<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ફિલ્મી ઢબે દારૂ ભરેલી સ્કોર્પિયોનો પીછો કરી એલસીબી ઝોન-૧ ટીમે બે શખ્સને દબોચ્યા

કુવાડવા રોડ સચ્ચા સોદાથી નવાગામ સુધી ભાગમભાગ થઇ : ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી.વી. બોરીસાગર અને ટીમની કાર્યવાહીઃ રાજસ્થાનના સાંચોર તરફથી લાવ્યાનું જયંતિ અને સંજયનું રટણ : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાની બાતમી

રાજકોટ તા. ૧૫: શહેરમાં દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા અને તહેવાર ટાણે દારૂની રેલમછેલ રોકવા પોલીસ સતર્ક બની છે. દરમિયાન એલસીબી ઝોન-૧ની ટીમે કુવાડવા રોડ પર ફિલ્મી ઢબે દારૂ ભરેલી સ્કોર્પિયોનો પીછો કરી નવાગામમાંથી બે શખ્સને દારૂના જથ્થા સાથે દબોચી લઇ કુલ રૂા. ૪,૫૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા તરફથી જીજે૦૩એચકે-૭૬૧૨ નંબરની સ્કોર્પિયો રાજકોટ તરફથી આવી રહી છે અને કાળા રંગની આ ગાડીમાં દારૂનો જથ્થો ભર્યો છે. આથી ટીમે વોચ રાખી હતી. એ દરમિયાન કુવાડવા રોડ સચ્ચા સોદા પંજાબી ઢાબા નજીક બાતમી મુજબની ગાડી આવતી દેખાતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે ભગાવી મુકી હતી. એલસીબીની ટીમે પણ ફિલ્મી ઢબે પીછો કરતાં ભાગમભાગને બાદ નવગામ આણંદપર  દિવેલીયાપરા રોડના સ્મશાન નજીક સ્કોર્પિર્યોને આંતરી લેવાઇ હતી.તેમાંથી બે શખ્સ મળી આવ્યા હતાં અને દારૂનો જથ્થો મળ્યો હતો. પુછતાછમાં બંનેએ પોતાના નામ જયંતિ રાવઘભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨-નવાગામ રંગીલા સોસાયટી) તથા સંજય ધીરૂભાઇ ગણંદીયા (ઉ.વ.૩૨-રહે. આંબાવાડી સોસાયટી-૧, સંત કબીર રોડ) જણાવ્યા હતાં. તેની ગાડીમાંથી બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડની વ્હીસ્કીનો રૂા. ૪૩૨૦૦નો જથ્થો મળી આવતાં તે, ગાડી, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને રાજસ્થાન સાંચોર તરફથી વેંચવા માટે લાવ્યાનું રટણ કરતાં હોઇ વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી.

(11:43 AM IST)