News of Tuesday, 13th August 2024
સાતમ-આઠમ આવીઃ સહેલાણીઓ ફરવા નિકળી પડશે
દેશ-વિદેશના ડેસ્ટીનેશન્સને માણવા લોકો આતુર : ફોરેન ડેસ્ટીનેશન્સમાં દુબઇ, બાલી (ઇન્ડોનેશીયા) અને વિયેટનામ ‘હોટકેક' બની રહ્યા છેઃ બાકુ-અલ્માટી નવી જગ્યાઓ : સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, ફુકેટ, ક્રાબી,બેંગકોક, પટ્ટાયા પણ વિથ ફેમિલી પસંદગી પામી રહ્યા છેઃ યુરોપ ફલાય કરવા પણ સહેલાણીઓનો ક્રેઝ : રાજકોટની બાજુમાં આવેલ પ્રભુ ફાર્મ એન્ડ રીસોર્ટ ખાતે પણ જન્માષ્ટમીની રજાઓ માણી શકાય છે : ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજ ઉપલબ્ધઃ ગત વર્ષના પ્રમાણમાં હજુ ઓછા બુકીંગઃ બ્લોક બુકીંગ કરાવનાર એજન્ટસ પાસે હજુ પણ ઘણી ટીકીટો પડી હોવાના સમાચારઃ આકર્ષક ભાવની ઓફર : સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, ફુકેટ, ક્રાબી,બેંગકોક, પટ્ટાયા પણ વિથ ફેમિલી પસંદગી પામી રહ્યા છેઃ યુરોપ ફલાય કરવા પણ સહેલાણીઓનો ક્રેઝ : ધડાધડ ઓનલાઇન બુકીંગ સાથે લોકો ડીસ્કાઉન્ટની ઓફરનો પણ લાભ લઇ રહ્યા છેઃ ડાયરેકટ ઓનલાઇન બુકીંગ સંદર્ભે ફ્રોડથી સાવધાની જરૂરી : ગોવા, મહાબળેશ્વર, કુંબલગઢ, ઉદયપુર, આબુ, નાથદ્વારા, જોધપુર, જેસલમેર, લોનાવાલા, ઇમેજીકા, બેંગ્લોર, મૈસુર, ઉંટી, કુર્ગ, કોચીન, મુન્નાર, ઠેકડી, કોવાલમ, સિમલા, મનાલી, લહે-લદાખ, ડેલહાઉસી, કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, દિવ, જૂનાગઢ,સાસણ, વીરપુર, ખોડલધામ, પંચમઢી, મઢઇ, કાન્હા, ભેડાઘાટ, લવાસા સહિતના સ્થળોએ જવા માટે ફરવાના શોખીનો ઉતાવળા

રાજકોટ,તા. ૧૨: જ્ઞાન, માહિતી અને ટેકનોલોજી સાથેના વૈશ્વિકરણ, ખાનગીકરણ તથા ઉદારીકરણના આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં વિવિધ તહેવારો નિમિતે રજાઓ ગાળવાની સિસ્ટમમાં લોકોમાં આમૂલ પરિવર્તન આવી ગયાનું જોવા મળે છે. નાની-મોટી રજાઓ તથા તહેવાો દરમ્યાન લોકો હવે પોતાના કુટુંબીજનો કે ગ્રુપ-સર્કલ સાથે યથાયોગ્ય રીતે ફરવા ઉપડી જતા હોય છે. દેશ-વિદેશના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ફરવા જવા માટે સહેલાણીઓ સતત આતુર હોય છે. લોકોને પણ પોતાના બજેટ અને ફ્રી ટાઇમ-રજાઓના દિવસો મુજબ મનગમતા આકર્ષક પેકેજ મળી રહ્યા છે. સાથે-સાથે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીનું કદ પણ સતત વધતુ જાય છે.
સૌરાષ્ટ્રવાસીઓ જે તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા જન્માષ્ટમી (સાતમ-આઠમ)ના તહેવારોને પંદર દિવસ બાકી રહ્યા છે. સાતમ-આઠમની રજાઓ દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ સ્થળોએથી દેશ-વિદેશના અલગ-અલગ ડેસ્ટીનેશન્સ ઉપર સહેલાણીઓ ફરવા નિકળી પડશે. ટીકીટ-હોટલ બુકીંગ-સાઇટસીન્સ સહિતના પેકેજ સંદર્ભે અત્યારથી જ લોકો દોડાદોડી કરી રહ્યા છે.
