તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ટાગોર રોડ પર અતુલ મોટર્સમાં ધમાલઃ મેનેજર ભાવીન ઠકરારને ડ્રાઇવરે માથામાં કડા ફટકારી લોહીલુહાણ કર્યા
કસ્ટમર સાથે વાત ચાલુ હતી ત્યારે લખધીરે ઓફિસમાં ઘુસી ‘આજે તને મારી નાખવો છે' કહી હુમલો કર્યો સારવાર માટે દાખલ થવું પડયું: એ-ડિવીઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ

રાજકોટ તા. ૯: ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સ નામના શો રૂમમાં મેનેજર યુવાન પર આ શો રૂમમાં કોન્ટ્રાક્ટ બેઝથી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં શખ્સે ઓફિસમાં ઘુસી આજે તને મારી નાખવો છે કહી ધમકી દઇ ગાળો દઇ પોતે હાથમાં પહેરેલા કડાથી હુમલો કરી માથા પર ત્રણ ચાર ઘા ફટકારી દેતાં મેનેજર લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી ગયો હતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પુષ્કરધામ પાછળ વિમલનગર મેઇન રોડ પર ઓશીયન એન્કલેવ એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧માં રહેતાં અને ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સમાં મેનેજર તરીકે નોકરી કરતાં ભાવીનભાઇ ચંપકલાલ ઠકરાર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી આ શો રૂમમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવીંગ કામ કરતાં લખધીર સોહલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભાવીનભાઇ ઠકરારે પોલીસને હોસ્પિટલના બીછાનેથી જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને અતુલ મોટર્સમાં મેનેજર તરીકે નોકરી કરુ છું. ગુરૂવારે બપોરે હું મારી નોકરી પર હતો અને ઓફિસમાં કસ્ટમર સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે અમારા શો રૂમમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે કામ કરતો લખધીર સોહલા ઓચીંતો મારી ઓફિસમાં આવ્યો હતો અને મને બે મિનીટ વાત કરવા દો તેમ કહેતાં મેં તેને કસ્ટમર હોઇ થોડીવાર પછી આવવાનું કહેતાં તેણે આજે તને મારી નાખવો છે કહી મને ગાળો દીધી હતી અને હું કંઇ સમજું એ પહેલા હુમલો કરી તેણે હાથમાં પહેરેલા કડાથી મને માથા ઉપર ત્રણ ચાર ઘા મારી દેતાં હું લોહીલુહાણ થઇ ગયો હતો.
દેકારો થતાં શો રૂમના અન્ય કર્મચારીઓ પ્રતિકભાઇ સોલંકી, હિરેનભાઇ જીવરાજાની સહિતના દોડી આવતાં લખધરીને પકડીને બહાર કાઢયો હતો. બાદમાં મને સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. લખધીરે અચાનક જ ઓફિસમાંઆવી મને મારી નાખવાની ધમકી દઇ ગાળો દઇ કડાથી માર માર્યો હતો. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવીનભાઇ સિવિલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમણે કહ્યું હતું કે મારે કદી પણ લખધીર સાથે અગાઉ માથાકુટ થઇ નથી. પણ ક્યારેક કામ બાબતે નિયમ મુજબ કંઇક કહેવાઇ ગયું હોય તો યાદ નથી. કસ્ટમર હતાં ત્યારે તેણે ઓફિસમાં આવી બે મિનીટ વાત કરવી છે તેમ કહેતાં મેં થોડીવાર પછીનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ ધમકી દઇ હુમલો કર્યો હતો.
(2:26 PM IST)










