News of Tuesday, 13th August 2024
પાટીદાર ચોક પાસેની બેકરીમાંથી લીધેલ નાનખટાઇમાં માખી નીકળી
ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા અને ફૂડ વિભાગમાં ફરિયાદ

રાજકોટઃ તા.૧૩: રાજ્યમાં ખાણી-પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરીમાં મળતી વસ્તુઓમાં જીવાત નીકળવાના કિસ્સા વધી ગયાં છે. સમયાંતરે આ પ્રકારના કિસ્સાઓના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થાય છે. ત્યારે આજે રાજકોટની એક બેકરીમાં નાનખટાઈના પેકેજમાંથી માખી નીકળી હોવાનો બનાવ બન્યો છે. બનાવ અંગે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી છે
રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીમાંથી નાનખટાઈનું પેકિંગ ખરીદી ગ્રાહકે નાનખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી હતી. જેથી ગ્રાહકે બેકરી સંચાલકનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંચાલક દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા ગ્રાહકે બેકરી સંચાલકે ઉડાઉ જવાબ આપતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા બેકરીમાં તાત્કાલિક રેડ કરવામાં આવી હતી.
સમગ્ર બનાવ અંગે અશોકભાઈ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે નાનખટાઈ ખરીદી હતી. નાનખટાઈ ખાતા હતા ત્યારે માખી ચોટેલી જોવા મળી હતી. જેથી અમે પાછી દેવા માટે ગયા હતા અને તેમને કહ્યું કે આમા માખી ચોંટેલી છે. તો તેમણે કહ્યું કે ભૂલથી આવી ગઇ હશે. અમે ગ્રાહક સુરક્ષામાં જવાની વાત કરી તો તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. આજે મહાગપાલિકાના ફૂડ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે.
માર્વેલસ બેકરીના સંચાલક અને માલિક જતીન પટેલે જણાવ્યું છેકે, અમે સ્વચ્છતાનું પૂરેપુરુ ધ્યાન રાખીએ છીએ તેમ છતાં ગઇકાલે સાંજે એક ગ્રાહક બિસ્કિટ કે કંઇ ખરીદ્યું હતું તેમાં અન્વયે તેમાં એક માખી આવી ગઇ છે. કઇ રીતે આવી અને શું છે એ મારે પણ ચેક કરવાનું બાકી છે. એ વ્યક્તિનું એવું કહેવું છેકે, આ વસ્તુ તમારી ત્યાંથી નીકળી છે. તમારે શું કરવું છે હું ફરિયાદ કરીશ. જેમને મે કહ્યું હતું કે, અમે એ બાબતે માફી માગીએ છીએ. હું તમને રિફન્ડ આપું કે તમારે બીજી કોઇ વસ્તુ જોઇતી હોય તો એ આપું. ત્યારે એ ભાઈએ મારી સાથે દાદાગીરી કરી. મે તેમને પૈસા પાછા આપ્યા તો પણ વધારે રૂપિયાની માગણી કરવામાં લાગ્યા હતા
(4:34 PM IST)










