<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

તિરંગાયાત્રા માટે ભારે ઉત્‍સાહ, ૧ લાખ લોકો જોડાશે

કાલનો કાર્યક્રમ રાજકીય હેતુ માટે નહિ રાષ્‍ટ્રભકિતનો ભાવ વધારવા માટેઃ ભરત બોઘરા ; શહીદોને શ્રધ્‍ધાસુમન અર્પણ કરવાનો અવસરઃ લોકોને ઉમટી પડવા ભાજપની અપીલ

રાજકોટમાં આવતીકાલે જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા યોજાનાર તિરંગાયાત્રા સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદને ડો. ભરત બોઘરાએ સંબોધન કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે મુકેશ દોશી, નયનાબેન પેઢડીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, રાજુ ધ્રુવ,  માધવ દવે, અશ્વિન મોલિયા, હરેશ જોષી વગેરે ઉપસ્‍થિત છે.  પત્રકાર પરિષદના પ્રારંભે ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવે પ્રસ્‍તાવના પ્રસ્‍તુત કરી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૯ :.. દેશભરમાં આઝાદી પર્વ નિમિતે યોજાનાર તિરંગાયાત્રાનું આવતીકાલે શનિવારે રાજકોટમાં આયોજન છે. જેમાં નગરજનોને ઉમટી પડવા માટે ભાજપ દ્વારા આહવાન કરવામાં આવેલ છે. લોકોમાં યાત્રા સંદર્ભે ખૂબ ઉત્‍સાહ હોવાનું ભાજપનું કહેવું છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરાએ પત્રકારોને જણાવેલ કે તિરંગો દેશની શાન છે. નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશમાં દેશભકિતની લહેર સર્જાયેલ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભરતમાં સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવવા માટે નવો ઉમંગ છે. રાષ્‍ટ્રભાવના વધુ બળવાન બનાવવાનો અને આઝાદી માટે જીવન સમર્વિત કરનારા અનેક શહીદોને શ્રધ્‍ધાંજલી આપવાનો આ અવસર છે. કાલે સવારે ૯ વાગ્‍યે બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી સમારંભ બાદ તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. રેસકોર્સ રીંગ રોડ પર ફરી મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા પાસે યાત્રા પૂર્ણ થશે. ૧ લાખ લોકો યાત્રામાં જોડાય તેવું આયોજન છે.

ડો. બોઘરાએ જણાવેલ કે તિરંગા યાત્રામાં કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી અને ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્‍દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્‍થિત રહેશે. સંગીતની સુરાવલીઓ અને દેશભકિત ગીતો વચ્‍ચે યાત્રા નીકળશે. આ કોઇ રાજકીય કાર્યક્રમ નથી. દેશભકિત માટેનો કાર્યક્રમ છે. હું સૌ રાજકીય પક્ષો, સ્‍વૈચ્‍છીક સંસ્‍થા, શૈક્ષણિક સંસ્‍થાઓ સહિત સમાજના તમામ વર્ગને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું. કાલની તિરંગયાત્રા માટે લોકોમાં ખૂબ ઉત્‍સાહ દેખાય છે. કાલનો પ્રસંગ રાજકોટ માટે  યાદગાર બની રહેશે.

 

(2:59 PM IST)