<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

તને ના પાડી તો'ય કેમ આ ઘર બાજુ આવ્‍યો?...સંદિપ રાઠોડને ગાળો ભાંડી પાર્થ ગોહેલે છરીના ઘા ઝીંક્‍યા

પાંચ વર્ષ પહેલા ઝઘડો થતાં ગામ મુકી દીધુ'તું ત્‍યારે પડોશીએ આ મકાન ભુલી જજે આ બાજુ આવતો નહિ એવી ધમકી આપી'તી આંબેડકરનગરનો યુવાન હાલ પાળ ગામે રહે છેઃ રાજકોટના જુના મકાન પાસે આવતાં જુનો પાડોશી પાર્થ જોઇ જતાં જ હુમલો કર્યોઃ ગળા-હાથમાં ગંભીર ઇજાઃ માલવીયાનગર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૪: હાલ લોધીકાના પાળ ગામે રહેતાં મુળ રાજકોટના આંબેડકરનગરના યુવાનને પાંચ વર્ષ પહેલાના ઝઘડાનો ખાર રાખી ગળા, હાથ પર છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કરવામાં આવતાં સારવાર હેઠળ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલા મુળ રાજકોટ ગોંડલ રોડ આંબેડકરનગર-૧૪ના વતની અને હાલ લોધીકાના પાળ ગામે રહેતાં સંદિપ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી આંબેડકરનગર-૧૪માં રહેતાં પાર્થ ચતુરભાઇ ગોહેલ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૯, ૧૧૮ (૧), ૩૫૨ તથા જીપીએક્‍ટ ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી છે.

સંદિપ રાઠોડે જણાવ્‍યું છે કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું અને હાલ પાળ ગામે રહુ છું. અમારુ જુનુ મકાન રાજકોટ આંબેડકરનગર-૧૪માં છે. પાંચેક વર્ષ પહેલા અમારે પડોશી પાર્થ ગોહેલ સાથે ઝઘડો થતાં વધુ માથાકુટ ન થાય એ માટે અમે આ ઘર બંધ કરી જુનાગઢ રહેવા જતાં રહ્યા હતાં. હાલમાં બે વર્ષથી પાળ ગામે રહીએ છીએ. પાર્થ ગોહેલે અમે મકાન ખાલી કરીને ગયા ત્‍યારે ધમકી આપી હતી કે હવે આ મકાન તરફ દેખાતો નહિ, મકાન ભુલી જજે કહી ધમકી આપી હતી. દરમિયાન મંગળવારે હું રાજકોટ કામ માટે આવ્‍યો હોઇ અમારા જુના ઘરની પાછળની ૧૫ નંબરની શેરીમાં મોમાઇ પાન પાસે ઉભો હતો ત્‍યારે પાર્થ જોઇ જતાં ધસી આવ્‍યો હતો અને આ બાજુ આવવાની ના પાડી તો'ય તું અહિ કેમ આવ્‍યો? કહી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં છરીથી હુમલો કરી ગળા પર અને હાથમાં બે ઘા મારી દીધા હતાં.

હું ડરી જતાં ભાગીને ૧૫૦ ફુટ રોડ તરફ જતો રહ્યો હતો. મને લોહીલુહાણ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પાંચ વર્ષ પહેલાના મનદુઃખનો ખાર રાખી મારા પર છરીથી હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. તેમ વધુમાં સંદિપે કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એસ. એ. સિન્‍ધીએ ગુનો દાખલ કરાવ્‍યો હતો. આરોપીને શોધી કાઢવા દોડધામ થઇ રહી છે.

(3:30 PM IST)