તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 13th August 2024
લાંચમાં ઝડપાયેલા મનપાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ અગાઉ કેટલી એનઓસી આપી તેની તપાસઃ રિમાન્ડની તજવીજ
ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષનો ભોગ લેવાતાં મનપાના ત્રણ ખાઉધરા અધિકારીઓ જેલમાં છે છતાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ચાલુ કરી દીધા બેબાકપણે ઉઘરાણા!: જામનગર એસીબીનો રાજકોટમાં સતત બીજો સપાટો ફાયર એનઓસીના ૩ લાખ માંગી ૧.૨૦ કટકટાવી લીધા, બીજા ૧.૮૦ સ્વીકારતાં જ એસીબીની ટીમે રંગેહાથ પકડી કાર્યવાહી કરી એનઓસી માટે કોઇએ ભલામણ કરી હતી કે કેમ? તેની પણ તપાસ

રાજકોટ તા. ૧૩: શહેરમાં ગત પચ્ચીસમી મેના રોજ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકો જીવતા ભુંજાઇ ગયા હતાં. આ પછી પોલીસે કરેલી કાર્યવાહીમાં મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઉઘાડા પડયા હતાં. ટીપીઓ, ફાયર બ્રિગેડના ઓફિસરો સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ પણ ગુનાઓ દાખલ કરી જેલભેગા કરાયા હતાં. આ પછી ખાલી પડેલી ફાયર ઓફિસરની જગ્યાએ ભુજથી આવેલા અનિલ બેચરભાઇ મારૂની ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણુંક થઇ હતી. પોતાની અગાઉના ફાયર ઓફિસર સહિતના મનપાના અધિકારીઓ જેલમાં હોવાનું જાણતો હોવા છતાં અનિલ મારૂ બિન્દાસ્ત બની ફાયર સેફટી અંગેના એનઓસી માટે લાંચ લેતો થઇ ગયો હતો. એક વ્યક્તિ પાસે તેણે ૩ લાખની લાંચ માંગી ૧,૨૦,૦૦૦ મેળવી લીધા હતાં. બાકીના ૧,૮૦,૦૦૦ તેની જ ઓફિસમાં સ્વીકારતાં તેને જામનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી લેતાં સમગ્ર મનપા કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો.
જામનગર એસીબીએ જાહેર કરેલી વિગતો અનુસાર ફરિયાદી ફાયર સેફટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારૂએ તેની પાસે એનઓસી આપવાના બદલામાં ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીએ પોતાના આ કામ માટે શરૂઆતમાં ૧.૨૦ લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના ૧.૮૦ લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું.
ત્યારબાદ ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોઇ તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આને આધારે જામનગર એસીબીએ રાજકોટ મનપા કચેરી ખાતે છટકુ ગોઠવી લાંચિયા અધિકારી અનિલ મારૂને પકડવા જાળ બીછાવી હતી. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૧.૮૦ લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલ મારૂએ ફરિયાદી પાસેથી લાંચના ૧.૮૦ લાખ નાણાં સ્વીકારતા જ જામનગર એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા સતત પોલીસ તપાસોને કારણે ચર્ચાના ચકડોળે ચડેલુ છે. અગાઉ ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારૂની નિમણૂક કરી હતી. તાજેતરમાં મ્યુ. કમિશનર દેવાંગ દેસાઇએ રાજ્ય સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવા અને સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છના અનિલ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો હતો. અનિલ મારૂ સૌરાષ્ટ્ર-કચ્છના રીજનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં પણ ફરજ બજાવી ચૂકયા છે. હવે રાજકોટમાં તેની લાંચના ગુનામાં ધરપકડ થતાં ચકચાર મચી ગઇ છે.
વેપારી રૂ.૧.૮૦ લાખની રોકડ ભરેલી થેલી સાથે અનિલ મારૂની ઓફિસે ગયા ત્યારે મારૂએ રોકડ ભરેલી થેલી હાથમાં લીધી નહોતી. મારૂએ ટેબલ પર રોકડ ભરેલી થેલી રાખી દેવાનું કહ્યું હતું. વેપારીએ તે મુજબ રૂ.૧.૮૦ લાખની રોકડ ભરેલી થેલી રાખી હતી. અનિલ મારૂએ બચવા માટે ખેલ પાડ્યો હતો પરંતુ એસીબીની ટીમ સામે તે ફાવ્યો નહોતો. અગાઉ અનિલ મારૂના સરપંચ ભાભી અને મોટો ભાઇ પણ ચાર લાખની લાંચમાં ભુજમાંપકડાયા હતાં.
આ છટકુ સફળ બનાવવા એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે રાજકોટ એસીબીના સ્ટાફને મનપાનો સ્ટાફ ઓળખી જશે તેવી શંકા લાગતા ગોહિલે આ કામ માટે જામનગરના સ્ટાફને મેદાને ઉતાર્યો હતો. સોમવારે જામનગર એસીબીના પાંચેક અધિકારી-કર્મચારી અલગ અલગ ગેટથી અરજદારના સ્વાંગમાં મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશ્યા હતા. પાંચેય વ્યક્તિનો સ્ટાફ મારૂની ઓફિસની આસપાસ ગોઠવાયો હતો અને વેપારી તરફથી સિગ્નલ મળતાં જ ટીમ ઓફિસમાં ઘુસી ગઇ હતી અને લાંચિયા અનિલ મારૂને ઝડપી લીધો હતો.
અનિલ મારૂએ વેપારી પાસેથી લાંચ માગ્યા બાદ વેપારી સોમવારે રૂ.૧.૮૦ લાખની રોકડ ભરેલી થેલી સાથે અનિલ મારૂની ઓફિસે ગયા ત્યારે મારૂએ રોકડ ભરેલી થેલી હાથમાં લીધી નહોતી. મારૂએ ટેબલ પર રોકડ ભરેલી થેલી રાખી દેવાનું કહ્યું હતું. વેપારીએ તે મુજબ રૂ.૧.૮૦ લાખની રોકડ ભરેલી થેલી રાખી હતી. અનિલ મારૂએ બચવા માટે ખેલ પાડ્યો હતો પરંતુ એસીબીની ટીમ સામે તે ફાવ્યો નહોતો. અગાઉ અનિલ મારૂના સરપંચ ભાભી અને મોટો ભાઇ પણ ચાર લાખની લાંચમાં ભુજમાંપકડાયા હતાં. અગાઉ અનિલના ભાઇ અને ભાભી પણ ભુજમાં ચાર લાખની લાંચમાં પકડાયા હતાં.
એસીબીના ઇન્ચાર્જ મદદનીશ કે. એચ. ગોહિલની રાહબરીમાં જામનગર એસીબી પી.આઇ. આર એન. વિરાણી અને ટીમે આ કામગીરી કરી હતી. થોડા દિવસ પહેલા રાજકોટ યુનિવર્સિટી પોલીસના કોન્સ્ટેબલ અને કહેવાતા વકિલને પણ લાંચના કેસમાં જામનગરની આ ટીમે જ સફળતા મેળવી હતી. એસીબીની ટીમે અનિલ મારૂના વતન ભુજ પાસેના કુકમા ગામે પણ સર્ચ કર્યુ હતું. જો કે કંઇ વાંધાજનક મળ્યું નહોતું. રાજકોટના કેસમાં અનિલ મારૂએ અત્યાર સુધીમાં કેટલી એનઓસી આપી? તેની તપાસ પણ કરવામાં આવશે. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(2:46 PM IST)










