<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલોઃ એસઓજી, ક્‍યુઆરટી, સીઆઇએસએફની ટીમોએ આતંકીને ઠાર માર્યાઃ મોકડ્રીલ

બોમ્‍બ સ્‍ક્‍વોડ, કયુઆરટી, ડોગ સ્‍ક્‍વોડ પણ પહોંચ્‍યાઃ એરપોર્ટ બહારથી એક ગાડી બેરીકેટ તોડી અંદર ઘુસીઃ સીઆઇએસએફની ટીમે ઘેરી લીધી

રાજકોટઃ શહેરના હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે જો આતંકવાદી હુમલો થાય તો તેનો સામનો કઇ રીતે કરી શકાય? તેની તાલિમના ભાગ રૂપે મોકડ્રીલનું આયોજન એરપોર્ટ ઓથોરિટી અને એસઓજી રાજકોટ શહેર દ્વારા કરાયું હતું. જેમાં સીઆઈએસએફના સ્‍ટાફ દ્વારા મોકડ્રીલના ભાગરૂપે એક શંકાસ્‍પદ  વાહનમાં બેરીકેડ તોડી અંદર પ્રવેશ કરાયો હતો. જેઓના મોઢે રૂમાલ બાંધવા ઉપરાંત હાથમા હથિયારો હતા. તેઓ એરપોર્ટ  તરફ આગળ વધ્‍યા હતાં.  સામસામે ફાયરિંગ કરાયા હતા. રાજકોટ એસઓજી સહિતને જાણ કરાતા બીડીએસ, કયુઆરટી, ડોગ સ્‍કવોડ સહિતનો સ્‍ટાફ ત્‍યાં પહોંચી ગયો હતો. બાદમાં શહેર પોલીસે સીઆઈએફએસ સાથે સંકલનમાં રહી શંકાસ્‍પદ શખ્‍સોને આંતરી શૌચાલયમાં ઘૂસી ગયેલા બે આતંકવાદીઓ પૈકી એકને એસઓજી અને કયુઆરટીએ ઠાર માર્યો હતો, જ્‍યારે બીજાને જીવતો પકડી લેવાયો હતો. બીજી તરફ પાર્કિંગમાં ઘૂસેલા આતંકવાદીઓને સીઆઈએફએસની ટીમે ઠાર મારી આતંકવાદીઓની વાહનમાં રહેલા વિસ્‍ફોટક પદાર્થને ડીફયુઝ કર્યો હતો. બાદમાં બનાવને મોકડ્રીલ જાહેર કરાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા અને તેમની ટીમ, એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીત અને ટીમ, સીઆઇએસએફના ઉપ કમાન્‍ડન્‍ટ અમનદીપ સિરસવા, કવીક રિસ્‍પોન્‍સ ટીમ, બીડીડીએસ ટીમ, ડોગ સ્‍ક્‍વોડ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતાં. મોકડ્રીલના દ્રશ્‍યો જોઇ શકાય છે.

(12:02 PM IST)