<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

એસઓજી-પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ફરીથી સોની બજારમાં ડ્રાઇવઃ ૪ દિવસમાં જાહેરનામા ભંગના ૧૦૦ જેટલા કેસ

અગાઉ સોની બજારમાંથી આતંકવાદી પકડાયા હતાં: છતાં અમુક વેપારીઓ જાગૃત થતાં નથી :પરપ્રાંતિય કારીગરો, મજૂરોની નોંધ પોલીસના સિટીઝન પોર્ટલમાં કરાવવી ફરજીયાતઃ છતાં કેટલાક ફેક્‍ટરી સંચાલકો, વેપારીઓની બેજવાબદારીઃ ડ્રાઇવ સતત ચાલુ રહેશેઃ ટીમો પરપ્રાંતિયોના રહેણાંક ખાતે પણ ચેકીંગ કરશેઃ એસીપી ભરત બસીયા :એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા, પેરોલ ફરલો પીઆઇ બી. વી. ઝાલા અને તેમની ટીમોનું સઘન ચેકીંગ : ઍસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા, પેરોલ ફરલો પીઆઇ બી. વી. ઝાલા અને તેમની ટીમોનું સઘન ચેકીંગ

 

રાજકોટ  તા. ૧૪: શહેરની સોની બજારમાંથી અગાઉ કારીગરોના સ્‍વાંગમાં આતંકવાદી ઝડપાયા ત્‍યારે ખળભળાટ મચી ગયો હતો. એ પછી પોલીસ સતત બજારમાં કામ કરતાં પરપ્રાંતિય કારગીરો, કર્મચારીઓનું પોલીસના સીટીઝન પોર્ટલમાં રજીસ્‍ટ્રેશન રાખવાના જાહેરનામાનો કડક અમલ કરવાનો વેપારીઓ તેમજ અન્‍ય ઓૈદ્યોગિક એકમોના સંચાલકો પાસે આગ્રહ રાખે છે. તેમજ આ જાહેરનામાનું પાલન કરાવવા કડક કાર્યવાહી પણ કરે છે. નિયમોનો ભંગ કરનારા સામે ગુનો પણ નોંધવામાં આવે છે. હાલમાં છેલ્લા ચાર દિવસથી શરૂ થયેલી ચેકીંગ ઝૂંબેશ અંતર્ગત એસઓજી દ્વારા સોની બજારમાં સતત ચેકીંગ ડ્રાઇવ યોજી પરપ્રાંતિય કારીગરોની નોંધ પોલીસમાં નહિ કરાવવા અંગે ૧૦૦થી વધુ કેસ દાખલ કરી દેવામાં આવ્‍યા છે. એસઓજી અને પેરોલ ફરલો સ્‍ક્‍વોડ દ્વારા સોની બજારમાં ડ્રાઇવ યોજાઇ હતી.

આજે એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયા અને પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ બી. વી. ઝાલા અને તેમની ટીમોએ ઓચીંતા સોની બજારમાં પહોંચી સઘન ચેકીંગ ડ્રાઇવ યોજી હતી. છેલ્લા ત્રણ દિવસમાં જાહેરનામા ભંગના અલગ અલગ કેસ દાખલ કરાયા છે. આ ઝુંબેશ ચાલુ હોવા છતાં વેપારીઓ, ઓૈદ્યોગિક એકમોના સંચાલકો જાગૃત ન થઇ પોતાને ત્‍યાં કામ કરતાં પરપ્રાંતિયોની નોંધ પોલીસમાં કરાવી નહોતી. આજની ડ્રાઇવમાં પણ આઠથી દસ કેસ કરવામાં આવ્‍યા હતાં.

એસીબી ક્રાઇમ ભરત બી. બસીયાએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે રાજકોટ ઓદ્યોગિક એકમોનું શહેર છે. અહિ અનેક પરપ્રાંતિય મજૂર, કારીગરો કામ કરવા માટે આવે છે. આવા પરપ્રાંતિય મજૂરોમાં અમુક મિલ્‍કત કે શરીર સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયા છે. પરપ્રાંતિય મજુરો, કર્મચારીઓનું પોલીસના સીટીઝન પોર્ટલમાં રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્‍યું છે. આમ છતાં અનેક ફેક્‍ટરી સંચાલકો, સોની બજારના વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી પોતાને ત્‍યાં કામ કરતાં કારીગરો, મજૂરો, કર્મચારીઓ, ઘરઘાટીની નોંધ જે તે પોલીસ સ્‍ટેશનમાં કરાવતાં નથી. આથી પોલીસને ગુના નોંધવાની ફરજ પડે છે.

દરમિયાન એસીપી ભરત બસીયાએ વધુમાં ઓૈદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને અપીલ કરી હતી કે જો તમારે ત્‍યાં પરપ્રાંતિય  મજૂરો, કર્મચારીઓ, ઘરઘાટીઓ કામ કરતાં હોય તો તેની નોંધ જે તે પોલીસ સ્‍ટેશનમાં કે સીટીઝન પોર્ટલમાં કરાવવી ફરજીયાત છે. અન્‍યથા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. રાજકોટમાં ૯૦ હજારથી વધુ બંગાળી કારીગરો સોની બજાર સહિતની મુખ્‍ય બજારોમાં કામ કરે છે. આ તમામ જ્‍યાં જ્‍યાં કામ કરે છે ત્‍યાં તેમજ તેના રહેણાંક ખાતે પણ એ-ડિવીઝન, બી-ડિવીઝન, બી-ડિવીઝન પોલીસ, એસઓજી અને પેરોલ ફરલો સહિતની ટીમો સતત ચેકીંગ કરતી રહેશે. તેમજ જાહેરનામાનું પાલન નહિ કર્યુ હોય તેની સામે ગુના દાખલ કરવાનું ચાલુ રાખશે.

એસીપી ક્રાઇમ ભરત બસીયા

(5:09 PM IST)