News of Tuesday, 13th August 2024
એસઓજીએ તમાકુ પ્રોડક્ટ હેઠળ ૧૨૬ કેસ કર્યાઃ ૧૨ શાળાઓમાં વિદ્યાર્થીઓને ૯ મુદ્દાની સમજ આપી
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘નશામુક્ત રાજકોટ શહેર' અને ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ અંતર્ગત ખાસ કાર્યક્રમ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ડી. સી. સાકરીયા અને ટીમની કામગીરીઃ અવૈધ માકદ પદાર્થો અંગે માહિતી આપવા પ્રજાજનોને અનુરોધ

રાજકોટઃ નશામુક્ત ભારત અભિયાન હેઠળ રાજકોટ શહેરની વિવિધ શાળા-કોલેજોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજી તથા ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એક્ટ (કોટપા એક્ટ) હેઠળ અસરકારક કામગીરી કરવા શહેર એસઓજીની ટીમ કાર્યરત બની હોઇ આ અંતર્ગત શહેરના ૧૨૬ પાનના ગલ્લા, દૂકાનો ખાતે ચેકીંગ કરી કોપ્ટા એક્ટ હેઠળ કુલ ૧૨૬ કેસ કરવામાં આવ્યા છે. જેમાં શાળા કોલેજના સો મીટરના એરિયામાં તંબાકુ કે તેને સંલગ્ન પ્રોડક્ટનું વેંચાણ કરવા સહિતના નિયમોના ભંગ હેઠળ કાર્યવાહી થઇ હતી. તેમજ ૧૨ સ્કૂલ ખાતે નશા મુક્તિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ‘નશા મુક્ત રાજકોટ શહેર' અને ‘સે નો ટુ ડ્રગ્સ' થીમ હેઠળ શહેરમાં નશામુક્તિ માટે નક્કર કામગીરી કરવા સુચના મળતાં રોઝરી સ્કૂલ, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ, વી. જે. મોદી સ્કૂલ, સમ્સ માધ્યમિક સ્કૂલ, નેસ્ટ પ્રાઇમરી સ્કૂલ, શેઠ હાઇસ્કૂલ, શુભમ્ વિદ્યાલય, સત્યપ્રકાશ, ગ્લોબલ શુભમ્ સ્કૂલ, મુરલીધર સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, નવયુગ સ્કૂલ ખાતે નશામુક્તિ સંબંધે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં છાત્રોને વિવિધ મુદ્દે ખાસ સમજ અપાઇ હતી. જેમાં નશાના વિવિધ પ્રકાર, નશાના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ, પરિવાર-સમાજ અને દેશને થતું નુકસાન, સમાજના અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર આર્થિક લાભ માટે થતો નશાનો વેપાર, નશાખોરી અને તેના કારણે સમાજમાં વધતી ગુનાખોરી, બંધાણીઓની સમસ્યા હલ કરવી, નશામુક્ત ભારત હેલ્પલાઇન નંબર-૧૪૪૪૬ની ઉપયોગીતા, નશાખોરી નાબુદ કરવા સંબંધી કાયદાઓ અને તેની જોગવાઇઓ, માદક દ્રવ્યોના સેવન સામે લડત, નશામુક્ત ભારતની પરિકલ્પના વિશે માહિતી આપી છાત્રોને નશામુક્તિના શપથ લેવડાવાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા અને ટીમે આ કામગીરી કરી હતી. પ્રજાજનોની આસપાસ કોઇપણ પ્રકારના માદક અવૈદ્ય પદાર્થની હેરાફેરી થતી હોય કે તેનું સેવન થતું હોય કે સંગ્રહ કરવામાં આવતો હોય તો તેની માહિતી પોલીસને આપવા શહેર એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયાએ અનુરોધ કર્યો હતો.
(3:09 PM IST)










