<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કુવાડવા પોલીસે ૬.૯૩ લાખનો દારૂ ભરેલો ટ્રક પકડ્યો

તહેવાર પહેલા નાના મોટા બૂટલેગરો મેદાનમાં: પોલીસના પણ ધડાધડ દરોડાઃ ચાલક પોલીસને જોઇ પંજાબ પાસીંગનો ટ્રક લઇ ચાલક ભાગતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ચાલક મઘરવાડા નજીક ટ્રક મુકી ભાગી ગયોઃ પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ વરૂ, અરવિંદભાઇ મકવાણા અને ટીમની કામગીરીઃ ખોડુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ પરમાર અને વિક્રમભાઇ બોરીચાની બાતમી : ઠાઠામાં લાકડાની સીટો-પટ્ટીઓના ૧૬૦ બાચકા પાછળ દારૂની પેટીઓ છુપાવી હતીઃ કુલ ૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૫: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાં જ દારૂના નાના મોટા ધંધાર્થીઓ ફરી સક્રિય થયા છે. બહારના રાજ્યમાંથી પણ સપ્લાયરોની લાઇન ચાલુ થઇ ગઇ છે. ત્યારે શહેર પોલીસ પણ વધુ સતર્ક બનીને સતત દારૂના દરોડા પાડી રેલમછેલ થતી અટકાવવા પ્રયાસ કરી રહી છે. તેના ભાગ રૂપે કુવાડવા રોડ પોલીસની ટીમે ફિલ્મી ઢબે એક ટ્રકનો કુવાડવાથી મઘરવાડા સુધી પાંચેક કિલોમીટર પીછો કરતાં ચાલક રૂા. ૬,૯૩,૬૦૦નો દારૂ ભરેલો ટ્રક મુકી ભાગી ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો, લાકડાની સીટો ભરેલા બાચકા નંગ ૧૬૦ તથા પંજાબ પાસીંગનો ટ્રક મળી રૂા. ૨૭,૦૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લાકડાની સીટોના જથ્થા પાછળ આ દારૂ છુપાવાયો હતો.

જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા કુવાડવા રોડ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી  ત્યારે એએસઆઇ ખોડુભા જાડેજા, હેડકોન્સ. વિક્રમભાઇ ગરચર અને હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ પરમારને બાતમી મળી હતી કે કુવાડવા તરફથી પંજાબ પાસીંગનો એક આઇસર ટ્રક આવે છે અને તેમાં ઠાઠામાં લાકડાની સીટોના જથ્થા પાછળ દારૂ છુપાવેલો છે. આ બાતમી મળતાં વોચ રખાતાં પીબી૦૭સીઇ-૩૮૫૫ નંબરની ટ્રક નીકળતાં પોલીસે ઉભી રાખવા ઇશારો કરતાં ચાલકે ભગાવી મુકતાં પોલીસની ટીમે પાંચેક કિલોમીટર પીછો કર્યો હતો. એ દરમિયાન મઘરવાડા નજીક ટ્રક દેખાતી બંધ થઇ ગઇ હતી. ત્યારે ગામની મહિલાઓએ એક ટ્રક સ્મશાનના રસ્તે ગયાનું કહેતાં પોલીસ ત્યાં પહોંચતા ટ્રક રેઢી મળી આવી હતી અને ચાલક ભાગી ગયો હતો.

પોલીસે ટ્રકના ઠાઠામાં જોતાં અલગ અલગ બાચકાઓમાં લાકડાની સીટો-પટ્ટીઓ ભરેલી જોવા મળી હતી. આવા ૬૦ બાચકા દૂર હટાવતાં પાછળના ભાગેથી અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો તેમજ ૧૮૦ એમએલના ચપલાઓની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મેકડોવેલ્સ નંબર ૧ની ૭૫૦ એમએલની ૪,૯૨,૦૦૦ની ૯૮૪ બોટલો, રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કીની ૭૫૦ એમએલની ૯૬૦૦૦ની ૧૯૨ બોટલો, મેકડોવેલ્સના રૂા. ૧,૦૫,૬૦૦ના ૧૮૦ એમએલના ૧૯૨ ચપલા, લાકડાની સીટો-પટ્ટીઓ ભરેલા બાચકા ૧૬૦ નંગ રૂા. ૮૦૦૦ના, આઇસર ગાડી ૨૦ લાખની મળી કુલ રૂા. ૨૭,૦૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. પંજાબ પાસીંગનો આ ટ્રક લઇને કોણ આવ્યુ? કોણે કયાંથી દારૂનો જથ્થો મોકલ્યો? તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત કુવાડવા રોડ પીઆઇ બી.પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ ખોડુભા જાડેજા, હેડકોન્સ. અરવિંદભાઇ એમ. મકવાણા, ધર્મેન્દ્રસિંહ પરમાર, વિક્રમભાઇ બોરીચા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, જયપાલભાઇ બરાળીયા, કુશલકુમાર જોષી, જયદિપભાઇ ધોળકીયા, ભરતભાઇ ઘેડ અને ભાવેશભાઇ એચ. મકવાણાની ટીમે આ કામગીરી કરી હતી.

(11:44 AM IST)