<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભાજપ અને કોર્પોરેશનના પદાધિકારીઓને પ્રોટોકોલનું જ્ઞાન નહિં કે ઈરાદાપૂર્વક અવગણના?

તિરંગાયાત્રાના આમંત્રણમાં જે.પી. નડ્ડાનું નામ બીજા ક્રમે : રાઘવજી પટેલ અને ભાનુબેન કેબીનેટ મંત્રી હોવા છતાં ધારાસભ્‍યોની હરોળમાં મૂકી દીધાઃ શાસક પક્ષમાં એકબીજાની લીટી ‘ટૂંકી' કરવાની તીવ્ર સ્‍પર્ધા

રાજકોટ, તા. ૧૦ : મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ભાજપની અગ્રગણ્‍ય ભૂમિકા સાથે આજે યોજાયેલ તિરંગા યાત્રાની રાજકોટ મહાનગરપાલિકાની નિમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલનો ભંગ દેખાઈ આવે છે. કોર્પોરેશન અને શહેર ભાજપના પદાધિકારીઓને પ્રોટોકોલનું જ્ઞાન નહિં હોય કે ઈરાદાપૂર્વક અમુક આગેવાનોની અવગણના કરવા માંગતા હશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે. ભ્રષ્‍ટાચારના મુદ્દે બહુ ગાજેલી અને સતત વિવાદોથી ઘેરાયેલી મહાનગરપાલિકાના ‘ઈ - નિમંત્રણ'નો મુદ્દો ચર્ચાસ્‍પદ બન્‍યો છે.

જાણકારોના કહેવા મુજબ જે.પી. નડ્ડા રાષ્‍ટ્રીય પ્રમુખ અને કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી છે. તેનું નામ નિમંત્રણમાં સૌથી પહેલુ હોવુ જોઈએ તેના બદલે તેનું નામ બીજા ક્રમે અને પહેલા ક્રમે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું નામ છે. નડાની સાથે પ્રદેશ પ્રમુખ અને કેન્‍દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નામ છે. ચોથા ક્રમે રાજયકક્ષાના મંત્રી હર્ષ સંઘવીનું નામ છે. રાઘવજી પટેલ પ્રભારી મંત્રી છે. ભાનુબેન બાબરીયા રાજકોટનું પ્રતિનિધિત્‍વ કરતા કેબીનેટ મંત્રી છે. તેમનું નામ સાંસદો, ધારાસભ્‍યો અને ભાજપના સંગઠનના પદાધિકારી ડો.ભરત બોઘરા, મુકેશ દોશી અને બીનાબેન આચાર્યની સાથે દર્શાવી દેવામાં આવ્‍યુ છે. આ બધાની ઉપસ્‍થિતિને ‘પ્રેરણાદાયી' બનાવવામાં આવી છે. અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા અને મુખ્‍ય મહેમાન તરીકે ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા અને માધવ દવેનું નામ છે.

આ ‘ઈ-નિમંત્રણ' પત્રિકામાં નિમંત્રક તરીકે કમિશનર ડી.પી. દેસાઈ, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાનું નામ લખેલ છે. શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્‍ચે તાલમેળ ન હોવાની વાત જાણીતી છે. પ્રોટોકોલ ન જાળવી શકાય તેની જવાબદારી મુકેશ દોશી, જયમીન ઠાકર, ભરત બોઘરા, સુરેન્‍દ્રસિંહ વાળા વગેરેની હોવાની ચર્ચા છે. એકબીજાને નીચા દેખાડવાની હોડ પાર્ટીને નુકશાન કરી રહી છે. શાસકોની નબળાઈએ વિપક્ષને બળવાન બનવાનો રસ્‍તો ખોલ્‍યો છે.

(4:11 PM IST)