<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

અઢી કરોડ મિત્રોએ ચાંઉ કરી લેતા આત્‍મહત્‍યા કરનાર યુવકના ૭ મિત્રો સામે ગુન્‍હો

સાંપ્રત સમયમાં આર્થિક વ્‍યવહારો કરવા કોની સાથે? રણછોડનગરના યુવકે પોતાના નાણા પરત નહિ આપતા મિત્રોના ત્રાસને કારણે મજબુરીથી અંતિમ પગલુ ભરવુ પડેલું : ધરપકડ માટે શોધખોળ

રાજકોટ, તા., ૧૦: સાંપ્રત સમયમાં આર્થિક વ્‍યવહારો કરવા કોની સાથે ? તેવો કોયડો દરેક વ્‍યકિત માટે ઉદભવી રહયો છે. વર્ષો જુના સંબંધમાં નાણાની જરૂરીયાત વખતે સ્‍વજન બની ઉભા રહેતા મિત્રોને જ  ધુંબા મારવાનું જાણે ચલણ બની ગયું હોય તેમ પૈસાના વ્‍યવહારમાં નજીકની વ્‍યકિત જ દગો કરતી હોવાના અનેક કિસ્‍સાઓ દરરોજ સપાટી પર આવતા હોય છે. આવા કિસ્‍સામાં બે મહિના પહેલા મિત્રોને અઢી કરોડ ઉછીના આપી પસ્‍તાઇ રહેલા કારખાનેદાર યુવકે પૈસા પરત નહિ કરતા મિત્રોના માનસીક ત્રાસના કારણે મજબુરીવશ આત્‍મહત્‍યાનું પગલું ભરી લીધું હતું. પોલીસે યુવકે લખેલી સ્‍યુસાઇડ નોટના આધારે જુનાગઢના હુસેન મલ્લીક, અમદાવાદના રાહુલ સોની, રાજકોટના અજય રાઠોડ, પંકજ રાજા, આશીષ પરમાર, હર્ષીત શેઠ અને પુનાના સંતોષ સેન્‍ડકર સામે  મૃતક મૌલીક બાબીયાના પિતા અશોકભાઇ જાદવજીભાઇ બાબીયા (ઉ.વ.૬ર)ની ફરીયાદના આધારે ગુન્‍હો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ફરીયાદમાં જણાવ્‍યું હતું કે પુત્ર મોલીક અટીકા ફાટક પાસે ભાગીદાર સાથે લેસર કટિંગનો વેપાર કરતો હતો તે ગુમસુમ રહેતો હોવાથી ઘણીવાર પૂછતાં પોતે બેંક અને પર્સનલ લોન ઉપર મોટી રકમ લઈ મિત્રોને ધંધા માટે આપ્‍યા છે મને વિશ્વાશમાં લઇ તને સારો નફો આપશે તેમ કહી પરત આપતા નથી ગત ૧૫ જુનના સવારે હું ચોકમાં બેસવા ગયો હતો ત્‍યારે પાડોશી બીમલભાઈએ ફોન કરી ઘરે જલ્‍દી આવો તેમ કહેતા મેં ઘરે આવીને જોતા પૂત્ર બેડ પર સુતો હતો પત્‍નીએ કહેલ કે હું ઉપર આવી ત્‍યારે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્‍યો હતો ૧૦૮ની ટીમે જોઈ તપાસી મળત જાહેર કરતા પોલીસ પણ આવી ગઈ હતી અને અમે અંતિમવિધિ કરી હતી.

તેની પાસેથી એક સ્‍યુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે લખ્‍યું હતું કે રાહુલ પાસેથી ૯૫ લાખ લેવાના છે. મેસેજ કોલ બધું મળી જશે,  હુસેન માલિક પાસેથી ૨૦ લાખ લેવાના છે, અજય રાઠોડ પાસેથી ૪૫ લાખ. લેવાના છે, તેની ઓફીસ કાન્‍તાસ્ત્રી વિકાસગળહ સામે છે. પંકજ રાજા પાસેથી ૪૫ લાખ લેવાના છે તે સીટી સેન્‍ટર પાછળ રહે છે . આશીષ પાસેથી ૨૫ લાખ લેવાના છે તેની ઓફીસ સહકાર મેઈન રોડ ઉપર છે, હર્ર્ષિત પાસેથી ૧૫.૫૦ લાખ લેવાના છે તેની ઓફીસ વિતભવનમાં છે,  સંતોષ પાસેથી ૨૦ લાખ લેવાના છે આમ કુલ ૨,૪૭,૫૦,૦૦૦ આપ્‍યા હોય પરત માંગવા છતાં નહિ આપતા આ પગલું ભર્યું હોય પીએસઆઈ એ બી ચૌધરીએ તપાસ હાથ ધરી છે

(4:06 PM IST)