તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
બે છાપેલા કાટલા અમદાવાદથી એમડી ડ્રગ્સ લાવી રાજકોટમાં વેંચે એ પહેલા પકડાયા
શહેર એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા અને ટીમે ૧.૯૩ લાખના માદક પદાર્થ સાથે બામણબોર પાસે દબોચ્યાઃ દિગ્વીજયસિંહ અને હાર્દિકસિંહની બાતમીઃ ત્રણ ચાર મહિનાથી વેંચતા હોવાનું રટણ

રાજકોટ તા. ૯: શહેર એસઓજીએ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા બે છાપેલા કાટલાને બામણબોર પાસેથી એમડી ડ્રગ્સ સાથે પકડી લઇ વધુ તપાસ માટે એરપોર્ટ પોલીસને સોંપ્યા છે. બંને અમદાવાદથી આ માદક પદાર્થ લાવ્યાનું અને ચારેક મહિનાથી વેંચાણ કરતાંહોવાનું રટણ કર્યુ હતું.
શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના મળી હોઇ જે અન્વયે એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેકટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિગ્વિજસિંહ ગોહિલ તથા કોન્સ. હાર્દીકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર નવાગામ બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે એરપોર્ટ પોલીસ ચેકપોસ્ટ સામેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા જીતુદાન બાણીદાન જેસાણી (ઉ.વ.૨૬ રહે. જીનેશ્વર એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૧ ચોથા માળે નાગેશ્વર પાસે ભવાની ચોક જામનગર રોડ રાજકોટ) તથા રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા (ઉ.વ.૨૬ રહે.નહેરૂનગર શેરી નં.૨ નાના મૌવા રોડ નાગબાઇ કળપા રાજકોટ)ને પકડી લઈ માદક પદાર્થ મેફેડ્રોન ૧૮.૩૪ ગ્રામ કિંમત રૂ. ૧,૮૩,૪૦૦ સાથે પકડી લીધા હતા૦.
બને પાસેથી એમડી ઉપરાંત ફોન, નમ્બર વગરની સ્વીફટ કાર મળી કુલ રૂ. ૩,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જીતુદાન બાણીદાન જેસાણી અગાઉ મારામારી, દારૂ, લૂંટ સહિતના પાંચ ગુનામાં સંડોવાઈ ચુકયો છે અને પાસામાં જઇ આવ્યો છે. જ્યારે રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા હત્યા, હત્યાની કોશિષના બે ગુનામાં પકડાયો હતો.
પોલીસ કમિશનર બરાજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર એસઓજીના પીઆઇ ડી. સી. સાકરીયા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, હેડકોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, ફિરોજભાઈ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા નાઝનીનબેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા અમદાવાદથી કોની પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા? કોને કોને આપતાં હતાં? કેટલા સમયથી લાવે છે? સહિતની વિગતો મેળવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(2:46 PM IST)










