<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

અત્‍યાર સુધી કુલ ૩૦ કર્મચારીઓ કાર્યરત હતાઃ નાયકની તથા સ્‍ટેનો ટુ મેયરની જગ્‍યા રદ થતાં ૨૮નો સ્‍ટાફ રહેશે

મનપાની સેક્રેટરી બ્રાન્‍ચમાં નવા ભરતી નિયમો- સેટઅપ અમલી થશેઃ અઢી દાયકે બદલાવ મેયર તથા સ્‍ટે.ચેરમેનના પીએ હવેથી પીએસ તરીકે ઓળખાશે

રાજકોટ તા.૧૨: મનપામાં લગભગ અઢી દાયકા બાદ સેક્રેટરી વિભાગમાં સ્‍ટાફનું સેટઅપ અને ભરતી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધી સેક્રટેરી વિભાગમાં ૩૦ના સ્‍ટાફને બદલ હવે ૨૮ લોકો ફરજ બજાવશે. ઉપરાંત મેયર તથા સ્‍ટે.ચેરમેનના પીએ હવેથી પીએસ તરીકે ઓળખાશે.

મહાનગરપાલિકાનો વિસ્‍તાર ભૂતકાળમાં સિમિત હતો બાદમાં વર્ષ ૧૯૯૮માં રૈયા, નાના મવા અને મવડી ત્‍યારબાદ વર્ષ ૨૦૧૫માં કોઠારીયા અને વાવડી તેમજ વર્ષ ૨૦૨૦માં મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર(મનહરપુર-૧ સહિત) ગ્રામ પંચાયતનો વિસ્‍તાર રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં સમાવેશ થયેલ છે હાલ રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજીત ક્ષેત્રફળ ૧૬૧.૮૬ ચો.કિ.મી. છે, જેથી નવા વિસ્‍તારોમાં તમામ પ્રાથમિક સુવિદ્યાઓ પૂરી પાડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થાય અને મહાનગર પાલિકાની કામગીરીમાં પણ ઉતરોત્તર વધારો થયેલ છે તેમજ ચૂંટાયેલા સભ્‍યઓની સંખ્‍યામાં પણ વધારો થયેલ છે.

સેક્રેટરી વિભાગ દ્વારા શહેરના વિકાસના કામો માટે નીતિવિષયક નિર્ણયો અર્થે સક્ષમ ઓથોરીટી દ્વારા રજુ થતી દરખાસ્‍તો પરત્‍વે જરૂરી ઠરાવો તૈયાર કરી સામાન્‍ય સભા, સ્‍થાયી સમિતિ તથા ખાસ સમિતિઓમાં નિર્ણય કરાવવી અને સામાન્‍ય સભા, સ્‍થાયી સમિતિ તથા ખાસ સમિતિઓની મીટીંગ બોલાવવી, એજન્‍ડા પ્રસિદ્ધ કરવા, પ્રોસિડિંગ્‍ઝ લખવા તેમજ કરવામાં આવેલ નિર્ણયોના અનુસંધાને અસલ ઠરાવો કાયમી રેકર્ડ તરીકે નિભાવવા અને ઠરાવોની ખરી નકલ તૈયાર કરી સંબધિતોને મોકલવી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂચવવામાં આવતા કાર્યોની અમલવારી માટે કાર્યવાહી કરવી વિગેરે જેવી કામગીરી કરવામાં આવે છે.

હવે જયારે મનપાની સેક્રેટરી બ્રાન્‍ચમાં ભરતી થશે તે નવી શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે કરવામાં આવશે. હાલ કરેલા ફેરફારમાં નાયકની બે જગ્‍યા હતી તેમાંથી એક રદ કરવામાં આવી છે. જયારે સ્‍ટેનો ટુ મેયરની એક માત્ર જગ્‍યા હવે રદ કરી નખાઇ છે.

(4:33 PM IST)