News of Friday, 16th August 2024
હાર્ટએટેક આવતાં કચરા ગાડી ફૂટપાથ પર ચડી ગઇઃ દિવાલમાં અથડાઇ : ડ્રાઇવર ગોવિંદભાઇ સુરેલાનું મોત
પંદરમી ઓગષ્ટના દિવસે હૃદય બંધ પડી જવાથી મૃત્યુની ચાર ઘટનાઓ : ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર શિતલપાર્કથી અયોધ્યા ચોકના રસ્તા પર બનાવઃ બીજા બનાવમાં કેકેવી ચોકમાં ટેમ્પો ટ્રાવેલર ગાડી ચાલુ કરતાં જ ડ્રાઇવર હુડકોના મિલનભાઇ ભાખોડીયાનું હાર્ટએટેક આવી જતાં મોતઃ ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર કારખાનાની ઓરડીમાં યુપીના કિસ્મતઅલીનું હૃદય બંધ પડી જતાં મોતઃ ચોથા બનાવમાં રેલનગરના જયેન્દ્રસિંહ જાડેજાનું પણ હાર્ટએટેકથી મૃત્યુ

હાર્ટએટેક આવતાં કચરા ગાડી ફૂટપાથ પર ચડી ગઇ હતી તે દ્રશ્ય અને મૃતક ગોવિંદભાઇનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૧૬: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ ત્રણ બનાવોમાં ત્રણ લોકોના હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયા છે. જેમાં પંદરમી ઓગષ્ટના સવારે ગાંધીગ્રામ દોઢસો ફુટ રીંગ રોડ પર શિતલ પાર્કથી અયોધ્યા ચોક વચ્ચે આરએમસીની કચરા ગાડીના ચાલકને ચાલુ ગાડીએ હાર્ટએટેક આવતાં કચરા ગાડી ફૂટપાથ પર ચડી દિવાલમાં અથડાઇ પડી હતી. ચાલકને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. બીજા બનાવમાં કેકેવી ચોકમાં ઓવર બ્રીજ નીચે પોતાની ટેમ્પો ટ્રાવેલર્સ ચલાવીને જતી વખતે ગાડી ચાલુ કરતાં જ હાર્ટએટેક આવી જતાં મોત થયું હતું. ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર કારખાનાની ઓરડીમાં પરપ્રાંતિય કર્મચારીનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ હતું. ચોથા બનાવમાં રેલનગરના સિક્યુરીટી જવાનનું પણ ઘરે હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર વેલનાથ પરા મેઇન રોડ પર સાગર પાર્કમાં રહેતાં ગોવિંદભાઇ અમરશીભાઇ સુરેલા (ઉ.વ.૫૪) આરએમસીની કચરા ગાડીમાં હંગામી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હોઇ ગુરૂવારે સવારે કચરા ગાડી લઇને દોઢસો રીંગ રોડ પર શિતલ પાર્કથી અયોધ્યા ચોક તરફ જતાં હતાં ત્યારે ચાલુ ગાડીએ હાર્ટએટેક આવી જતાં ગાડી ફૂટપાથ પર ચડી દિવાલમાં અથડાઇ ગઇ હતી. ચાલક ગોવિંદભાઇ બેભાન થઇ ગયા હોઇ એકઠા થઇ ગયેલા લોકોએ ૧૦૮ બોલાવી તેમને તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. સગા સંબંધીઓને પણ જાણ થતાં આવી ગયા હતાં. જો કે અહિ તબિબે ગોવિંદભાઇને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર ગોવિંદભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ હુડકો શાક માર્કેટ પાસે રહેતાં મિલનભાઇ અમૃતભાઇ ભાખોડીયા (ઉ.વ.૪૩) નામના યુવાન ગુરૂવારે વહેલી સવારે કેકેવી ચોકથી પોતાની ટેમ્પો ટ્રાવેલર ગાડી ચાલુ કરીને જતાં હતાં ત્યારે ગાડી ચાલુ કરતાં જ તબિયત બગડતાં ગાડી ઉભી રાખી દીધી હતી. ચાલુ ગાડી જોઇ નજીકમાંથી તેના બીજા ડ્રાઇવર મિત્રો દોડી આવતાં તેઓ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બુધવારે ગાડીનું ભાડુ પુરુ કરી આવ્યા હોઇ અને ગુરૂવારે સવારે વહેલા દ્વારકાનું ભાડુ લઇને જવાનું હોઇ જેથી પોતાની ગાડીમાં કેકેવી ચોકના બ્રીજ નીચે જ સુઇ રહ્યા હતાં. વહેલી સવારે મિત્રો સાથે ચા પાણી પીધા બાદ ગાડી ચાલુ કરતાં જ ઢળી પડયા હતાં અને મૃત્યુ થયુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
ત્રીજા બનાવમાં મુળ યુપીના ગોૈંડા જીલ્લાના વતની અને હાલ રાજકોટ ગોંડલ રોડ રોલેક્સ બેરીંગ નજીક યુનીટેક કારખાના પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં કિસ્મતઅલી મોહરમઅલી ઇદ્રશી (ઉ.વ.૫૦)ને બુધવારે રજા હોઇ ગુરૂવારે સવારે કામે જવાનું હોઇ મોડે સુધી ન જાગતાં બીજા કર્મચારીએ ઓરડીમાં તપાસ કરતાં બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. તેમને એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે ચાર ભાઇમાં નાના હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
ચોથા બનાવમાં રેલનગર મેરીગોલ્ડ હાઇટ્સમા ંરહેતાં જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન પંદરમી ઓગષ્ટના સવારે દસેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ સિક્યુરીટીમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી છે. તેઓ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પદુભા, તોૈફિકભાઇ સહિતે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:58 PM IST)










