<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

શ્રાવણમાં પરિવાર સાથે પતા રમતા પરિવારોને હેરાન નહિ કરવા તત્‍કાલીન પોલીસ કમિશ્નર સુધિર સિન્‍હાએ પોલીસને હુકમ કરેલો

લો એન્‍ડ ઓર્ડરના આગ્રહી નિવૃત આઇપીએસ શ્રી સિન્‍હાના માનવતાવાદી દ્રષ્‍ટિકોણને રાજકોટની પ્રજા આજે પણ બિરદાવે છે : તેમના કાર્યકાળમાં માથાભારે બલી ભરવાડના હુમલાથી પોતાના પરિવારને બચાવવા ગયેલા સત્‍યેન સેજકસિંહ ચાવડાના હાથે બલીનું મોત થયું ત્‍યારે પત્રકારોએ ઘટનાની વાસ્‍તવિકતા મુજબ પગલા લેવા અનુરોધ કરતા હત્‍યાના બદલે સાઅપરાધ મનુષ્‍યવધનો ગુન્‍હો નોંધવા શ્રી સિન્‍હાએ આદેશ કર્યો હતોઃ પાછળથી જામીન ઉપર છુટેલા સત્‍યેનના જીવનુ જોખમ હોવાથી પોલીસ રક્ષણ પણ પુરૂ પાડેલું : રાજકોટમાં ફુલેલા-ફાલેલા લોટરીના જુગારને સજ્જડ કાયદાકીય લડત આપી જડમૂળથી ઉખેડી ફેંકતા વર્ષોથી લોટરીની લતના કારણે આર્થિક ગર્તામાં ધકેલાયેલા અનેક પરિવારો શાંતિનો રોટલો ખાતા થયા હતાઃ સુધીર સિન્‍હાના આ આશીર્વાદરૂપ નિર્ણયથી લોટરીના ધંધાર્થીઓ અને સંકળાયેલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના મ્‍હોં કાળાભઠ્ઠ થઇ ગયા હતા

રાજકોટ, તા., ૧૦: ગઇકાલે અમદાવાદના એક અખબારે શ્રાવણ માસ દરમિયાન પરંપરારૂપે પરિવારજનો સાથે પત્તા (જુગટુ) રમતા લોકોને પોલીસ હેરાન  ન કરે તેવો હુકમ ‘ઓફ ધી રેકોર્ડ' થયાના સમાચારો પ્રસિધ્‍ધ કર્યા હતા. આવો અભિગમ આજથી ર૦-રપ વર્ષ પહેલા તત્‍કાલીન કાયદાપ્રેમી છતાં માનવતાવાદી પોલીસ કમિશ્નર શ્રી સુધીર સિન્‍હાએ એક પત્રકારની યોગ્‍ય રજુઆત બાદ લીધો હતો. જેને લોકોએ ખુબ બિરદાવ્‍યો હતો. આવા તો અનેક પગલા શ્રી સિન્‍હાએ લીધા હતા. જેનાથી અનેક પરિવારોના માળા પિંખાતા બચી ગયા હતા. રાજકોટમાં અસંખ્‍ય લોકોને આત્‍મહત્‍યા સુધી પહોંચાડનાર લોટરીના જુગારને મોટી કાયદાકીય લડત આપી શ્રી સિન્‍હાએ જળમૂળથી ડામી દીધો હતો.

અત્‍યારના મોટા ગજાના બુકીઓ ત્‍યારે લોટરીના ધંધા સાથે સંકળાયેલા હતા. આવા ધંધાર્થીઓએ પૈસાના જોરે મોટા-મોટા વકિલો રોકી શામ-દામ-દંડની ઉકિત મુજબ સુધીર સિન્‍હાને મ્‍હાત આપવા ખુબ પ્રયત્‍ન કર્યા હતા પરંતુ ઉપલી કોર્ટ સુધી કાયદાના નિષ્‍ણાંત અધિકારીએ તબક્કાવાર લડત આપી હતી. અંતે શ્રી સિન્‍હાની જીત થઇ હતી અને લોટરી બંધ કરાવવાના નિર્ણયમાં તેઓ અફર રહયા હતા. રાજકોટના ધમધમતી લોટરી બજારોના પાટીયા વર્ષો પછી ઉતરી ગયા હતા અને આ જુગારમાં ગળાડૂબ રહેતા યુવાનો અને મોભીઓ ઉગરી જતા અનેક પરિવારો આર્થિક ગર્તામાંથી ઉગરી શાંતિની જીંદગી જીવવા લાગ્‍યા હતા. જેનો પુરેપુરો શ્રેય શ્રી સિન્‍હાને જાય છે. તે વખતે દુષણને ફુલવા-ફાલવામાં મદદરૂપ થનાર અને સીધી કે આડકતરી રીતે લોટરીના ધંધાઓ સાથે જોડાયેલા અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના મ્‍હોં પણ કાળા ભઠ્ઠ થઇ ગયા હતા.

