<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મોતીબેન ચીરોડીયાની લાખોની જમીનમાં માખાવડના મા-દિકરાઓએ ઘુસણખોરી કરી મકાન ચણી ભાડે આપી દીધું!

ગોંડલ રોડ આંબેડકરનગરના મહિલાની ફરિયાદ પરથી મુળ માખાવડના નંદુબેન સોમૈયા અને તેના બે દિકરા કિશન તથા રવિ વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસે લેન્‍ડ ગ્રેબીંગનો ગુનો નોંધ્‍યોઃ ત્રણેય એટ્રોસીટી કરવાની ધમકી આપતાં હોઇ ગભરાઇને જમીન માલિકે ફરિયાદ કરી નહોતી

રાજકોટ તા. ૧૩: શહેરના આંબેડકરનગરમાં રહેતાં મહિલાએ વર્ષ ૨૦૧૪માં આંબેડકરનગરમાં જ ખરીદેલી જમીનમાં ત્‍યાં પડોશમાં રહેતાં મુળ લોધીકાના માખાવડના મહિલા અને તેના બે દિકરાએ ઘુસણખોરી કરી તેમાં મકાનનું બાંધકામ કરી આ મકાન ભાડે આપી દેતાં અને ત્રણેય માખાવડ જતાં રહેતાં માલવીયાનગર પોલીસે લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૪માં રહેતાં મોતીબેન માંડાભાઇ ચીરોડીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી લોધીકાના માખાવડના નંદુબેન દાનાભાઇ સોમૈયા, કિશન દાનાભાઇ સોમૈયા અને રવિ દાનાભાઇ સોમૈયા વિરૂધ્‍ધ જમીન પચાવી પાડવાની કલમો હેઠળ ગુનો નોંધી આરપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. મોતીબેન ચીરોડીયાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારા પતિ નિવૃત જીવન જીવે છે. મારે સંતાનમાં પાંચ દિકરા-દિકરી છે. વર્ષ ૨૦૧૪ની સાલમાં અમે મવડી ગામ રવેન્‍યુ સર્વે નં. ૯૯ અને ૧૦૦ પૈકીની બીનખેડવાણ તથા ઇમારત બાંધવાની મંજુરીવાળી જમીનના પ્‍લોટ પૈકી પ્‍લોટ નં. ૪૬ની જમીન ચો.મી. ૫૦૧-૬૭ (ચો.વા.આ.૬૦૦) પૈકીની વચગાળાની ચો.મી.આર. ૨૦૦ વાળી જમીન કિશોર ભીમજીભાઇ કોરાટ (રહે. વાણીયાવાડી મેઇન રોડ રાજકોટ), અરવિંદભાઇ બચુભાઇ ચોહાણ (કોઠારીયા રોડ) અને જયંતિભાઇ મેઘજીભાઇ લીલા (રહે. પાટીદળ ગોંડલ)ની સંયુક્‍ત માલિકીની હોઇ તે ખરીદ કરવી હોઇ જેથી ૨૦/૨/૧૪ના રોજ વેંચાણ દસ્‍તાવેજ કરાવી રૂા. ૯,૨૦,૦૦૦માં રજીસ્‍ટર વેંચાણ દસ્‍તાવેજથી ખરીદ કરી હતી.

આ જમીન અમે જ્‍યારે ખરીદી ત્‍યારે ત્‍યાં કોઇપણ ફેન્‍સીંગ નહોતી, ખુલ્લો પ્‍લોટ હતો. અમે ક્‍યારેક ક્‍યારેક ત્‍યાં આવ જા કરતાં હતાં. ઓગષ્‍ટ-૨૦૧૪માં હું અને મારા પતિ અમારા પ્‍લોટ ખાતે ગયા ત્‍યારે ખબર પડી હતી કે અમારા પ્‍લોટની બાજુમાં રહેતાં નંદુભાઇ દાનાભાઇ સોમૈયા અને તેના બે દિકરા કિશન તથા રવિએ અમારી આ જમીનમાં પથ્‍થરો નાખ્‍યા છે. જેથી અમે તેની પાસે ગયેલા અને આ પ્‍લોટ અમારી માલિકીનો છે તમે પથ્‍થરો કેમ નાખ્‍યા છે, તે હટાવી લો તેમ કહેતાં આ લોકોએ પ્‍લોટ અમારી માલિકીનો છે અને હવે પછી અહિ આવતાં નહિ, નહિતર સારાવટ નહિ રશે. તેમ કહી ધમકી આપતાં અમે અમારા ઘરે જતાં રહ્યા હતાં. ત્‍યારબાદ આ લોકોએ અમારા પ્‍લોટની અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ કર્યુ હતું. ૨૭/૫/૨૨ના રોજ મકાનનું બાંધકામ ચાલુ થતાં અમે ફરીથી તેને કહેવા જતાં અને બાંધકામ નહિ કરવાનું સમજાવતાં કિશન અને રવિએ આ પલોટ અમારો જ છે, તમારાથી થાય તે કરી લેજો કહી ફરીથી ધમકી દઇ હવે અહિ આવશો તો એટ્રોસીટીની ફરિયાદ કરશું તેમ કહેતાં અમે જતાં રહ્યા હતાં.

અમે આસપાસમાં તપાસ કરતાં ખબર પડી હતી કે આ લોકો ઝઘડો કરવાની ટેવ ધરાવે છે અને એટ્રોસીટીની ફરિયાદો કરવાની પણ ટેવ છે. જેથી અમે ગભરાઇ જતાં ત્‍યારે કોઇ ફરિયાદ કરી નહોતી. નંદુબેન અને તેના બંને દિકરાએ અમારી જમીનમાં ઘુસણખોરી કરી મકાન બાંધી લઇ ભાડે આપી દીધુ છે. હાલમાં નંદુબેન અને તેના બંને દિકરા તેના વતન માખાવડ જતાં રહ્યા છે. આ મકાનનું ભાડુ તે ઉઘરાવે છે. પીઆઇ જે. આર. દેસાઇએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:48 PM IST)