News of Monday, 12th August 2024
ઢેબર કોલોનીમાં માતાજીના ભુવા સુરેશભાઇ સોલંકીને ૯ શખ્સોએ ક્રુરતાથી રહેંસી નાંખ્યા : ત્રણ દિકરાને ઇજા
રાજકોટમાં વધુ એક હત્યાઃ ઢેબર કોલોની ફાટક પાસે સુરેશભાઇ સોલંકીના ભાણેજ મહેશને રાજુની સામે જોવા મામલે ડખ્ખો થયા બાદ રાજુ અને મહેશના પિતા વિજય વચ્ચે ઝઘડો થયોઃ સુરેશભાઇ અને ત્રણ દિકરા વચ્ચે પડતાં ખાર રાખી તેના પર હુમલો : ભક્તિનગર પોલીસે રાજુ સોલંકી, પ્રકાશ, ભીમા, શૈલેષ, નિલેષ, અરવિંદ, અનિલ, ધનો અને યોગેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યોઃ સુરેશભાઇએ મોડી રાતે દમ તોડયોઃ તેના પુત્રો વિક્કી, અર્જુન અને પ્રકાશ સારવાર હેઠળઃ ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા,પીઆઇ ગીલવા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા અને ડી. સ્ટાફની ટીમે ચાર-પાંચને રાઉન્ડ અપ કર્યા

ઘટના સ્થળે બઘડાટીને પગલે વાહનોમાં પણ તોડફોડ થઇ હતી તે દ્રશ્યો તથા હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ સોલંકીનો નિષ્પ્રાણ દેહ, હોસ્પિટલ ખાતે તેના શોકમય પત્નિ, દિકરી સહિતના પરિવારજનો અને હુમલામાં ઘાયલ થયેલા સુરેશભાઇના પુત્રો વિક્કી, અર્જુન, પ્રકાશ અને મૃતકનો ફાઇલો ફોટો તથા ઘટના સ્થળે પોલીસ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૬)
રાજકોટ તા. ૧૨: શહેરના ઢેબર કોલોની વિસ્તારમાં રહેતાં અને ત્યાં જ કરિયાણા તથા પાનબીડીની કેબીન ચલાવતાં માતાજીના ભુવા એવા સુરેશભાઇ દુલાભાઇ સોલંકી (ઉ.વ.૪૫) તથા તેના ત્રણ દિકરાઓ વિક્કી, અર્જુન અને પ્રકાશ પર રાતે તેમની કેબીને હતાં ત્યારે ઢેબર કોલોનીના રાજુ બાબુ સોલંકી સહિતના ૯ જણાએ ટોળકી રચી છરી, ધોકા, તલવાર, પાઇપથી હુમલો કરતાં સુરેશભાઇ અને ત્રણેય દિકરા જીવ બચાવી ગાડીના પાટા તરફ ભાગતાં ટોળકીએ તેમને આંતરી લઇ આડેધડ ઘા ઝીંકતાં ચારેયને હોસ્પિટલે ખસેડાતા ભક્તિનગર પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. એ દરમિયાન મોડી રાતે સુરેશભાઇનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યાનો ભોગ બનનારના ભાણેજ મહેશને ઢેબર કોલોનીના રાજુની સામે જોવા મામલે બોલાચાલી થયા બાદ રાજુ અને મહેશના પિતા વિજય વચ્ચે સુરેશભાઇની કેબીન પાસે ઝઘડો થતાં સુરેશભાઇ અને તેના દિકરાઓએ વચ્ચે પડી ડખ્ખો શાંત પાડતાં તેનો ખાર રાખી રાજુ ટોળકી રચી તૂટી પડયો હતો.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ દુલાભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ના પુત્ર વિક્કી સુરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી રાજુ બાબુભાઇ સોલંકી, ભીમા બાબુભાઇ સોલંકી, પ્રકાશ બાબુભાઇ સોલંકી, ભીમાનો છોકરો શૈલેષ, બીજો છોકરો નિલેષ, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજી વિરૂધ્ધ રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન સુરેશભાઇએ મોડી રાતે દમ તોડી દેતાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.