સાતમ-આઠમ દરમ્યાન ફરવા જવા માટે લોકો ગોવા, માથેરાન , મહાબળેશ્વર, કુંબલગઢ, ઉદયપુર, આબુ, નાથદ્વારા, જોધપુર, જેસલમેર,લોનાવાલા, ઇમેજીકા, બેંગલોર (બેંગલુરૂ), મૈસુર, ઉંટી, કુર્ગ, કોચીન, મુન્નાર, ઠેકડી, કોવાલમ, સિમલા, મનાલી, લેહ-લદાખ, ડેલહાઉસી, કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, દિવ, જૂનાગઢ, સાસણ, વીરપુર, ખોડલધામ, પંચમઢી, મઢઇ, કાન્હા, ભેડાઘાટ, લવાસા સહિતના સ્થળો માટે તૈયારી કરી રહ્યાનું રાજકોટના અગ્રીણ ટ્રાવેલ એજન્ટસ વ્યાસ ટુર્સના શ્રી જીતુભાઇ વ્યાસ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫) ફેવરીટ ટુર્સના શ્રી દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) આરોહી ટુર્સના ઇગતપુરી, ગણપતિપુલે, લોનાવાલ, ઇમેજીકાનો પાંચ રાતરી છ દિવસનો એકસ મુંબઇ કસ્ટમાઇઝડ પેકેજ હોટલની કેટેગરી મુજબ પ્રતિ વ્યકિત ૧૨ હજારથી લઇને ૨૨ હજાર રૂપિયા સુધીમાં બુક કરાવી શકાય છે. મહારાષ્ટ્રમાં આવેલ લવાસા ખાતેના પેકેજ પણ હોટલની સ્ટાર કેટેગરી તથા ફેસેલિટીઝ મુજબ પાંચ હજારથી લઇને ૨૫ હજાર રૂપિયા સુધી (કપલદીઠ એક રાત્રી બે દિવસ) બુક થઇ રહ્યા છે.
રાજસ્થાનમાં આવેલ કુંબલગઢ, ઉદયપુર સહિતના સ્થળોના ૩ રાત્રી ૪ દિવસના થ્રી સ્ટાર હોટલ કે તેથી વધુ કેટેગરીની હોટલના પેકેજ પ્રતિ વ્યકિત ૮ હજારથી લઇને ૨૫ હજાર રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. રાજસ્થાનમાં જોધપુર, જેસલમેર, આબુ, નાથદ્વારા, જવા માટે પણ લોકો તલપાપડ બન્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતથી રાજસ્થાન નજીક પડતુ હોવાથી લોકો પોતાની પર્સનલ કાર કે પ્રાઇવેટ વ્હીકલ કરીને જવાનું વધુ પસંદ કરતા હોય છે.
રાજસ્થાનમાં આવેલ જવાઇ એક હીલ સ્ટેશન છે જેમાં પ્રતિ વ્યકિત એક રાત્રીના ૮ હજારથી ૨૦ હજાર રૂપિયા સુધીના પેકેજ સંભળાઇ રહ્યા છે. ઉદરપુરથી રાણકપુર પણ જઇ શકાય છે. જ્યાં સફારી પાર્કનો આનંદ લઇ શકાય છે. અહીં ચિતા પણ જોવા મળે છે.
રાજસ્થાનમાં જ ચિતોડગઢ પાસે લેડ (તળાવ) વચ્ચે નહારગઢ રીસોર્ટ આવેલ છે. જ્યાં ઘણા હિન્દી પિકચર્સના શુટીંગ પણ થાય છે. અહીં કપલદીઠ ૨ રાત્રી ૩ દિવસના ૨૦ હજાર રૂપિયા આસપાસના પેકેજ ટ્રાવેલ એજન્ટસ દ્વારા સેલ થઇ રહ્યા છે.
સાતમ-આઠમમાં દર વર્ષે અબોવઓલ-એવરગ્રીન ગણાતુ ગોવા આ વર્ષે પણ ચપોચપ બુક થઇ રહ્યું છે. અહીં ૩ રાત્રી ૪ દિવસના એકસ ગોવા પેકેજ પ્રતિવ્યકિત ૧૦ હજારથી ૨૦ હજાર રૂપિયા સુધી કન્ફર્મ થઇ રહ્યા છે. જેમાં બ્રેકફાસ્ટ, ડીનર, સાઇટસીન્સ વિગેરેનો સમાવેશ થાય છે. જન્માષ્ટમી દરમ્યાન રાજકોટ-અમદાવાદથી ટ્રેઇન ફુલ થયેલી જોવા મળે છે. તથા ગોવાની આવક-જાવક એર ટીકીટ ૧૬ હજાર રૂપિયાથી વધુમાં મળી રહી છે.
