News of Monday, 12th August 2024
ગુરૂવારે રાજકોટમાં ઘુઘવશે શિવભકિતનો મહાસાગર
૧૪પ વર્ષ પ્રાચીન કામનાથ મહાદેવની નીકળશે અતિ દિવ્ય અને ભવ્ય વરણાંગી : કામનાથ પ્રા. લી.ના પ્રિયવદનભાઇ કક્કડ, અવધ કક્કડ દ્વારા સમગ્ર આયોજન : તા. ૧પ ઓગસ્ટ ગુરૂવારે બપોરે ર કલાકે રાજમાર્ગો પર દાદાનાં દર્શનનો દિવ્ય લ્હાવો મળશે. : રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાનું પ્રખ્યાત કલાવૃંદ, ઉજ્જૈનનાં શ્રી ભષ્મરૈયા ભકત મંડળ દ્વારા આહલાદક ડમરૂ વાહન, નાસિકના પ્રખ્યાત સ્ટા ગ્રૃપનું ઢોલ, એલઇડી પર દાદાનો ઇતિહાસ સહિત અનેક આકર્ષણો જમાવટ કરશે


રાજકોટ તા. ૧ર : ભોળાનાથ શંકરનો જેમાં નિવાસ છે. તેવા શિવ મંદિરો પુરાણકાળથી મનુષ્યની શ્રધ્ધાનું પવિત્ર સ્થાનક બની રહ્યા છે. જીવ અને શિવના સમન્વય માટે શિવ મંદિર એક પ્રેરણાદાયી માધ્યમ છે. આખો શ્રાવણ મહિનો ભાવિકો ભગવાન શિવની અર્ચના કરે છે. ત્યારે રાજકોટમાં ૧૪પ વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવનો ૭પ માં પાટોત્સવ દિવસ નિમિતે સંવત ર૦૮૦, શ્રવણ સુદ-૧૦ અને ૧પ ઓગષ્ટ-ર૦ર૪ ગુરૂવારના રોજ ભવ્યાતિભવ્ય વરણાગીરૂપે ફુલેકુ શહેરનાં રાજમાર્ગો પર ફરશે. જેમાં દાદાનાં દર્શન સાથે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કલાકારો સાથે ઉજજૈન, નાસિક સહિતનાં કલાકારો કલાનાં કામણ પાથરશે. આવી અલૌકિક વર્ણાગી નિહાળી દર્શનનું સૌભાગ્ય રાજકોટને મળવા જઇ રહ્યું છે.
આ અંગે કામનાથ પ્રા. લી.ના ચેરમેન અને જેમનું આખુ આયોજન પેઢીઓથી કરે છે. તેવા પ્રિયવંદનભાઇ કકકડે જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭પ વર્ષ સાથે કામનાથ મહાદેવના વરણાગીનાં ૭પમાં વર્ષમાં પ્રવેશ અને તે પણ ૧પ મી ઓગષ્ટે યોજાવા જઇ રહ્યું છે ત્યારે આનાથી બીજો મોટો શુભ સંયોગ શું હોય શકે ? ધર્મનગરી રાજકોટમાં પ્રસ્તુત કલ્યાણકારી કામનાથ મહાદેવની વરણાગી અને ફુલેકુંએ રાજકોટવાસીઓ માટે શ્રધ્ધા, ભકિત, આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક વર્ષોથી બની રહ્યું છે. છેલ્લા ૭૪ વર્ષથી અવિરત પણે શ્રાવણ સુદ દશમનાં શ્રી કામનાથ મહાદેવનું ફૂલેકું વરણાંગીરૂપે રાજકોટનાં રાજમાર્ગો પર નીકળે છે.
આ ૭પમાં વર્ષે યુવા પેઢી પણ કામનાથ મહાદેવ મંદિરનાં અલભ્ય ઇતિહાસથી પરિચિત થાય તે માટે કકકડ પરિવારનાં પુત્ર અવધભાઇ કકકડે પ્રાચીન પરંપરા સાથે અર્વાચિન યુગ અને ટેકનોલોજી સાથે ભગવાન શ્રી કામનાથ મહાદેવની વરણાગીનો વિચાર વહેતો મૂકયો છે. જે અંતર્ગત આ વખતે દિવ્ય અને અલૌકિક વરણાગી તા. ૧પ-૮-ર૦ર૪ ને ગુરૂવારે બપોરે ર વાગે શ્રી કામનાથ મહાદેવ મંદિરથી રૈયનાકા રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ રોડ થઇ શ્રી કામનાથ મહાદેવ મંદિરે ૧૦ કલાકે પરત ફરશે.
