<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

બ્રિજેશ મારવાણીયાના નામે ફોન કરનારે રોકાણ કરવા લલચાવી છેતરી લીધાનો આરોપ :શેર બજારમાં રોકાણથી નફો કરાવી દેવાના બહાને રાજકોટ એઇમ્‍સના લેબ ટેક્‍નીશીયન સાથે ઠગાઇ

સાગર સાવલીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીએસઓ દિપકભાઇ પંડિતે ગુનો દાખલ કર્યોઃ ૮૫૭૦૦ રૂપિયાની છેતરપીંડીઃ પીઆઇ આર. જી. પઢીયારે તપાસ આરંભી

રાજકોટ તા. ૧૬: શહેરના જામનગર રોડ પર આવેલી એઇમ્‍સ હોસ્‍પિટલના લેબ ટેક્‍નીશયન યુવાન સાથે શેર બજારમાં ડિમેટ એકાઉન્‍ટ ખોલાવી નફો કરાવી આપવાની લાલચ દઇ ઠગાઇ કરવામાં આવી છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરિશ્રમ સત્‍કાર સ્‍કૂલ પાસે રહેતાં મુળ રાજકોટના પ્રભુજી પીપળીયાના વતની લેબ ટેક્‍નીશીયન યુવાન સાગર શંભુભાઇ સાવલીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી બ્રીજેશ જેન્‍તીલાલ મારવાણીયા અને એક બેંક ખાતાના ધારક તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, આઇટી એક્‍ટની કલમો હેઠળ શેર બજરમાં ઓપ્‍શન ટ્રેડીંગમાં રોકાણ કરી વધુ વળતર અપાવવાની લાલચ દઇ સાગરના ડિમેટ એકાઉન્‍ટના આઇડી પાસવર્ડ મેળવી ઓનલાઇન રૂા. ૮૫૭૦૦ ટ્રાન્‍સફર કરાવડાવી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

સાગર સાવલીયાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જામનગર રોડ પર એઇમ્‍સ હોસ્‍પિટલમાં લેબ ટેક્‍નીશીયન તરીકે કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરી કરુ છું. હું મોબાઇલમાં અલગ અલગ એપનો ઉપયોગ કરુ છું. એક વર્ષ પહેલા મને એક નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતાનું નામ બ્રીજેશ મારવાણીયા જણાવી મને શેર બજારમાં ટ્રેડીંગ કરવા જણાવતાં મને તેમાં રસ પળતાં મેં બ્રીજેશના કહેવા મુજબ મારુ ડિમેટ એકાઉન્‍ટ શરૂ કરવા કહી તેના આઇડી પાસવર્ડ પણ આપી દીધા હતાં. બાદમાં તે વ્‍યક્‍તિએ પોતાની રીતે ટ્રેડીંગ કરી મને એક અઠવાડીયામાં ૧ લાખ જેવી રકમનો લોસ કરાવી દીધો હતો. જેથી મેં તેને જણાવતાં તેણે આ ગુમાવેલી રકમ પાછી મેળવવી હોય તો મારા ખાતામાં રકમ ટ્રાન્‍સફર કરવી પડશે તેમ કહેતાં મેં વિશ્વાસ રાખી તેના ખાતામાં કટકે કટકે કુલ રૂા. ૮૫૭૦૦ ટ્રાન્‍સફર કર્યા હતાં.

પરંતુ આ રકમ મેં મોકલ્‍યા પછી પણ મને કોઇ ફાયદો થયો નહોતો. મારા ભરપાઇ કરેલા પૈસા પણ લોસ થઇ ગયા હતાં. આ પછી ફરી મેં તેનો સંપર્ક કરતાં તેણે હજી વધારે ઇન્‍વેસ્‍ કરવાથી તમને ફાયદો થશે તેમ કહેતાં મને તેના પર શંકા જતાં તપાસ કરતાં ઠગાઇ થયાની ખબર પડતાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનછલાઇન ૧૯૩૦માં મારી અરજી આપી હતી. જેના આધારે હવે એફઆઇઆર દાખલ થઇ છે. તેમ સાગરે વધુમાં કહેતાં  એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં પીઆઇ આર. જી. પઢીયારે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૨)

 

(3:15 PM IST)