઃ હવે ૭૦ પ્લોટનું શું કરવુ તે અંગે વિચારણા શરૂ...

રાજકોટ તા. ૯ :.. રાજકોટના લોકમેળામાં ગઇકાલે સતત ત્રીજી વખત આકરા નિયમોને કારણે રાઇડ માલીકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો, આ લોકોએ બહિષ્કાર કરતા આઇસ્ક્રીમના ૧૬ ચોકઠા ધારકોએ પણ મેળાનો - હરરાજીનો ગઇકાલે સાંજે બહિષ્કાર કરતા સનસનાટી મચી ગઇ છે, આઇસ્ક્રીમ ચોકઠા ધારકોનું કહેવુ છે કે પહેલા ૧૧ સ્ટોલ હતા તે હવે ૧૬ કરી કરી નખાયા તેની સામે વિરોધ છે, તે ઉપરાંત એકપણ રાઇડ નહી હોય તો અમારો આઇસ્ક્રીમ પડતર રહે, ધંધો શું થાય તે પણ મોટો ગંભીર પ્રશ્ન છે, અમારે ચોકઠાના પ લાખ ખર્ચવા નથી.
રાઇડ માલીકો માટે સરકારના આકરા નિયમોએ રાજકોટ સહિત રાજયભરના મેળાનો રંગ ભસ્મીભૂત કરી નાખ્યો છે, ગામે ગામ હરરાજી અટકી ગઇ છે, આ બાબતે કાલે રાજકોટ આવતા મુખ્યમંત્રી તથા રાજયના ગૃહમંત્રી તાકિદે પ્રશ્ન હલ કરે તેવી સ્ટોલ ઇચ્છુકોની લાગણી અને માંગણી છે.
બીજી બાજૂ રાજકોટના લોકમેળામાંથી રાઇડ માલીકો - આઇસ્ક્રીમ ચોકઠાવાળા હાલ બસી જતા રાજકોટ કલેકટર તંત્રને મેળો શરૂ થાય તે પહેલા સીધી ૧ કરોડની નુકશાની છે, ૭૦ પ્લોટ વધી પડયા છે, તેનું શું કરવુ તે મોટો પ્રશ્ન ઉભો થયો છે, તંત્ર આજે આ બાબતે આખો દિવસ ગડમથલ કરવાનું છે, રાજકોટનો લોકમેળો શરૂ થાય તે પહેલા ફિકકો પડી ગયો છે, શહેરની પ્રજામાં આકરા નિયમોની-તંત્રના જકકી-જડ વલણની ભારે ટીકા છે, જગવિખ્યાત મનાતા લોકમેળામાં હાલ રંગ ઉડી જતા આબરૂના ધજાગરા થયા છે.
(10:55 AM IST)