શ્રી કામનાથ મહાદેવની ૭૫મી વરણાગીની વિશેષતા પણ માણવા લાયક હશે. જેમાં આ ફુલેકા દરમ્યાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામ ખંભાળીયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ (જામ ખંભાળીયા ડાહયાભાઇ ગ્રુપ)નાં સુરિલા રાસ અને અદભુત દિવડા આરતી દર્શન, શ્રી ભષ્મરમૈયા ભકત મંડળ- ઉજ્જેૈન દ્વારા આહલાદક ડમરૂ વાદન, નાસિકનાં પ્રખ્યાત ઢોલ(સ્ટાર ગ્રુપ) દ્વારા નાસીક ઢોલની જમાવટ, ગડુની સુર-મધુર શરણાઇ વાહન, શ્રી કામનાથ મહાદેવનો ભવ્ય ઇતિહાસ દર્શાવતું એલઇડી વાન, હિંમતનગરથી પધારેલા મહારાજના નામે પ્રસિધ્ધ ૧૦૦૦ દિવડા શરીર પર ધારણ કરી મનોજભાઇ જોશી દ્વારા દિવડા આરતી, શ્રી રાધેશ્યામ ગોૈ શાળા રાજકોટનાં સહયોગથી અલગ-અલગ દેવી દેવતાઓની મુર્તિઓનાં વિવિધ ફલોટસ, ઉપરાંત સોૈરાષ્ટ્રનાં અલગ-અલગ ગામથી પધારેલા ધુન મંડળો- કિર્તન-મંડળો ધુન-કિર્તનની રમઝટ બોલાવશે.
ગુરૂવારે સવારે ૧૦-૧૫ કલાકે દાદાનું લઘુરૂદ્રાભિષેક પુજન, ષોડોપચાર પુજન થશે. દર વર્ષની જેમ આ વર્ષ પણ દરેક લોકોને દરેક જગ્યાએ દાદાનાં દર્શનનો લ્હાવો મળશે. આબોલ-વૃધ્ધ સોૈ કોઇ બહોળી સંખ્યામાં સામેલ થશે. શ્રી કામનાથ મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠશે. ચા-પાણી- નાસ્તો- ઠંડાપાણીની સેવા કરતા, સત્ય સનાતન ધર્મનો આહલેક જગાવતો માનવ મહેરામણ વરણાગીમાં જોડાઇ ધન્યતા અનુભવશે.
ઉલ્લેખનીય છે કે, શ્રી કામનાથ મહાદેવનાં આ ભવ્યાતી ભવ્ય અમૃત મહોત્સવમાં કામનાથ પ્રા.લી.નાં ચેરમેન શ્રી પ્રીયવદનભાઇ કક્કડ વરણાગી સમયે ઉઘાડા પગે નીકળી પોતાના દાદા પ્રત્યેની અપાર શ્રધ્ધા સાથે ભકિતનાં રંગે રંગાશે. શ્રી કામનાથ મહાદેવનાં આ ૭૫માં પાટોત્સવમાં જોડાવા સોૈ કોઇને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિશેષ વિગતો માટે ૯૦૯૯૦ ૩૮૫૫૫ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.(૯.ર૮)
કામનાથ મહાદેવની વરણાંગીમાં અદ્્ભૂત કલાનાં કામણ પથરાશે
* રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કલાવૃંદ, ઉજ્જૈનું આહલાદ ડમરૂવાદન, શરીર પર ૧૦૦૦ દિવડા સાથે આરતી સહિત અનેક કલાની રમઝટ બોલાશે.
* LED વાન- શ્રી કામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ દેખાડતી વાન.
* શ્રી ભસ્મ રમૈયા ભકત મંડળ-ઉજ્જૈનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા સુપ્રસિદ્ધ ડમરૂ નૃત્યુ.
* નાસિક ઢોલ-શ્રી સ્ટાર ગ્રૃપ આયોજિત સુપ્રસિધ્ધ પરંપરાગત નાસિક ઢોલ,
* આંબાવાડી કલાવૃંદ-શ્રી રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર
જામખંભાળિયા (ડાયાભાઇ)નું સુપ્રસિધ્ધ ‘‘આંબાવાડી કલાવૃંદ'' ના વિીવધ રાસ, દિવડા રાસ અને દિવડા આરતી.
* ફલોટસ -શ્રી રાધેશ્યામ ગૌ શાળા- રાજકોટના સહયોગથી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓના વિવિધ ફલોટસ.
