<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કોઠારીયા સોલવન્‍ટ નુરાનીપરા પાસે સ્‍પીડ બ્રેકર અથવા બેરીકેટ મુકવા માંગણી

બેફામ ઝડપે નીકળતાં વાહનોને કારણે રસ્‍તો ઓળંગવામાં બંને તરફથી સોસાયટીના રહેવાસીઓને હાલાકીઃ વારંવાર સર્જાય છે અકસ્‍માતઃ અનવર દલની રજૂઆત

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્‍ટ નુરાનીપરામાં રહેતાં વોર્ડ નં. ૧૮ના લઘુમતિ મોરચા પ્રમુખ અનવર ઇસ્‍માઇલભાઇ દલે રજૂઆત કરી જણાવ્‍યું છે કે કોઠારીયા સોલવન્‍ટ ગોંડલ રોડ નેશનલ હાઇ-વે પર અવાર-નવાર જીવલેણ અકસ્‍માત સર્જાય છે. આ રોડની બંને બાજુ વોર્ડ નં. ૧૨ અને વોર્ડ નં. ૧૮નો વિસ્‍તાર છે. જેમાં ઘણી સોસાયટીઓમાં ૨૦થી ૨૫ હજારની વસ્‍તી છે. આ રહેવાસીઓને કામ સબબ રસ્‍તો ઓળંગીને જવું પડતું હોય છે, જેમાં મોટા ભાગે કાંગસીયાળી ચોકડી પાસેથી લોકો વધુ રસ્‍તો ઓળંગે છે. પણ અહિથી પસાર થતાં વાહનોની સ્‍પીડ એટલી બધી હોય છે કે લોકો સરળતાથી રસ્‍તો ઓળંગી શકતાં નથી.

દલે આગળ જણાવ્‍યું છે કે ખાસ કરીને મહિલાઓ, બાળકોને વધુ તકલીફ થાય છે. વાહનોની ગતિ મર્યાદામાં રહે તે માટે અહિ સ્‍પીડબ્રેકર મુકવા અથવા તો બેરીકેટ મુકવા જરૂરી છે. મોટી લાઇટ પણ ફીટ કરવી જરૂરી છે જેથી કરીને રાત્રીના સમયે રાહદારીઓને વાંધો ન આવે. અહિ ટ્રાફિક સિગ્નલ છે પરંતુ તે બંધ હાલતમાં છે. તેને તત્‍કાળ ચાલુ કરવું જરૂરી છે. જ્‍યાં જ્‍યાં સોસાયટીના રસ્‍તા આવે છે ત્‍યાં સફેદ પટ્ટા અને રેડીયમ લગાડવાની પણ માંગણી છે. સવારે આઠથી દસ અને સાંજે પાંચથી નવ ટ્રાફિક પોલીસ બંદોબસ્‍તમાં રહે તો પણ અકસ્‍માતો ટાળી શકાય. તેમ વધુમાં અનવર દલે જણાવી યોગ્‍ય કરવા માંગણી કરી છે.

(3:59 PM IST)