તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
કુવાડવાનો બ્રિજ રીટેઈનિંગ બનાવો કે વાયડક્ટ બનાવો તે પ્રશ્ને કામ ચડ્યું ખોરંભે
સિકસ લેન માટે ચોટીલા થી રાજકોટ વચ્ચેના તમામ પુલ શરૂ પણ કુવાડવા ઓવરબ્રિજનું કામ કેમેય થતું નથી પૂરું : હાલ આ અંગે મંત્રણા ચાલી રહી છે કયારે ડિઝાઇન બદલવાની મંજૂરી આવશે તે કહી ન શકાયઃ એક્ઝિકયુટિવ ઇજનેર

રાજકોટ, તા. ૧૦ : રાજ્ય સરકાર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રાધાન્ય આપી રહ્યું છે અને હાઇવે ના રસ્તાઓ અત્યંત શુદ્રડ બને અને યાત્રાની કલાકો ઘટે તે માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રાધાન્ય આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદથી ચોટીલા અને ચોટીલા થી રાજકોટ ઓવરબ્રિજ બનાવવા માટેના કામો ધડાધડ શરૂ કરી દેવામાં આવ્યા છે.
હાલની સાંપ્રત પરિસ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો ચોટીલા થી રાજકોટના તમામ પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે માત્ર કુવાડવા ગામમાં એ પુલનું નિર્માણ થઈ રહ્યું છે તે જાણે કેમ પૂરું થતું ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ વાતને ધ્યાને લઈ આ બ્રિજના એક્ઝિકયુટિવ ઇજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૧૬-૧૭ માં થયો હતો તેને ધ્યાને લઈ કુવાડવા ગામનો બ્રિજ રિટેઈનિંગ વોલવાળો બનાવવાનો હતો . પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક વ્યાપારીઓ દ્વારા આ અંગે વિરોધ વચ્ચે હજુ કામ ખોરંભે ચડ્યું છે.
એક્ઝિકયુટિવ ઇજનેરે જણાવ્યું હતું કે આ અંગે હાલ મંત્રણા ચાલી રહી છે અને ભવિષ્યમાં આ અંગે જો મંજૂરી મળશે તો વાયડકટ બ્રિજ ઉભો થશે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ વર્ષ ૨૦૧૬-૧૭ માં જે કોન્ટ્રાક્ટ થયો હતો તેમાં રીટેઈનિંગ વોલ બનાવવા માટે મંજૂરી મળી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કુવાડવા વિસ્તાર હાલ વિકસિત હોવાથી ત્યાં ૧૮ સ્પાનનો બ્રિજ બનાવવામાં આવનાર હતો પરંતુ હાલ લોકો દ્વારા જે બ્રિજ બનાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે તેનાથી તેના ખર્ચમાં પણ વધારો થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વિભાગ દ્વારા એટલે કે નેશનલ હાઇવે દ્વારા એકવાર નહીં અને કોઈ વખત ગામના લોકોને આ અંગે મનાવવામાં આવ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર તેઓ વાયડક્ટ બ્રિજ બનાવવા માટેનું જ કહી રહ્યા છે જે હાલના તબક્કે કામ પૂર્ણ કરવું ખૂબ અઘરું છે અને અશકય છે. પરંતુ જે રીતે પુલનું કામ બાકી છે તેને લઈને હાલ એકવાર મંત્રણા શરૂ કરવામાં આવી છે કારણ કે ૮૦૦ મીટરનો આ બ્રિજ બનાવવા માટે જો હવે નવી ડિઝાઈન બનાવવામાં આવે તો તેનો ખર્ચ પણ વધી જાય એટલું જ નહીં હાલ કુવાડવા ગામના બ્રિજ માટે પીલર પણ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે આવનારા કેટલા સમયમાં આ અંગે મંત્રણા થાય અથવા તો સમજૂતી થાય તેનો કોઈ ખ્યાલ નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે લોકો રીટેઇનિંગ વોલ બ્રિજ બનાવવા માટે તૈયાર નથી. (૯.ર૯)
વ્યાપારીઓની સ્થિતિને ધ્યાને લઇ હાલ સર્વિસ રોડ શરૂ કરાયો છે
નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિકયુટિવ ઇજનેરે જણાવ્યું હતું કે કુવાડવા ગામનો બ્રીજ પહેલા જે ડિઝાઇનમાં બનાવવાનો હતો તેમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તેમની જે માંગણી છે કે વાયડકટ બ્રિજ બનાવવામાં આવે તે માટે હાલ ડિઝાઇન મંજૂરી અને તે પૂર્વે સરકારની મંજૂરી મેળવવી ખૂબ જરૂરી છે હાલ આ અંગેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું બીજી તરફ અધિકારીના જણાવ્યા અનુસાર કુવાડવા ગામ માં અનેકવિધ વ્યાપારીઓ દ્વારા રોડ ટચ વ્યાપાર કરવામાં આવી રહ્યો છે તેઓને કોઈ અગવડતા ન પડે તે માટે હાલ સર્વિસ રોડ ચાલુ કરાયો છે પરંતુ સંપૂર્ણ બ્રિજનું કામ કયારે પૂર્ણ થશે તે અંગે હજુ સુધી કોઈ નક્કર જવાબ સરકાર તરફથી મળ્યો નથી.
(3:33 PM IST)