જન્માષ્ટમી દરમ્યાન સાઉથ ઇન્ડિયામાં આવેલ બેંગ્લોર, મૈસુર, ઉંટી અને કુર્ગના ૭ રાત્રી ૮ દવસના બાય એર એકસ અમદાવાદ પેકેજ પણ હોટલની કેટેગરી મુજબ પ્રતિ વ્યકિત ૪૦ હજાર રૂપિયાથી ૬૦ હજાર રૂપિયા સુધી પ્રિફર થઇ રહ્યા છે.
આ ઉપરાંત સાઉથ ઇન્ડિયામાં કેરાલાના કોચીન, મુન્નાર, ઠેકડી, કોવાલમ, એલાપીના ૭ રાત્રી ૮ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૪૫ હજારથી ૫૫ હજાર રૂપિયા સુધી પસંદ થઇ રહ્યા છે. કેરાલા ખાતેના આ તમામ સ્થળો સાઉથ કેરાલાના છે. નોર્થ કેરાલાના વાયનાડમાં તાજેતરમાં કુદરતી આફત આવતા લોકો અહીં જવાનું મુલત્વી રાખી રહ્યા છે. જોકે વાયનાડમાં પણ લશ્કર-આર્મીની મદદથી યુધ્ધના ધોરણે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યુ છે. નોર્થ કેરાલા તથા સાઉન કેરાલા વચ્ચે પણ ૨૫૦ કિલોમીટરથી વધુનું અંતર હોવાનું જાણવા મળે છે.
હિમાચલ પ્રદેશમાં સિમલા, મનાલી, ડેલહાઉસી અને કસોલના ૭ રાત્રી ૮ દિવસના થ્રી સ્ટાર/ ફોર સ્ટાર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજારથી લઇને ૫૦ હજાર રૂપિયા સુધી ટ્રાવેલ બજારમાં મળી રહ્યા છે. લોકો દ્વારા પણ પસંદ થઇ રહ્યા છે.
આ ઉપરાંત હિમાચલના સ્પીટીવેલીની સાથે ચંડીગઢ, અમૃતસર સહિતના સ્થળોના ૭ દિવસના પેકેજ પણ સહેલાણીઓને આકર્ષી રહ્યા છે.
સાથે-સાથે હિમાચલ પ્રદેશની ઉપરની બાજુએ આવેલ લેહ-લદાખના છ રાત્રી સાત દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૪૫ હજારથી ૫૦ હજાર રૂપિયા આસપાસ સેલ થઇ રહ્યા છે.
સાતમ-આઠમની રજાઓમાં સહેલાણીઓ મધ્યપ્રદેશમાં આવેલ પંચમઢી, મઢઇ, કાન્હા, ભેડાઘાટ પણ જઇ રહ્યા છે. અહીં હોટલની કેટેગરી પ્રમાણેના છ રાત્રી સાત દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૧૮ હજાર રૂપિયાથી લઇને ૨૫ હજાર રૂપિયા આસપાસ મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલ એમ.પી. ટુરીઝમની પ્રોપર્ટીમાં પણ એકોમોડેશન મેળવી શકાય છે.
ગુજરાતની વાત કરીએ તો છેલ્લા થોડા વર્ષોમાં લાખો-કરોડો પ્રવાસીઓએ જેની મુલાકાત લીધી છે. તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના બે રાત્રી ત્રણ દિવસના પેકેજ પ્રતિવ્યકિત આઠ હજારથી લઇને પંદર હજાર રૂપિયા સુધી મળી રહ્યા છે. અહીં ઓનલાઇન બુકીંગ પણ થઇ શકે છે.
આ ઉપરાંત કચ્છમાં માંડવી બીચ, ગાંધીધામ ખાતેના હોલી-ડે વિલેજ અને રેડીસન હોટલ-રીસોર્ટ ઉપરાંત કચ્છના ફરવાલાયક સ્થળોએ પણ સાતમ-આઠમમાં લોકો મુલાકાતે જશે.
