News of Wednesday, 14th August 2024
ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના.. સોમવારે રક્ષાબંધન
ચંદન, સુખડ, રૂદ્રાક્ષ, રેઝીન આર્ટ, અમેરિકન ડાયમંડ તથા બાળકો માટે લાઇટીંગ-મ્યુઝીકવાળી, કાર્ટૂન કેરેકટરવાળી સહિતની ઢગલાબંધ રાખડીઓ જોહર કાર્ડસમાં ભરમાર

રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી જોહર કાર્ડ અને જોહર ગેલેરીમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ વર્ષે બાળકો માટે કાર્ટુન કેરેક્ટર, મોટાઓ માટે ચંદન, સુખડ, રૂદ્રાક્ષની રાખડીઓ સાથે સાથે ભાભી અને નણંદ માટેની લુંબા રાખડીની અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે.
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડીરૂપી રક્ષા કવચ બાંધી ભાઈની લાંબી ઉમર અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હોય શહેરની જાણીતી જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે)
શોપમાં આ વર્ષે અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ અંગે શોપના માલિક યુસુફભાઈ માંકડાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૫૭ વર્ષથી રાખડીનું વેચાણ કરીએ છીએ. હાલમાં અમારે ઘણી ડિઝાઈનની રાખડીઓ ઉપલ્બધ છે. જો કે આ વર્ષે ગ્રાહકોમાં સ્પિનર ની રાખડીની, રેઝીન આર્ટની રાખડી ની ભારે માંગ જોવા મળી રહી છે હાલમાં બાળકો માટે લાઇટિંગ, મ્યુઝિકવાળી તેમજ બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓ પણ છે. જયારે સુખડ, ચંદન, રુદ્રાક્ષ, અમેરિકન ડાયમંડ, કુંદન નગ સહિતની અનેક રાખડીઓ છે. અમે ગ્રાહકોના ખાસ ઓર્ડર મુજબ નામ અને ફોટાવાળી રાખડીઓ પણ તૈયાર કરાવી આપીએ છીએ. અહી મળતી રાખડીઓમાં પણ કેટલીક ખાસ પ્રકારની ડિઝાઈન અમે ઓર્ડર આપીને તૈયાર કરાવીએ છીએ,
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં પણ ભાભી-નણંદ માટેની ‘લુંબા' રાખડીની પણ વિશાળ વેરાયટી છે. જેમાં ડાયમંડ બ્રેસલેટ, બ્રેસલેટ કડા વગેરે છે. બ્રેસલેટ કડા નવરાત્રિમાં પણ પહેરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ખાસ કંકુ-ચોખા સેટવાળી રાખડી પણ છે જયારે રક્ષાબંધનની શુભેચ્છા માટેના કાર્ડ અહીં મળે છે. આ ઉપરાંત બહેન જયારે ભાઈને રાખડી બાંધે ત્યારે ડેકોરેટ કરેલી ડિશ પણ અહી મળતી હોવાનું જણાવાયું છે.
(4:12 PM IST)