* ગડું-શરણાઇના સુમધુર સૂર રેલાવતુ, એવોર્ડ વિજેતા મંડળ
* દીવડા આરતી-મનોજભાઇ જોશી, હિંમતનગરથી પધારેલા મહારાજના નામે પ્રસિધ્ધ ૧૦૦૦ દિવડા શરીર ઉપર ધારણ કરી આરતી કરશે.
* ધુનમંડન-કીર્તન મંડળ- સૌરાષ્ટ્રના અલગ અલગ ગામથી પધારેલા ધૂન-કીર્તન મંડળો ધૂન-કીર્તનની રમઝટ બોલાવશે.
ભગવાન શિવનો મહિમા
ભગવાન શિવ સદાય કલ્યાણકારી, મંગલકારી દેવ છે, અજન્મા છે, અવિનાશી છે, પળમાં રિઝવાવાળા દેવ છે, ભગવાન શિવ નિર્વિકાર, નિરાકાર, સચ્ચિદાનંદ, પરબ્રહ્મ પરમાત્મા છે, ભગવાન શિવ જ્ઞાન સ્વરૂપ જ્ઞાનેશ્વર છે, ભગવાન શિવ પ્રણવ સ્વરૂપ છે, આથી જ પ્રણવ ૐ પરબ્રહ્મ છે. ૐકારનું ઉચ્ચારણ સંસાર સાગરમાંથી તારનાર છે, ભગવાન શિવના મસ્તક પરના ચંદ્ર બિંદુને કારણે તે ૅચંદ્રશેખર છે, શિવ પરમતત્વ છે, નિર્ગુણ-નિરાકાર છે, શિવ તત્વ પરબ્રહ્મ છે, ભક્તિપૂર્વક શિવજીના નામ માત્ર ઉચ્ચારથી દરેક પાપોમાંથી મુકિત મળે છે. ભગવાન શિવને ‘શંકર' કહે છે. ‘શ' એટલે આનંદ અને ‘કર' એટલે કરનાર. ભગવાન શંકર સદૈવ આનંદ દાતા છે.ભગવાન શિવ ‘‘મળત્યુંજય'' છે.(૯.ર૮)
રાજકોટમાં કક્કડ પરિવારની અનોખી શિવભકિત
ભકિત, સેવા, દાન અને માનવતાનો પર્યાય બની ચુકેલ એવા રંગીલા રાજકોટનો કક્કડ પરિવાર શ્રીકામનાથ મહાદેવના મંદિરના વહીવટની જવાબદારી વર્ષોથી સંભાળે છે, વર્ષો પહેલાં કક્કડ પરિવારના ભગવાન ભોળાનાથના અનન્ય ભકત એવા સ્વ. બેચરભાઈ મેઘજીભાઈના સુપુત્ર વિઠ્ઠલજીભાઈ વહીવટની જવાબદારી સંભાળતા, વહીવટ સાથે દરરોજ પ્રાતઃસમયે ઉનની ધાબળી પહેરી એક પગે ઉભા રહી સતત બે કલાક સુધી ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા. ત્યારબાદ ૧૧વર્ષ પહેલાં શ્રીશાંતિલાલ વિઠ્ઠલજી કક્કડ અને તેમના કૈલાસધામ સિધાવ્યા પછી કામનાથ મહાદેવમાં અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતા તેમના પુત્ર કુલદિપક આબાલ વળધ્ધ સૌના પ્રિય એવા પ્રિયવદનભાઈ શાંતિલાલ કક્કડ તેમજ કક્કડ પરિવારના પરિવારજનો આ જવાબદારી નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. આ મંદિરમાં છેલ્લા ૨૫ વર્ષથી શ્રી કામનાથ મહાદેવ પ્રેરિત શ્રી બ્રહ્માનંદ સંસ્કળત વેદ પાઠશાળાનું સંચાલનમાં ગુરૂજી હર્ષદભાઈ શાષાીજીની સેવાનિશ્રામાં બ્રહ્મદેવોને વિનામૂલ્યે સંસ્કળત કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે. શ્રીભોલાભાઈ આ મંદિરમાં હવન-પૂજા વિધિ વગેરે કરાવે છે. મંદિરના વાડામાં પૂજારી માટે રૂમ, રસોડું, લાઈટની સુવિધા તેમજ પરિસરમાં વિના મૂલ્યે યોગ, આયુર્વેદ અને હોમિયોપેથી, દરિદ્ર નારાયણની સેવા જેવી સેવાકિય પ્રવળતિઓ કરવામાં આવે છે.
(4:08 PM IST)










