<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કાલે જન્‍માષ્‍ટમીની સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ - મહાતાવો

બેઉ બળિયા બાથે વળગ્‍યા, કૃષ્‍ણે કાળીનાથ નાથિયો, સહષા ફેણા ફૂફળે જેમ ગગન ગાજે હાથિયો... આ વર્ષ ઉજવણીમાં પર્યાવરણ કેન્‍દ્ર સ્‍થાને : સૂત્ર જાહેર કરાશે : કાલના કાર્યક્રમનું વિહિપનું જાહેર નિમંત્રણ

રાજકોટ તા. ૯ : વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવના સમિતિ દ્વારા કાલે તા. ૧૦ ના રોજ સાંજે ૭  કલાકે બી.એ.પી.એસ. મંદિર, કાલાવડ રોડ ખાતે વિ.હિ.પ. દ્વારા ગત વર્ષની શોભાયાત્રાના ફલોટ સુશોભન તથા લતા સુશોભનના વિજેતાઓને શીલ્‍ડ વિતરણ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ તકે આ વર્ષની થીમ તથા સુત્રની જાહેરાત પણ કરવામાં આવશે. કાર્યક્રમ બાદ ઉપસ્‍થિત તમામ લોકો માટે તાવા પ્રસાદનું આયોજનછે.

 ભારતભરમાં બીજા નંબરની સૌથી પરંપરાગત, વિશાળ, વૈવિઘ્‍યપૂર્ણ શોભાયાત્રામાં શહેરના નામી-અનામી, નાના મોટા ગ્રુપ, સંસ્‍થા, મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, સેવાકીય સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ, વિસ્‍તાર કે લતામાં ચાલતા ગ્રુપો, હોંશભેર આ શોભાયાત્રામાં પોતાના અવનવા ફલોટસ સાથે દર વર્ષે આ શોભાયાત્રામાં જોડાય છે. શોભાયાત્રામાં જોડતા ફલોટ ધારકોમાં કાંઈક વૈવિઘ્‍યપૂર્ણ અલગ વિષય, થીમ, સાંપ્રત સમયની વિષય વસ્‍તુને લઈને ફલોટ બને તેમને પ્રોત્‍સાહન મળે એ માટે કમીટી દ્વારા જોડાનાર ફલોટસ વચ્‍ચે એક તંદુરસ્‍ત સ્‍પર્ધા કરવામાં આવે છે. જેમાં આંતરીક વિષય, થીમ, બહારનું ડેકોરેશન, પાત્રોની પસંદગી વિગેરે વિષયોને ઘ્‍યાનમાં લઈ મુલ્‍યાંકન બાદ વિજેતા ફલોટ ધારકોને શીલ્‍ડ એનાયત કરી પ્રોત્‍સાહીત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ગયા વર્ષની જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં પોતાના ફલોટ લઈને જોડાનાર અને ફલોટ સુશોભનમાં વિજેતા થનાર ગ્રુપ, સંસ્‍થા, મંડળને શિલ્‍ડ એનાયત કરવામાં આવશે. આ વખતે પર્યાવરણને કેન્‍દ્રમાં રાખીને જન્‍માષ્‍ટમી ઉજવાશે.

દર વર્ષે જન્‍માષ્‍ટમી શોભાયાત્રા પૂર્વે તમામ સાહિત્‍યમાં એક ખાસ થીમ સાથે પ્રચાર, પ્રસાર કરવામાં આવતો હોય છે. છેલ્લા થોડા વર્ષોથી એક નવીનતમ પ્રયોગ રૂપે આ સૂત્રો અને થીમ પ્રજાજનો પાસેથી સ્‍પર્ધાના સ્‍વરૂપમાં લેવામાં આવતી હોય છે. સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને નકકી કરેલા વિષય, થીમ પૈકી કોઈ વિષય પસંદ કરી સૂત્ર બનાવવાનું હોય છે. સમિતિ દ્વારા સ્‍પર્ધકોના આવેલા સૂત્રોમાંથી મુલ્‍યાંકન કરી એક શ્રેષ્ઠતમ સૂત્ર નકકી કરી તેને સમગ્ર જન્‍માષ્‍ટમીના આયોજનમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સ્‍પર્ધાના વિજેતાઓને આવતીકાલે ઈનામોથી નવાજવામાં આવશે.

જન્‍માષ્‍ટમી મહોત્‍સ્‍વ પ્રસંગ અંતર્ગત યોજાતા અનેકવિધ કાર્યક્રમો પૈકી આ કાર્યક્રમમાં રાજકોટના અનેક સંતો, મહંતો, ભકતો, ધર્મપ્રેમી હિન્‍દુઓ તમામ સમાજ, તમામ સંપ્રદાય, તમામ ફીરકાના હિન્‍દુઓ બહોળી સંખ્‍યામાં જોડાય છે. રાજકોટની અનેક સંસ્‍થાઓના કાર્યકર્તાઓ ફલોટ સ્‍પર્ધામાં વિજેતા થનાર ગ્રુપ, મંડળના કાર્યકરો સાથે બહેનો પણ વિશેષ સંખ્‍યામાં દર વર્ષે આ કાર્યક્રમમાં જોડાતા હોય છે. આ વર્ષે પણ બહોળી સંખ્‍યામાં સમગ્ર જોડાનાર છે. આ કાર્યક્રમ પૂર્ણ થયે ઉપસ્‍થિત તમામ ભકતો માટે ખૂબ સુંદર તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, સહમંત્રીઓ રાજુભાઈ ઉમરાણીયા તથા પંકજભાઈ તાવીયા, હર્ષભાઈ વ્‍યાસ વિગેરે દ્વારા રાજકોટની તમામ ધર્મ પ્રેમી જનતા, સંસ્‍થા, ગ્રુપ, મંડળ વિજેતા બનનાર ટીમના કાર્યકર્તાઓ વિગેરેને ઉમટી પડવા મહાનિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:58 PM IST)