<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રૂપિયા માટે બે શખ્‍સ હેરાન કરતાં હતાં એટલે રૂખડીયાપરાના રમેશભાઇએ જીવ દીધો હતો

ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં દાદુકીયા પરિવારમાં ગમગીનીઃ ‘રામદેવને ગાડી પાછી આપી દીધી છતાં પૈસા,માંગી હેરાન કરે છે, તેની સાથેનો અજય ઉર્ફ લાલીયો પણ પરેશાન કરે છે'...વિડીયોને આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૩: રૂખડીયાપરામાં ફાટક પાસે ભાડના મકાનમાં રહેતાં રમેશભાઇ રઘુભાઇ દાદુકીયા (ઉ.વ.૪૨) નામના યુવાને તા. ૧૧/૮ના સાંજે ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે કારણ બહાર આવ્‍યું નહોતું. દરમિયાન પોલીસે તેમનો મોબાઇલ ચેક કરતાં તેમાં બે શખ્‍સો રૂપિયા માટે હેરાન કરતાં હોવાનો ઉલ્લેખ હોઇ તેના આધારે પોલીસે આપઘાત કરનારના પત્‍નિની ફરિયાદ પરથી રામદેવ ફાંગલીયા અને અજય ઉર્ફ લાલીયો રઘુભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. 

 પ્ર.નગર પોલીસે રમેશભાઇનો મોબાઇલ ચેક કરતાં તેમાં એક વીડિયો હતો, જેમાં તેણે પગલું ભર્યા પહેલાં વીડિયો ઉતારી જણાવ્‍યું હતું કે તેને જે વાહન લીધું હતું તેના હપ્‍તાના રૂપિયા તેમજ વાહન પણ પાછું આપી દીધા બાદ વાહન માલિક સહીત બે શખ્‍સ તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોઇ જેથી કંટાળી જઇ આ પગલું ભરે છે.

રંજનબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મારા  પતિ રમેશભાઇ ડ્રાઇવિંગ કામ કરતા હતા. અગાઉ પાંચેક માસ પહેલાં મારા પતિએ જૂની ટ્રક રામદેવભાઇ ફાંગલિયા પાસેથી લીધી હતી અને તેમાં રૂ.૧૧ હજાર ટોકન આપ્‍યું હતું. બાદમાં રૂ.૮૦ હજાર આપવાના હતા જેમાં માસિક ૨૩ હજારનો હપ્‍તો હતો જેમાં બે માસ હપ્‍તા આપ્‍યા હતા અને ત્રીજા મહિને પૈસા નહીં થતા તેની ગાડી રામદેવભાઇને પરત આપી દીધી હતી અને બાકીના રૂપિયા માગતાં તેને રામદેવભાઇને પૈસા પછી આપી દઇશ કહ્યું હતું. બાદમાં રામદેવભાઇ અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હોઇ અને તેની સાથે અજય ઉર્ફે રઘુભાઇ ચૌહાણ પણ રૂપિયાની લેતી-દેતીમાં સાથે હોઇ તે પણ ધમકાવતો હતો અને બંને શખ્‍સ ફોન કરી તેમજ ઘેર આવી ઉઘરાણી કરતાં હોઇ આ વાત મારા પતિએ મને કરી હતી. એ પછી તે સતત ટેન્‍શનમાં રહેતાં હતાં.

બાદમાં ૧૧મીએ હું અમારી બાજુમાં રહેતાં મારા દિયર રોહિતભાઇ પાસે થોડા ઘણા રૂપિયા હોય તો તેની પાસેથી લઇ આવુ તેમ વ્‍ચિારી તેના ઘરે ગઇ હતી. પણ દિયર ઘરે નહોતાં. એ પછી તે સાંજે રિક્ષા લઇને આવતાં ઘરે ગઇ હતી. તેની બાજુમા રહેતા તેના ભાઇ રોહિતના ઘેર પૈસા હોય તો વાત કરું કહી ત્‍યાં ગયા હતા. ત્‍યાં તેના ભાઇ હતા નહીં પરંતુ બહારથી ઘેર રિક્ષા લઇને આવતા તેણે દેકારો કરતા હું જોવા જતાં પતિ લટકતા મળ્‍યા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી. પણ તેના ડોક્‍ટરે મારા પતિને મૃત જાહેર કર્યા હતાં.

મારા દિયર રોહિતભાઇએ મારા પતિનો ફોન જોતાં તેમાં વિડીયો હતો. જેમાં તે કહેતાં હતાં કે- આ રામદેવ ફાંગલીયા પાસેથી જે ગાડી લીધી હતી તેના બે હપ્‍તાના રૂપિયા આપી દીધા છે, આ ગાડી પણ તેને પાછી આપી દીધી છે. છતાં તે ફોન કરી ધમકાવી વધુ રૂપિયા માંગે છે, અજય ઉર્ફ લાલીયો પણ હેરાન પરેશાન કરે છે જેથી હું આત્‍મહત્‍યા કરુ છું, આ બનેને લીધે જ હું આવુ પગલુ ભરુ છું...તેમ વિડીયોમાં તે બોલતાં હતાં. પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:07 AM IST)