વિક્કી સોલંકીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હું માતા પિતા અને મારી પત્નિ સાથે ઢેબર કોલોની પાસે જોગણીમાતા તથા રખાદાદાના મંદિર પાસે રહુ છું અને ઘર પાસે કરીયાણા અને પાન બીડીની કેબીન રાખી વેપાર કરુ છું. મારા પપ્પા સુરેશભાઇ સોલંકી માતાજીના ભુવા હતાં. મારા પત્નિનું નામ સંગીતા છે, મારી માતા ઘરકામ કરે છે. મારે સંતાનમાં બે પુત્ર અને એકમ પુત્રી છે. રવિવારે ૧૧મીની સાંજે આઠેક વાગ્યે હું, મારા પિતા સુરેશભાઇ, મારા નાના ભાઇઓ અર્જુન અને પ્રકાશ એમ ચારેય ઢેબર રોડ શુલભની સામે મારી પાનની કેબીને બેઠા બેઠા વાતો કરતાં હતાં. ત્યારે ઢેબર કોલોની મફતીયાપરામાં રહેતો રાજુ બાબુભાઇ સોલંકી અને લોહાનગરમાં રહેતો વિજય રામદાસ મારી કેબીન પાસે આવી ગાળો બોલી ઝઘડો કરતાં હોઇ મેં તથા મારા પપ્પા સુરેશભાઇ અને મારા ભાઇઓએ તેને ઝઘડો નહિ કરવા સમજાવી છુટા પાડયા હતાં.
આથી વિજય જતો રહ્યો હતો અને રાજુ સોલંકી ઢેબર કોલોનીની અંદર ગયો હતો. રાતે સાડા આઠેક વાગ્યે ભીમા સોલંકી, પ્રકાશ સોલંકી, શૈલૈષ ભીમા, નિલેષ, અરવિંદ, અનિલ, ધનો, યોગેશ સહિતના હાથમાં લોખંડના પાઇપ, લાકડાના ધોકા, છરી જેવા હથીયારો લઇ અમારી કેબીન તરફ અમને મારવા દોડતાં આ લોકોને અમે જોઇ ગયા હતાં. ભીમાના હાથમાં તલવાર હતી, પ્રકાશના હાથમાં પાઇપ, રાજુ અને ધના પાસે પાઇપ, અનિલ, યોગેશ, શૈલેષ પાસે ધોકા અને અરવિંદ પાસે છરી હતી. આ બધાએ ભેગા મળી અમારા પર હુમલો કરવા આવતાં અમે જીવ બચાવવા ઢેબર કોલોની ફાટક તરફ ભાગવા લાગતાં ફાટક ટપી આ લોકોએ અમને આંતરી લીધા હતાં.
ત્યાર પછી ભીમા બાબુએ તલવારના ઘા મારા પિતા સુરેશભાઇને મારી દીધા હતાં. માથા મોઢા પર બે ત્રણ ઘા લાગી જતાં તે પડી ગયા હતાં. રાજુ, શૈલેષે પાઇપના ઘા મારા પિતાને ફટકાર્યા હતાં. તેમજ અરવિંદે તેમને વાંસામાં છરી મારી ીધી હતી. હું તથા મારા ભાઇઓ અર્જુન અને પ્રકાશ પિતાને વધુ મારથી બચાવવા વચ્ચે પડતાં મારા ભાઇ પ્રકાશને પણ ભીમાએ તલવાર માથામાં અને કાન પર મારી દીધી હતી. બીજા ભાઇ અર્જુનને રાજુ અને પ્રકાશ તથા શૈલેષ તેમજ યોગેશે પાઇપ, ધોકાથી ઘા ફટકાર્યા હતાં. અર્જુનને ભીમાએ તલવાર પણ ઝીંકી હતી. તેમજ ભીમા એ મારા માથા પાછળ તલવારનો ઘા માર્યો હતો. આધડેધડ આ લોકોએ ઘા માર્યા હતાં. જેમાં મને તલવારનો એક ઘા જમણા પગે પણ લાગી ગયો હતો.
