તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
એસ.ઓ.જીએ ઝડપી લીધેલ બે પિસ્તોલ પ્રકરણમાં વધુ બે શખ્સોના નામો ખુલ્યા
સ્વરક્ષણ માટે સાળાના કહેવાથી તેના મિત્ર પાસેથી પિસ્તોલ લાવ્યાની અમરા અલીયારની કબુલાત : હેડ કોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરેદેવસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૦: ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રીજ પાસેથી એસ.ઓ.જી.એ બાતમીના આધારે એમ.પી.ના શખ્સને બે દેશી પીસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઓવરબ્રીજ પાસે એક શખ્સ હથીયાર સાથે આવવાનો હોવાની એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરને બાતમી મળતા સ્ટાફ સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચમાં હતા ત્યારે એક શખ્સ બસમાંથી અનાજના બાચકા લઇને ઉતરતા તેને રોકી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ અમરા શામા અમલીયાર (ઉ.વ. પ૪) (રહે. વાવડી (છોટી), કલ્યાણપુર, જાંબુઆ (એમ.પી.) આપ્યું હતું. પોલીસે તેની પાસે રહેલા બે ઘઉં ભરેલા બાચકા ખોલી તલાશી લેતા તેમાંથી દેશી બનાવટની બે પીસ્ટલ અને બે જીવતા કાર્ટીઝ મળી આવતા તેને પકડી લઇ રૂા. પ૦,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેની પુછપરછ કરતા પકડાયેલો અમરા અમલીયાર જાંબુઆના વાવડી (છોટી) ગામમાં રહે છે. અને ખેત મજૂરી કરે છે. તેની પત્ની, સંતાનો અને સાળો રાજકોટના ફાળદંગ ગામ પાસે વાડીમાં રહી મજૂરી કામ કરે છે. અમરા સાતમ આઠમના તહેવારમાં આવવાનો હોઇ, તેથી તેના સાળાએ તેને કહ્યું કે ‘આપણે બીજા રાજયમાં એકલા રહીએ છીએ આપણા રક્ષણ માટે ત્યાં મારા મીત્ર પાસેથી હથિયાર લેતા આવજો' તેમ કહેતા અમરો સાળાના મિત્ર પાસેથી બે દેશી પીસ્ટલ ઘઉંના બાચકામાં નાખી રાજકોટ આવ્યો હતો. આ અંગે પોલીસે અમરા અમલીયારની ધરપકડ કરી તેના સાળા અને મિત્રની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી એસઓજીના પી.આઇ. ડી. સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી. પી. ગોહેલ, એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા તથા મુકેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
(3:29 PM IST)










