News of Monday, 12th August 2024
કોંગ્રેસની ન્યાય યાત્રા ફારસઃ પીડીતોને પોતાનો રાજકીય હાથો બનાવવા હવાતીયાઃ ઉદય કાનગડ
સંવેદન સભામાં ભરતી મેળો ચાલુ કરીને કોંગ્રેસે રાજકીય રોટલો શેકવાનો મિથ્યા પ્રયાસ કર્યોઃ રાજકોટ-૬૮ના ધારાસભ્યના પ્રહાર

રાજકોટ,તા. ૧૨: ગત તા.રપ મી મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ ર્દુઘટનાના હતભાગી થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ‘ન્યાય યાત્રા' નું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ ન્યાય યાત્રાની કહેવાતી સંવેદન સભામાં ભાજપના પ૦થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના અહેવાલ બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે પીડીતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પીડીતોના નામે પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. કેન્દ્રમાં છેલ્લા દશ વર્ષથી અને ગુજરાતમાં ૧૯૯પ થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે સતા વગર બેબાકળી બનેલી કોંગ્રેસ પ્રજાની નજરમાં રહેવા માટે ખોટા હવાતીયા મારી રહી છે અને અગ્નિકાંડની ર્દુઘટનાની પીડીતોને ન્યાય અપાવવાના બહાને ભરતી મેળો યોજી રહી છે.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે અગ્નિ કાંડ ર્દુઘટનાને પગલે રાજયની ભાજપ સરકાર દ્વારા તટસ્થપણે તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ આવા સંવેદનશીલ પ્રશ્ને પણ રાજકીય જશ ખાટવામાં થી ઉંચી નથી આવતી. તા. ૯ મી ઓગષ્ટના રોજ મોરબીથી પ્રારંભ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા એ માત્ર રાજકિય પ્રેરીત છે. ન્યાય યાત્રાનું ફારસ કરીને કોંગ્રેસ પીડીતોને પોતાનો રાજકીય હાથો બનાવવા હવાતીયા મારી રહી છે અને પીડીતોની મજાક કરી રહી છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ સંવેદન સભામાં ભરતી મેળો ચાલુ કરીને કોંગ્રેસે અગ્નિ કાંડ ર્દુઘટનાના પીડીતોની મજાક કરી છે. પણ કોઈપણ સંવેદનશીલ મુદૃે રાજકીય ફારસ સર્જતી કોંગ્રેસના કરતુતો પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયા છે.અને વિકાસ અને રાષ્ટ્રવાદ જેવા શબ્દોથી બાર ગાઉંનું છેટુ ધરાવતી કોંગ્રેસે પ્રજાની કયારેય ચિંતા નથી કરી. તેમ અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
(3:06 PM IST)