રાજુ, પ્રકાશ, ધના, અનિલ, શૈલેષ, અને યોગેશે ભેગા મળી મને અને મારા ભાઇઓ તેમજ પિતાને તલવાર, ધોકા, છરી, પાઇપના આડેધડ ઘા માર્યા હતાં. જેથી અમને ચારેયને લોહી નીકળવા માંડયા હતાં. મારા પિતા સુરેશભાઇ પાટા પાસે જ પડી ગયા હતાં. માણસો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. એ દરમિયાન હુમલો કરનારા ભાગી ગયા હતાં. મને તથા મારા બે ભાઇઓ, પિતાને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. મારા પિતાને ઇમર્જન્સીમાં દાખલ કરાયા હતાં. મને તથા મારા ભાઇઓ અર્જુન સુરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૦), પ્રકાશ સુરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૧)ને સર્જરી વોર્ડ તેમજ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતાં. મારા પિતાએ ઇમર્જન્સીમાં રખાયા હતાં.
સારવાર દરમિયાન સુરેશભાઇ દુલાભાઇ સોલંકીનું મોડી રાતે મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
વિક્કી સોલંકીએ આગળ જણાવ્યું હતું કે આ હુમલાનું કારણ એ છે કે અમારી કેબીન પાસે ઢેબર કોલોનીનો રાજુ બાબુ સોલંકી અને લોહાનગરનો વિજય રામદાસ ઝઘડો કરતાં હોઇ બંનેને સમજાવી છુટા પાડતાં તેનો ખાર રાખી રાજુ સોલંકીએ ટોળકી રચી અમારા પર સશષા હુમલો કર્યો હતો. જેમાં મારા પિતા સુરેશભાઇ દુલાભાઇ સોલંકી (ઉ.વ.૪૫)નું મોત થયું હતું. હત્યાનો ભોગ બનનાર સુરેશભાઇ સોલંકી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતાં. તેના બહેનોના નામ લીલાબેન, જયાબેન અને આશાબેન તથા ભાઇઓના નામ ભાદાભાઇ તથા જેકીભાઇ છે. સુરેશભાઇને પાંચ દિકરા અને બે દિકરી છે. આ બનાવથી સોલંકી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે રાતે ઘટના સ્થળે રિક્ષા સહિતના વાહનોમાં પણ તોડફોડ થઇ હોવાનો આક્ષેપ ઘાયલોએ કર્યો હતો. (૧૪.૬)
સુરેશના ભાણેજ મહેશને ઢેબર કોલોનીના રાજુની સામે જોવા મામલે ડખ્ખો થયા બાદ જામી પડી
ઞ્જઆ હત્યાની ઘટનામાં એવી વિગતો પણ બહાર આવી છે કે હત્યાનો ભોગ બનેલા સુરેશ સોલંકીનો ભાણેજ મહેશ વિજયભાઇ (ઉ.વ.૨૦) ઢેબર કોલોની પાસેથી પસાર થતાં તેણે રાજુની સામે જોતાં રાજુએ તું કેમ સામુ જોવે છે? કહી ઝઘડો કર્યા બાદ મહેશને સમજાવીને મામા સુરેશભાઇ સહિતે રવાના કરી દીધો હતો. એ પછી સુરેશભાઇના દિકરા વિક્કીની કેબીન પાસે આવી રાજુ સોલંકી અને વિજય રામદાસ વચ્ચે ગાળાગાળી ચાલુ થતાં તેમાં સુરેશભાઇ અને તેના દિકરાઓ વચ્ચે પડતાં તેના પર હુમલો થયો હતો અને એકની હત્યા થઇ હતી.
(3:09 PM IST)










