<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રામનાથપરાના એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં વિજ મીટરમાં ધડાકા સાથે આગઃ અગાસીએ ફસાયેલા ૧૪ને ફાયર બ્રિગેડ ટીમે નીચે ઉતાર્યા

એક મીટરમાં આગ લાગ્‍યા બાદ બીજા મીટરો પણ સળગતાં આગ વધુ ફેલાઇ ગઇ હતીઃ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચીઃ છ મહિલા, ચાર પુરૂષ, ચાર બાળકોને રેસ્‍ક્‍યુ કરાયાઃ દૂર્ઘટના અટકી

રાજકોટઃ શહેરમાં ગત સાંજે આગની વધુ એક ઘટનાને કારણે દોડધામ મચી ગઇ હતી. શહેરના રામનાથપરામાં આવેલા એક એપાર્ટમેન્‍ટમાં ગ્રાઉન્‍ડ ફલોર ઉપર રાખેલા વીજમીટરમાં અચાનક ધડાકો થયો હતો અને આ સાથે જ તમામ મીટર સળગવા લાગતાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ત્રણ ફાયર ફાઈટર સાથે પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. જો કે બિલ્‍ડીંગની અગાસી પર રહેલા ૧૪ જેટલા લોકો જેમાં છ મહિલા, ચાર પુરૂષ અને ચાર બાળકોને રેસ્‍કયુ કરી બચાવી લીધા હતા. બનાવને પગલે એ-ડિવીઝન પોલીસ, પીજીવીસીએલની ટીમો પણ પહોંચી ગઇ હતી. રામનાથ પરા શેરી નંબર ૧૪મા આવેલા શિવ બિલ્‍ડિંગમાં ગ્રાઉન્‍ડ ફલોર ઉપર રાખેલા પીજીવીસીએલના મીટર બોર્ડમાં આગ લાગી હતી જે ભાનુપ્રસાદ જગદીશચંદ્રની માલિકીનું છે. ચાર માળના બિલ્‍ડિંગમાં ૯ ફલેટ આવેલા છે. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. બિલ્‍ડીંગમાં રહેતા લોકો નીચે ઉતરી શકે તેમ ન હોવાથી અગાસી પર ચડી ગયા હતા અને ત્‍યારબાદ ફાયર બ્રિગેડના સ્‍ટાફ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી તમામ ૧૪ને રેસ્‍ક્‍યુ કરી સહી સલામત નીચે ઉતારી લીધા હતાં. કોઇ જાનહાની થઇ નહોતી. ફાયર બ્રિગેડના શૈલેષભાઇ, જયસુખભાઇ, અજયભાઇ, સહદેવભાઇ, ધીરેન્‍દ્રસિંહ, પંકજભાઇ, જગદીશભાઇ, વિપુલભાઇ, કિરણભાઇ, પ્રતાપભાઇ, કિશોરભાઇ, જયસુખભાઇ, આસીફભાઇ, બાબુભાઇ, કિરીટભાઇ, મહેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(2:21 PM IST)