આવી જ રીતે લક્ષ્મીવાડી વિસ્‍તારમાં મકાનો-દુકાનો ઉપર ગેરકાયદે કબ્‍જા જમાવવા અને જુના ભાડુઆતોને ધમકાવી ડરાવી મકાનો ખાલી કરાવવાનો ધંધો કરતા માથાભારે બલી ભરવાડનું મોત એક નિર્દોષ યુવાનના હાથે થયું ત્‍યારે પણ શ્રી સિન્‍હાએ કાયદા અને વાસ્‍તવિક સ્‍થિતિનું યોગ્‍ય મુલ્‍યાંકન કરી હત્‍યાના બદલે સાઅપરાધ મનુષ્‍ય વધનો ગુન્‍હો નોંધી નિર્દોષ યુવકની જીંદગીને આટાપાટે ચડતા બચાવી હતી.

લક્ષ્મીવાડી વિસ્‍તારના સદગૃહસ્‍થો માટે બલી ભરવાડ માથાના દુઃખાવારૂપ બની ગયો હતો ત્‍યારે મકાન ખાલી કરાવવા થઇ રહેલી અસહ્ય પજવણીથી ત્રસ્‍ત રજપુત પરિવારના સત્‍યેન સેજકસિંહ ચાવડાએ પોતાના પિતા અને બહેન ઉપર ઘરમાં ઘુસી હુમલો કરવા જઇ રહેલા બલીને સ્‍વબચાવમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં જે તે પોલીસ સ્‍ટેશનના અધિકારીએ સત્‍યેનને અટકાયતમાં લઇ હત્‍યાનો ગુન્‍હો નોંધવા કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન આ મામલાને શરૂઆતથી જ નજીકથી નિહાળી રહેલા ક્રાઇમ રીપોટર્સએ શ્રી સિન્‍હાને મળી સત્‍યેન ચાવડાનો આશય બલી ભરવાડને મારી નાખવાનો નહિ પરંતુ સ્‍વબચાવનો હોવાની રજુઆત કરી લાંબા સમયથી બલી ભરવાડ દ્વારા રજુપત પરિવારને મકાન ખાલી કરાવવા અપાતા ત્રાસની કરૂણાંતિકા વર્ણવતા શ્રી સિન્‍હાએ સાઅપરાધ મનુષ્‍યવધનો ગુન્‍હો સત્‍યેન સામે નોંધવા આદેશ આપ્‍યો હતો. એટલું જ નહિ તેઓએ આ ગુન્‍હામાં જામીન પર છુટેલા નિર્દોષ યુવાન સત્‍યેન ઉપર જાનનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ પણ પુરૂ પાડયું હતું.

આવી જ રીતે શ્રાવણ મહિનામાં પોલીસ દ્વારા પરંપરા મુજબ પરિવાર સાથે પત્તા રમતા પરિવારોને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરી તોડ કરવામાં આવતા હોવાનું અને મ્‍હોં માંગ્‍યા નાણા ન આપે તો જુગારના ખોટા ગુન્‍હાઓ નોંધવામાં આવતા હોવાથી નિર્દોષ નાગરીકો હેરાન થતા હોવાની બાબતે શ્રીસિન્‍હાનું ધ્‍યાન પુરાવાઓ ટાંકી દોરતા તેઓએ તુરંત લોકહિતમાં ‘શ્રાવણીયા જુગાર' રમતા પરિવારોને કનડગત નહિ કરવા પોલીસને કડક આદેશ આપી દીધો હતો. જેને લોકોએ ખુબ બિરદાવ્‍યો હતો.

આ ઉપરાંત આંતરરાષ્‍ટ્રીય ગુન્‍હેગાર સીન્‍ડીકેટને સાંકળતા ભાસ્‍કર પરેશ અપહરણકાંડ જેવી ગંભીર ઘટના વખતે રાજકોટમાં કાર્યરત સવાર અને સાંજના અનેક અખબારો, તંત્રીશ્રીઓ અને ક્રાઇમ રીપોર્ટસ ર્ને કુનેહપુર્વક વિશ્વાસમાં લઇ ઘટનાને ૧પ દિવસ સુધી અખબારોમાં પ્રસિધ્‍ધ નહિ થવા દઇ અપહૃતોને આબાદ છોડાવી ગુન્‍હેગારોના એન્‍કાઉન્‍ટર કર્યા હતા. જે કેસ પણ દેશભરમાં ચર્ચાયો હતો.

સુધીર સિન્‍હાએ જે જે સ્‍થળોએ ફરજ બજાવી તે તે સ્‍થળોએ હંમેશ પ્રજાને ન્‍યાય અપાવ્‍યો હતો. નાના માણસ કે ફરીયાદી માટે તેમની ઓફીસ, બંગલાના દ્વાર ર૪ કલાક ખુલ્લા રહેતા. ફરીયાદીને પોલીસ સ્‍ટેશનમાં સાંભળવામાં આવતા નથી તેવી કોઇ ફરીયાદો તેમના કાર્યકાળમાં જવલ્લે જ  ઉઠી હતી.

આમ પરિવાર સાથે પત્તા રમતા લોકોને પરેશાન નહિ કરવામાં આવે તેવા મથાળા હેઠળના ગઇકાલે પ્રસિધ્‍ધ થયેલા સમાચારોએ વર્ષો પહેલા શ્રી સુધિર સિન્‍હાએ લીધેલા આવા જ આવકાર્ય નિર્ણયને વાગોળવો જ પડે.

અહેવાલ

જયદેવસિંહ જાડેજા

૯૮૨૫૨ ૨૮૮૮૨

(4:07 PM IST)