News of Tuesday, 13th August 2024
રાજકોટના લોકમેળાનું નામ ‘‘ધરોહર'' જાહેરઃ ૧ કરોડ ર૭ લાખમાં રાઇડના તમામ પ્લોટ લેનાર પૈસા નહીં ભરે ત્યાં સુધી એલોટમેન્ટ નહિં
મંડપનું ટેન્ડર કાલે ખૂલશેઃ ઇલેકટ્રિક ટેન્ડર સાંજે ફાઇનલ થશેઃ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ૧૬મીએ ફાઇનલ થશે...: આઇસ્ક્રીમના ૧૬ માંથી ૮ ચોકઠા વેચાઇ ગયાઃ ર૩મીએ R.O. મીટીંગ તથા લેન્ડ ગ્રેબીંગ બેઠકની શકયતા : લોકમેળાના ઉદ્દઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ આપતા કલેકટરઃ ર૪મીએ સવાર કે સાંજે તે હવે ફાઇનલ થશે

રાજકોટ તા. ૧૩: આગામી તા. ર૪ મી થી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કલેકટર તંત્ર દ્વારા ભવ્યાતિભવ્ય લોકમેળો યોજાનાર છે, તા. ર૪થી તા. ર૮ સુધી યોજાનાર લોકમેળામાં પાંચ દિવસમાં ૧૦ થી ૧ર લાખ લોકો ઉમટી પડશે.
આ મેળાનું આકર્ષક નામ દર વખતે આમ જનતા પાસેથી મંગાવાય છે, આ વખતે પણ ઓનલાઇન એન્ટ્રી મંગાવાઇ હતી અને તેમાં કુલ ૬૩૯ એન્ટ્રી આવી હતી.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર અને તેમની ટીમે લોકમેળાનું નામ ફાઇનલ કરી લીધું છે, કલેકટરે આજે ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે લોકમેળાનું નામ ‘‘ધરોહર'' ફાઇનલ કરાયું છે, રાજકોટના સ્પર્ધકને આ નામ બદલ સન્માન અને પારિતોષિક અપાશે.
દરમિયાન કલેકટરે જણાવેલ કે આગામી R.O. મીટીંગ અને લેન્ડ ગ્રેબીંગ કમિટીની મીટીંગ ર૩મી તારીખે યોજાય તેવી શકયતા છે, જો કે તેમાં ફેરફાર પણ થઇ શકે છે.
કલેકટરશ્રી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે લોકમેળાના ઉદ્દઘાટન માટે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ પાઠવાયું છે, હજુ તેમના તરફથી ફાઇનલ નથી થયું, પરંતુ ર૪મી એ મેળો સવારે ખુલ્લો મુકવો કે સાંજે તે સી.એમ. કાર્યાલયમાંથી સમય ફાઇનલ થયે જાહેર કરાશે, હાલ અમે આમંત્રણ પાઠવ્યું છે.
દરમિયાન ગઇકાલે મેળામાં ૩૧ મોટી રાઇડ અંગે હરરાજી થતા ખાનગી મેળા કરનાર વિરેન્દ્રસિંહ અને દશરથસિંહ વાળાએ તમામ ૩૧ પ્લોટ ૧ કરોડ ર૭ લાખમાં લઇ લીધા છે, તંત્રને જબરી કમાણી થઇ છે, અને તંત્રે ઉપરોકત પાર્ટીને ૧૦ દિવસમાં નાણા ભરી દેવા અંગે સમય આપ્યો છે.
બીજી બાજુ રાજકોટ સીટી પ્રાંત-૧ અને લોકમેળાનું સુપરવીઝન કરી રહેલા ડો. ચાંદની પરમારે ‘‘અકિલા''ને જણાવેલ કે રાઇડ અંગે તમામ ૩૧ પ્લોટ લેનાર પાર્ટી સંપૂર્ણ નાણા નહીં ભરે ત્યાં સુધી એલોટમેન્ટ નહિ અપાય.
આઇસ્ક્રીમ ચોકઠા અંગે તેમણે જણાવેલ કે ૧૬ ચોકઠા અંગે કંપનીઓ સાથે વાટાઘાટો ચાલે છે.
આઠ ચોકઠા તો લગભગ આજે જ અપાઇ જશે, બીજા અંગે પણ ૧ થી ર દિવસમાં કાર્યવાહી થશે, તમામ ચોકઠા અપલેટ પ્રાઇઝ ઉપર જશે.
દરમિયાન અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું કે લોકમેળાનું મંડપ કોન્ટ્રાકટનું ટેન્ડર કાલે ફાઇનલ થશે, જયારે ઇલેકટ્રીક ટેન્ડર સાંજે ફાઇનલ થશે, અને ઉદ્દઘાટનના દિવસે ર કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમો ૧૬મીએ ફાઇનલ કરી લેવાશે, ટુંકમાં તમામ તંત્રે મેળા અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી છે, દિવસો ઓછા હોય તમામ કર્મચારી-અધીકારીઓએ દોડવું પડશે.
(3:04 PM IST)










