<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજકોટ રનર્સ એસો.ના સભ્‍યો કાલે દોડ લગાવી સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવશે

બહુમાળી ભવન ખાતેથી સવારે પ્રસ્‍થાન : વર્ચ્‍યુઅલ દોડ સામેલ કરી કુલ ૧૯૪૭ કિ.મી.નું અંતર કવર કરાશે

રાજકોટ : સ્‍વતંત્રતા પર્વની અનોખી અને પ્રેરણાસભર રીતે ઉજવણી કરવા માટે રાજકોટ રનર્સ એસોસીએશનના ૧૫૦ થી વધુ સભ્‍યો કુલ ૧૯૪૭ કિ.મી.ની દોડ લગાવી દેશની આઝાદીના આ મહા પર્વની શાનદાર ઉજવણી કરશે. ૨૦૧૬ થી કાર્યરત આ ગ્રુપમાં ૧૮ થી ૭૫ વયજુથના ૨૫૦ થી વધુ સભ્‍યો સામેલ છે. સંસ્‍થાની યાદીમાં જણાવ્‍યા મુબજ આ સંસ્‍થા સ્‍વાસ્‍થ્‍ય જાગળતિ માટે મેરેથોન, વોકેથોન, સાઇકલોથોન જેવી ઇવેન્‍ટના આયોજન કરે છે. ગત વર્ષે પ્રથમવાર રાતના સમયે નાઇટ હાફ મેરેથોન યોજી હતી, જેમાં ૪૦૦૦ જેટલા સ્‍પર્ધકોએ ભાગ લઈ શહેરને ફીટનેસ લવર્સ તરીકેની નવી ઓળખ આપી હતી. આ વખતે કાલે સ્‍વતંત્રતા દિવસે ભારતના સાર્વભૌમત્‍વ માટે અને દેશની સુરક્ષા કાજે, જીવનની આહુતી આપનાર તમામ લડવૈયાઓને સલામી આપવાના ઉદ્દેશથી સંસ્‍થા સાથે જોડાયેલા ૧૫૦ થી વધુ દોડવીરો ૦૫ થી ૮૦ કિલોમીટર જેટલી દોડ લગાવીને ભારતની સ્‍વતંત્રતાના વર્ષ ૧૯૪૭, ને તેટલા જ કિલોમીટર દોડી એક નવતર અને અનોખી સલામી આપવાનો સંકલ્‍પ કરેલ છે. ગ્રુપના સભ્‍ય ડો. કમલ દોશીએ આ નવતર વિચાર તમામ સભ્‍યો સમક્ષ રજૂ કર્યો હતો, જેને સૌ સભ્‍યોએ ઉત્‍સાહથી વધાવી લીધો હતો. આ દોડ માટે દેશના અલગ-અલગ ભાગમાં રહેતા સભ્‍યો તેમના જે-તે સ્‍થળ પર દોડ લગાવી આ ૧૯૪૭ કિ.મી. ના લક્ષ્યાંકને વર્ચ્‍યુલી સપોર્ટ કરશે. જયારે રાજકોટના સભ્‍યો અહીં દોડ લગાવશે. કાર્યક્રમની શરૂઆત કાલે ગુરૂવારે સવારે ૩ કલાકે બહુમાળી ભવન ખાતેથી થશે. આ દોડમાં રાજકોટ ઉપરાંત દોડમાં યુએસએ, બેંગ્‍લોર, માથેરાન, દ્વારકા અને મુંબઈથી સભ્‍યો વર્ચ્‍યુલી જોડાશે. સંસ્‍થાના સભ્‍ય અપૂર્વભાઇ મુંબઈથી વર્ચ્‍યુલી જોડાઇ ૮૦ કીમીની દોડ લગાવી આ લક્ષ્યાંકમાં તેમની ભાગીદારી નોંધાવશે. આ દોડ અંદાજે ૭.૩૦ કલાક સુધીમાં પૂર્ણ થશે અને ૮ કલાકે બહુમાળી ભવન ખાતે રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થશે. આ દોડ માટે ૧૫૦ થી વધુ સભ્‍યો, તેમના પરિવારો અને મિત્રો ઉપરાંત શહેરીજનો પણ ભાગ લઈ શકશે. કાર્યક્રમ દરમિયાન જયારે ૭.૩૦ કલાકે આખરી રાઉન્‍ડ શરુ થશે ત્‍યારે ઉપસ્‍થિત તમામ લોકો સાથે ચાલીને આ કાર્યક્રમને યાદગાર બનાવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, સેક્રેટરી ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી રવિ ગણાત્રાના માર્ગદર્શનમાં રનર્સ એસોસીએશનના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 PM IST)