સૌરાષ્ટ્રમાં લોકો દિવ, સોમનાથ, સાસણ, જૂનાગઢ, વીરપુર, પરબ, ખોડલધામ, દ્વારકા, પોરબંદર વિગેરે સ્થળોએ જન્માષ્ટમી દરમ્યાન ઉમટી પડશે. સાસણમાં હોટલ-રીસોર્ટ-ફાર્મ હાઉસની કેટેગરી-ફેસેલિટીઝ મુજબ પ્રતિ વ્યકિત એક હજારથી દસ હજાર રૂપિયા સુધી બુકિંગ મળી રહ્યા છે.સાસણમાં હરીપર રોડ ખાતે આવેલ સોરઠગઢ રીસોર્ટ પણ અલ્ટ્રા મોર્ડન ફેસેલિટી ધરાવે છે જે સહેલાણીઓને આકર્ષી રહ્યો છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની બાજુમાં અમદાવાદ હાઇવે ઉપર, બામણબોર પાસે, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલ પ્રભુ ફાર્મ એન્ડ રીસોર્ટ ખાતે પણ જન્માષ્ટમીની ઉજવણીને યાદગાર બનાવી શકાય છે. અહીં લકઝુરીયસ વિલામાં રહેવા સાથે રમણિય વાતાવરણ સ્વાદિષ્ટ ફુડ, સ્વીમીંગ પુલ, આઉટડોર, ઇનડોર ગેઇમ્સ, ફોરેસ્ટ વોક, મુવી-થીયેટર વિગેરેનો આનંદ માણી શકાય છે. અહીં એક રાત્રી એક દિવસના પ્રતિ વ્યકિત (ઓછામાં ઓછા ચાર વ્યકિત) ૨૯૯૦ રૂપિયા છે જેમાં બ્રેકફાસ્ટ, લંચ, હાઇ ટી તથા ડીનરનો સમાવેશ થઇ જાય છે. બુકીંગ માટે મો. નં. ૮૫૧૧૧ ૬૪૧૧૧ તથા મો. નં. ૭૪૮૬૦ ૦૦૭૦૩ ઉપર સંપર્ક કરી શકાય છે.
ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ
સાતમ-આઠમ દરમ્યાન ફોરેનના ડેસ્ટીનેશન્સ સંદર્ભે વાત કરીએ તો ફોરેન ફલાપ કરવાવાળા સહેલાણીઓ દુબઇ, બાલી (ઇન્ડોનેશીપ) અને વિયેટનામને પ્રથમ હરોળની પસંદગીમાં મૂકી રહ્યા છે. આ ત્રણેય ડેસ્ટીનેશન્સ ‘હોટકેક' બનીને બુક થઇ રહ્યા છે.
દુબઇના છ રાત્રી સાત દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજારથી લઇને એક લાખ દસ હજાર રૂપિયા સુધી હોટલની કેટેગરી-ફેસેલિટીઝ મુજબ વેચાઇ રહ્યા છે. આ પેકેજમાં દુબઇ ટૂર-સાઇટ સીન્સ-બ્રેક-ફાસ્ટ ડીનર ઉપરાંત યાશ આઇલેન્ડ (અબુધાબી)નો સમાવેશ થાય છે. તાજેતરમાં દુબઇમાં તાપમાન ઉંચુ હોવાનું જાણવા મળે છે. ઘણી વખત બ્લોક બુકીંગના કારણે ટ્રાવેલ એજન્ટ પાસેથી પણ ઓછા ભાવે એર ટીકીટ મળી જતી હોય છે.
ઇન્ડોનેશીયામાં આવેલ બાલી પણ આ વખતે જબ્બર બુક થઇ રહ્યું છે. અહીંના છ રાત્રી સાત દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજારથી લઇને એક લાખ રૂપિયા સુધી બજારમાં મળી રહ્યા છે.
જન્માષ્ટમી ઉપર વિયેટનામ જવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. અહીંના ૬ થી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ થી લઇને એક લાખ ચાલીસ હજાર રૂપિયા આસપાસ બુક થઇ રહ્યા છે.
આ ઉપરાંત વર્ષોથી લોકપ્રિય પેકેજ ગણાતા સિંગાપુર-મલેશીયા-ક્રુઝના નવરાત્રી દર દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ ચાલીસ હજારથી લઇને એક લાભ સાઇઠ હજાર રૂપિયા સુધી ટ્રાવેલ એજન્ટસ બુક કરી રહ્યા છે.
બાકુ (અઝરબાયજાન) તથા અલ્માટી (કઝાકીસ્તાન)ના પાંચ રાત્રી છ દિવસના એકસ અમદાવાદ પેકેજ એક લાખથી એક લાખ વીસ હજાર રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. બાકુ અને અલ્માટી નવા ડેસ્ટીનેશન્સ તરીકે પણ ઉભરી રહ્યા છે.
આ ઉપરાંત ફોરેનના નવા ડેસ્ટીનેશન્સ તરીકે જયોર્જીયા (તિબલીસી) તથા કીર્ર્ગીસ્તાન (બિસ્કેક) પણ ગણી શકાય. જયોર્જીયાના ૬ રાત્રી સાત દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ દસ હજારના એક લાખ વીસ હજાર રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. જ્યારે કીર્ગીસ્તાનના છ રાત્રી સાત દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર રૂપિયા આસપાસ વેચાઇ રહ્યાનું જાણવા મળે છે.
