<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ જેલ અધિક્ષક રાઘવ જૈને બંદીવાનોને શુભેચ્‍છા પાઠવી

૭ બંદીવાનોને વિવિધ પરિક્ષામાં ઉતિર્ણ થવા બદલ સન્‍માનીત કરાયાઃ બે કેદીઓને સારી વર્તુણક બદલ જેલમાંથી મુક્‍તિ અપાઇઃ સમાજમાં પુનઃ સ્‍થાપન માટે સમજ અપાઇ

રાજકોટઃ શહેરની મધ્‍યસ્‍થ જેલ ખાતે ગઇકાલે ૭૮માં સ્‍વાતંત્ર્ય-પર્વ નિમિત્તે જેલ અધિક્ષકશ્રી રાઘવ જૈન દ્વારા જેલ કેમ્‍પસમાં સ્‍ટાફના પરિવારજનાની ઉપસ્‍થિતિમાં તેમજ જેલના બંદીવાનોની ઉપસ્‍થિતિમાં ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જેલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર હતાં. જેલ અધિક્ષકશ્રી જૈને  તમામ બંદીવાનોને સ્‍વતંત્ર પર્વની શુભેચ્‍છાઓ પાઠવી તેઓ વહેલી જેલ મુક્‍તિ મેળવી સમાજમાં પુનઃસ્‍થાપિત થાય તેવો સંદેશ આપ્‍યો હતો. આ પ્રસંગે રાજકોટ જેલના કુલ- ૦૭ બંદીવાનોને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સી.એફ.એન. કોર્સની પરીક્ષામાં ઉતિર્ણ થતાં પ્રોત્‍સાહિત કરી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ હતા. અત્રેની જેલમાં ચાલતા ઉદ્યોગ વિભાગ માટે પોલીસ મહાનિદેશક, જેલ દ્વારા વર્ષ-૨૦૨૩-૨૪ માટે આપવામાં આવેલ વાર્ષિક લક્ષ્યાંકમાં ૧૦૦ ટકા સિધ્‍ધી મેળવવા બદલ ઉદ્યોગ વિભાગના ફેકટરી મેનેજર સી. એમ. પરમાર તથા વણાટ મદદનીશ, દરજી શિક્ષક અને મહિલા દરજી શિક્ષકને જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા આપવામાં આવેલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં અધિક્ષકશ્રી રાઘવ જૈન દ્વારા તમામને સ્‍વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી તમામ બંદીવાનો જેલ અને સુ.વ. વિભાગ દ્વારા કરવામાં આવતા બંદી-સુધારના કાર્યોમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ સ્‍વમાં સુધાર લાવવા આહવાન કરવામાં આવ્‍યું હતું. તમામ વહેલી તકે જેલ મુક્‍ત થઇ સમાજમાં પુનઃસ્‍થાપિત થઇ સારા નાગરિક તરીકે સ્‍વતંત્ર અને જવાબદારીભર્યું જીવન જીવે તેવી અપેક્ષા સહ શુભેચ્‍છા પાઠવી હતી.

નાયબ અધિક્ષકશ્રી નાસિરૂદ્દીન દ્વારા તેમના સંબોધનમાં જેલમાં રહી બંધનો વચ્‍ચે અને ઉપ્‍લબ્‍ધ મર્યાદિત સંસાધનોમાં ખુદમાં સુધાર લાવવાનો પ્રયાસ બિરદાવી સ્‍વતંત્રતા પર્વની શુભેચ્‍છાઓ પાઠવાઇ હતી. જેલોના મહાનિદેશકશ્રી ડૉ.કે.એલ.એન. રાવના પ્રયાસોથી સરકાર દ્વારા ફળવાયેલ જમીન પર નવી જેલ બન્‍યા બાદ સુધારકાર્યો અને તે માટેના સંસાધનોમાં વધારો થશે તેવા ખુશખબર આપી હતી. આ પ્રસંગે જેલમાં મહિલા વિભાગમાં બંદી માતાઓ સાથે રહેતા બાળકોને મિષ્ટાન આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી. નાયબ અધિક્ષક શ્રી નાસિરૂદ્દીન, સિનિયર જેલર શ્રી વાઢેર સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.ટી.ગોપલાણી દ્વારા કરાયું હતું.

આ ઉપરાંત સ્‍વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્‍યાએ ગુજરાતની જેલમાં બંધ કેદીઓ પૈકીના ૮૬ બંદીવાનોને સારી વર્તુણક અને વ્‍યવહાર બદલ માનવીય સંવેદના દાખવી સરકાર તરફથી જેલમુક્‍ત કરવાનો નિર્ણય લેવાયો હોઇ રાજકોટ જેલના બે કેદીઓઓને પણ મુક્‍ત કરાયા હતાં. રાજકોટ જેલમાંથી વશરામ રાજપરા અને દિપુ ઉર્ફ દિલીપ ખાચરને મુક્‍ત કરાયા હતાં.

(11:55 AM IST)