News of Friday, 16th August 2024
ઘાયલ યુવાન રફિક દલવાડીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યોઃ હુમલો કરનારા સદામની અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવણી
ઇમરાને કહ્યું ‘આ ડોન આવ્યો', મિત્ર રફીકે ‘ડોન હોય તો એના ઘરનો'...કહેતાં સદામ ઉર્ફ કડાએ બેઠક પર કુહાડી ઝીંકી

રાજકોટ તા. ૧૬: સદર બજાર ભીલવાસમાં રહેતાં અને મજૂરી કરતો યુવાન અને તેનો મિત્ર ઘર નજીક રોડ પર ઉભા હતાં ત્યારે વિસ્તારનો નામચીનની છાપ ધરાવતો શખ્સ આવતાં એક મિત્રએ આ ડોન આવ્યો...કહેતાં યુવાને ડોન હોય તેના ઘરનો તેમ કહેતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ ત્યાંથી જતાં રહ્યા બાદ એક્ટીવામાં કુહાડી સાથે આવી યુવાનને બેઠક પર ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગીરનાર ટોકિઝ પાછળ ભીલવાસ-૨માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં રફીકભાઇ કાસમભાઇ દલવાડી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સદામ ઉર્ફ કડો શમશેરભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રફીકભાઇએ જણાવ્યું છે કે હું મારા ભાઇઓ સલિમભાઇ અને મહમદભાઇ સાથે સંયુક્ત પરિવારમાં રહુ છું. બુધવારે સાંજે સાડા ચારેક વાગ્યે ભીલવાસ ઇગલ પેટ્રોલ પંપથી આગળ બસીરભાઇના ભંગારના ડેલાની સામે ઉભો હતો ત્યારે મારો મિત્ર ઇમરાન ચોહાણ આવતાં અમે બંને વાતો કરતાં હતાં. તે વખતે ત્યાં સદામ ઉર્ફ કડો આવ્યો હતો. જેથી ઇમરાને મજાકમાં ‘આ સદામ ડોન આવ્યો' તેમ કહેતાં મેં ‘ડોન હોય તો એના ઘરનો આપણે શું?' એવું કહેતાં સદામ ગુસ્સો કરી જતો રહ્યો હતો. થોડીવાર પછી તે ફરીથી એક્ટીવા લઇને આવ્યો હતો અને મને ગાળો દેવા માંડયો હતો કે તું શું કહેતો હતો ડોન હોય તો ઘરનો એમ? તેવું બોલી એક્ટીવામાંથી કુહાડી કાઢતાં હું ભાગવા માંડતા તેણે કુહાડીનો ઘા મારી બેઠક પર ડાબી બાજુએ મારી દેતાં હું રોડ પર જ પડી ગયો હતો.
દેકારો થતાં સદામ ત્યાંથી ભાગી ગયો હતો. મારા કોઇ ઓળખીતા નીકળતાં તેણે મારા ભાઇ મહદમભાઇને ફોન કરતાં તે તથા જમાલભાઇ કટારીયા સહિતના આવી જતાં મને હોસ્પિટલે લઇ ગયા હતાં. મારા મિત્ર ઇમરાને સદામને મજાકમાં ડોન કહેતાં અને મેં તેને ડોન હોય તો ઘરનો તેવું કહેતાં તેનો ખાર રાખી સદામે કુહાડીથી હુમલો કરી મને બેઠકના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. ભગોરાએ ગુનો દાખલ કરી સદામ ઉર્ફ કડોની શોધખોળ ચાલુ કરી છે. વિસ્તારના લોકોના કહેવા મુજબ હુમલાખોર અગાઉ શહેરના ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને હાલ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો છે.
(3:28 PM IST)