થાઇલેન્ડના ફુકેટ, ડ્રાબી અને બેંગકોકના સાત રાત્રી આઠ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૫ હજાર રૂપિયા આસપાસ મળે છે. ઉપરાંત બેંગકોક-પટ્ટાયાના છ રાત્રી સાત દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૪૦ હજારથી ૫૦ હજાર રૂપિયા આસપાસ મળી શકે છે. થાઇલેન્ડના પેકેજ માટે ફેમિલી ટ્રાફીક પણ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમી દરમ્યાન અમુક કિસ્સામાં યુરોપમાં પેકેજ પણ બુક થઇ રહ્યા છે. જેમાં નવ દિવસના સ્વીટ્ઝરલેન્ડ અને પેરીસ સાથેના પેકેજ પ્રતિ વ્યકિત અઢી લાખ રૂપિયા આસપાસ સાંભળવા મળે છે.
જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જન્માષ્ટમી સંદર્ભેનું ટ્રાવેલ માર્કેટ અંદાજે ચાલીસ ટકા જેટલુ ટાઉન હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. એડવાન્સમાં બ્લોક બુકીંગ કરાવીની ટીકીટ બુક કરાવનાર અમુક ટ્રાવેલ એજન્ટસ પાસે હજુ પણ સાતમ-આઠમના દિવસોની ટીકીટો પડી હોવાનું જાણવા મળે છે. જેઓ આકર્ષક-ડીસ્કાઉન્ટ ભાવથી ટીકીટો વેચી રહ્યાનું પણ સંભળાઇ રહ્યું છે. કોરોના પછીના રીવેન્જમાં બે-ત્રણ વર્ષ દરમ્યાન લોકો એ ખૂબ ફરી લીધુ છે. જેને કારણે પણ આ વર્ષે મંદી હોય શકે. કોઇ પણ જગ્યાએ ટૂર પેકેજ બુક કરાવતા પહેલા ટુર વિશેની સંપૂર્ણ માહિતી-પેકેજ, હોટલની અને જમવાની વ્યવસ્થા, સાઇટસીન્સ, ટ્રાન્સપોર્ટેશન, આવવા-જવાની ટીકીટ, રકમ, વિઝા વિગેરે સંદર્ભે તમામ બાબતો જાણી લેવી હિતાવહ છે કે જેથી ટૂર દરમ્યાન અગવડતા ન પડે અને ટૂર નો સાચો આનંદ માણી શકાય. અહીં આપેલા ટુર પેકેજના ભાવમાં સંજોગોવસાત ફેસેલિટીઝને અનુરૂપ ફેરફાર શકય છે.
માહિતી અને ટેકનોલોજીના વિકાસની સાથે-સાથે વિવિધ ઓનલાઇન પોર્ટલ કે ગુગલના સહયોગથી ટુર પેકેજ-હોટલનું ઓનલાઇન બુકીંગ પણ લોકો દ્વારા ધડાધડ થઇ રહ્યુ છે. સાથે સાથે અમુક કિસ્સામાં આકર્ષક ડીસ્કાઉન્ટનો પણ લાભ મળતો હોય છે. કોઇક કિસ્સામાં ડાયરેકટ ઓનલાઇન બુકીંગ સંદર્ભે ફ્રોડ થતો હોવાનું જોવા મળે છે તો તેનાથી સાવધ રહેવું જરૂરી છે. તાજેતરમાં જ ફ્રોડનો આવો એક કિસ્સો અમદાવાદ ખાતે બન્યો હોવાનું જાણવા મળે છે.
તો મિત્રો, પંદર દિવસ પછી જન્માષ્ટમી (સાતમ-આઠમ)નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ખમીરવંતો સૌરાષ્ટ્રવાસીઓ-ગુજરાતીઓ જન્માષ્ટમીના તહેવારોની રજાઓને માણવા માટે દેશ-વિદેશમાં વિવિધ જગ્યાએ પહોંચી જશે. સમયે-સમયે ફરવાની મજા માણતા અને અથાગ મહેનતમાં શ્રધ્ધા ધરાવતા સૌરાષ્ટ્રવાસીઓ-ગુજરાતીઓની આ જ સાચી ઓળખ છે. સૌને અકિલા પરિવાર તરફથી એડવાન્સમાં જન્માષ્ટમીની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.
(12:04 PM IST)










