<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

૫૩ હજારની પ્રતિબંધીત અને ઇ-સિગારેટ સાથે મુકેશ ભારાણીને એસઓજીએ પકડયો

સિનર્જી હોસ્‍પિટલ નજીક શિવાનંદ પાર્કના રસ્‍તે પીઆઇ સાકરીયા, પીએસઆઇ મજીરાણાની ટીમની કાર્યવાહીઃ ઇન્‍દ્રસિંહ અને દિગ્‍વીજયસિંહની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેરના ગાંધીગ્રામ દોઢસો ફુટ રીંગ રોડ પર સિનર્જી હોસ્‍પિટલ નજીક શિવાનંદ પાર્ક તરફ જવાના રસ્‍તે ક્‍લાઉડ નાઇન કોમ્‍પલેક્ષ પાસે શહેર એસઓજીએ દરોડો પાડી મુકેશ હીરાભાઇ ભારાણી (ઉ.વ.૫૧-રહે. ગોકુલ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૪૦૧, અયોધ્‍યા ચોક પાસે)ને રૂા. ૫૩ હજારની કિંમતની ગેરકાયદેસર વિદેશી સિગારેટ તથા ઇ-સિગારેટ વેપ સાથે પકડી લઇ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો છે.

એસઓજીની ટીમને પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્‍ટના હોલસેલ વિક્રેતાઓ દ્વાર ઇ-સિગારેટ, વેપ, ભારતીય હેલ્‍થ વોર્નીંગ વગરની સિગારેટ પ્રોડક્‍ટનું વેંચાણ થતું હોઇ તો તે શોધી કાઢવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા અને દિગ્‍વીજયસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી મુકેશ ભારાણીને પકડી લેવાયો હતો. તેની પાસેથી વિદેશી સિગારેટ ૫૧ હજારની અને ઇ-સિગારેટ (વેપ) રૂા. ૧૨ હજારની મળી કુલ ૫૩ હજારની ગેરકાયદેસર સિગારેટનો જથ્‍થો મળતાં કબ્‍જે કરી તેની સામે ગાંધીગ્રામ પોલીસમાં ધી સીગારેટ અને બીજી તમાકુ ઉત્‍પાદન અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો હતો.

આ શખ્‍સ કેન્‍સરના નિશાન વગરની ગેરકાયદેસર વિદેશી સિગારેટો અને વેપ ક્‍યાંથી લાવ્‍યો? તેની વધુ તપાસ હેડકોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ ગોહિલે હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ડી. સી. સાકરીયા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજયસિંહ ગોહિલ અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો મુકેશ બહારથી આવી બીલ વગરની અને કેન્‍સરના માર્કા વગરની પ્રતિબંધીતી સિગારેટો લાવી અલગ અલગ પાન પાર્લરોમાં પહોંચાડવાનું કામ કરતો હોવાનું ખુલતાં વધુ તપાસ થઇ રહી છે

(2:44 PM IST)