<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ભારતમાં વિવાહ પરંપરાનો મંગળારંભ શિવ વિવાહ સાથે શરૂ થયો હતો

શ્રાવણનું શ્રધ્‍ધાબિંદુ

ભારતમાં વિવાહ પરંપરાનો મંગળારંભ શિવ વિવાહ સાથે શરૂ થયો હતો. હા જી શિવપુરાણ (રૂદ્ર સંહિતા) અનુસાર જયારે દેવી પાર્વતીની કઠોર તપસ્‍યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતી દ્રારા કરાયેલા વિવાહના અનુરોધનો સહર્ષ સ્‍વીકાર કરીને ભગવાન શિવે પાર્વતીજીને પોતાની પત્‍નીના રૂપમાં પોતાની સાથે આવવા આગ્રહ કર્યો. પરંતુ ભગવતી પાર્વતીએ એક આદર્શ ભારતીય નારીની પરંપરાને અનુરૂપ ભગવાન શિવને પોતાના પિતા હિમવાનની પાસે જઈ પોતાનો હાથ માંગવા માટે પ્રેરિત કરતા કહ્યું કે,મારા પિતા અને ભાઈ તમારી આજ્ઞાનું પાલન અવશ્‍ય કરશે શાષાોક્‍ત વિધિથી વિવાહ કાર્ય સંપન્ન કરશે.

પોતાના પાછલા જન્‍મના સંબંધમાં શાષા વિધિની અવહેલના થવાનો ઉલ્લેખ કરી પાર્વતીજીએ કહ્યું કે,હું જયારે પહેલા રાજા પ્રજાપતિની પુત્રી હતી ત્‍યારે મારા પિતાએ મારો હાથ આપના હાથમાં આપ્‍યો પરંતુ ત્‍યારે એમણે શાસ્ત્રોકત વિધિથી વિવાહ કાર્ય સંપન્ન કર્યુ ન હતું. મારા પિતા દક્ષે ગ્રહો વગેરેની પૂરી પૂજા નોહતી કરી. આથી વિવાહ પરંપરામાં ભારે ત્રૂટિ રહી ગઈ હતી.

ભગવાન શિવે દેવી પાર્વતીને સમસ્‍ત કર્મો કરનારી પ્રકૃતિ અને સત્‍વ,રજ, તમોમયી ત્રિગુણાત્‍મિકા મહામાયા શક્‍તિ નામથી અભિહિત કર્યા.

પાર્વતીજીના વિવાહ હેતુ સપ્તર્ઋષિઓની આજ્ઞાથી પર્વતરાજે પોતાના પુરોહિત ગર્ગજી પાસે ભારે પ્રસન્નતાથી લગ્નપત્રિકા લખાવી. આ પત્રિકા તેમણે ઘણાંપ્રકારની સામગ્રી સહિત કૈલાસ પર ભગવાન શિવને મોકલી.પહેલા ભગવાન શિવને તેમણે તિલક કર્યુ.પછી એ લગ્નપત્ર શિવના હાથમાં આપ્‍યું. ભગવાન શંકરે યથાયોગ્‍ય બધાનું સન્‍માન કર્યુ. અને પ્રસન્નતાથી લગ્નપત્રિકા લાવનારને દક્ષિણા આપીને અભિવાદન કર્યુ.  તે પછી જ પાર્વતી પિતાએ વિવાહના બધા જ શુભકાર્યોની તૈયારી શરૂ કરી.તે કાળથી વિવાહની પહેલા કન્‍યાપક્ષવાળા તરફથી શુભ વિવાહ મોકલવાની પરંપરા ચાલી આવે છે.

કળિયુગમાં શિવના નામનું મહત્‍વ અત્‍યારે કળિયુગ ચાલી રહ્યો છે,આ કળિયુગમાં શિવનામનું મહત્‍વ બધા નામોથી વધીને છે.જેમકે કૂર્મપુરાણમાં કહેવાયુ છે કે,સતયુગમાં પરમાત્‍માનું સ્‍મરણ બ્રહ્માના રૂપમાં, ત્રેતાયુગમાં ભગવાન આદિત્‍યના રૂપમાં,દ્રાપર યુગમાં ભગવાન વિષ્‍ણુના રૂપમાં અને કળિયુગમાં ભગવાન શિવના રૂપમાં વિશેષ રીતે પ્રતિષ્ઠિત થાય છે.

બ્રહ્માકૃત યુગે દેવઃ ત્રેતાયાં

ભગવાન રવિ :

દ્રાપરે દૈવતં વિષ્‍ણુ કલૌ દેવો મહેશ્વરઃ &&

મહર્ષિ પતજંલિની અનુસાર ભગવાનના નામ અને રૂપ બંન્નેને મેળવીને જપ કરવો જોઈએ અર્થાત નામ સાથે નામીના સ્‍વરૂપનું ધ્‍યાન કરવુ જોઈએ અને તેમાં સ્‍વયંને તન્‍મય કરી દેવા જોઈએ.

તસ્‍ય વાચકઃ પ્રણવઃ & તજ્જપસ્‍તર્થભાવનમ &&

તતઃપ્રત્‍યક ચેતનાધિગમોપ્‍યન્‍તરાયાભાવશ્‍ય &&

ભગવાન શિવના નામ કીર્તનથી બધા મનોરથ સિધ્‍ધ થાય છે.નામનો યથાર્થ સમજીને પ્રેમ શ્રધ્‍ધાપૂર્વક જપ કરવાથી ૐ નમઃ શિવાય મંત્રનો પાઠ જે યથેષ્ઠસંખ્‍યામાં કરે છે તેમનું મોઢુ જોવાથી પણ તીર્થદર્શનનું ફળ પ્રાપ્ત થાય છે.

(3:57 PM IST)